આઝાદી તો આપણને 15મી ઓગસ્ટ 1947ના દિવસે મળી. પણ આપણું પોતાનું બંધારણ ઘડવામાં ત્રણેક વર્ષ લાગેલાં. બંધારણ કમિટિના સભ્યોએ ખૂબ જ સરળ રીતે અને અન્ય દેશોના બંધારોના ગહન અભ્યાસ બાદ આપણું બંધારણ લખવામાં આવ્યું હતું. આંબેડકરજી એ આપા બંધારણના મુખ્ય ઘડવૈયા હતા. આ અમૂલ્ય બંધારણનું અમલીકરણ તા. 26 જાન્યુઆરી 1950ના રોજ થયું હતું. આ દિવસથી ભારત પ્રજાસત્તાક દેશ બન્યો હતો. બંધારણની રુએ ભારતને કહેવામાં આવે છે કે આ દેશની રાજ વ્યવસ્થા, લોકોની લોકો વડે અને લોકોને માટેની લોકશાહી ઢબે ચાલતી રાજ વ્યવસ્થા છે. આપણને બંધારણની રૂએ અનેક હક આપવામાં આવ્યા છે.
તો સાથે સાથે આપણે લોકોએ કેટલીક ફરજો પણ બજાવવી પડે છે. બંધારણની રખેવાળી કરવા માટે અને બંધારણના કહ્યા મુજબ સંસદ ચાલે એને માટે રાષ્ટ્રપતિની નિમણૂક કરવામાં આવે છે. રાષ્ટ્રપતિનું આ પદ દેશનું સર્વોચ્ચ પદ ગણાય છે. આપણા પ્રથમ રાષ્ટ્રપતિ હતા ડો. રાજેન્દ્રપ્રસાદ અને તે વખતે વડા પ્રધાન હતા પંડિત જવાહરલાલ નહેરૂ. જયારે વર્તમાને દ્રૌપદી મૂર્મુ રાષ્ટ્રપતિપદે આરૂઢ છે અને નરેન્દ્ર મોદી વડા પ્રધાનપદે સ્થાપિત છે. આપણા દેશને પ્રજાસત્તાક થયાને અત્યારે પંચોતેર વર્ષ પૂરાં થયાં છે. આ પંચોતેર વર્ષમાં ભારતે ઘણી દિશાઓમાં ઘણી બધી તરક્કી કરી છે.
દુનિયાના પ્રગતિશીલ દેશોની પેરેલલ આપણો દેશ ગતિ કરી રહ્યો છે. આ પંચોતેર વર્ષમાં આપણી આબાદી (જન સંખ્યા) પણ ત્રણથી ચાર ઘણી વધવા પામી છે. આ વસ્તીવધારો આપણા તમામ પ્રકારના વિકાસને મોળો પાડી દે છે. આજે આપણે વસ્તીવધારાની ગણતરીએ ચીનને પણ પાછળ પાડીને નંબર વનના ક્રમે બિરાજીએ છીએ. એમ કહી શકાય કે આપણી ફરજ છે કે વસ્તી નિયંત્રણ ઉપર ભાર મૂકવો રહ્યો. પ્રજાસત્તાક ભારતનાં તમામ નાગરિકોએ પોતાની એક પવિત્ર ફરજના ભાગરૂપે વસ્તીના વધારા ઉપર પૂરતું નિયંત્રણ રાખવું જોઇએ.
સુરત – બાબુભાઇ નાઇ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
