વડોદરા: ગણેશોત્સવ દરમિયાન સ્થાપના કરાયેલ શ્રીજીની મૂર્તિઓનું વિસર્જન કૃત્રિમ તળાવો બનાવીને તેમાંજ કરવાની વ્યવસ્થા પાલિકા દ્વારા કરવામાં આવી હતી. હવે વિસર્જનના દિવસો બાદ કૃત્રિમ તળાવમાં વિસર્જિત કરાયેલ મૂર્તિઓની હૃદય દ્રાવક અવદશા નિહાળીને ભાવિક ભક્તો દુઃખી દુખી થઇ ગયા હતા. તાજેતરમાં જ રોડ વચ્ચેના મંદિરો તોડવા બાબતનો વિવાદ તો શમ્યો નથી ત્યાં જ તંત્ર દ્વારા કરવામાં આવી રહેલી મૂર્તિઓની દુર્દશા બદલ હિન્દુઓમાં આક્રોશનો જ્વાળામુખી ભભૂકી ઉઠયો છે.
હાલમાં તળાવમાંથી વિસર્જન કરેલી મૂર્તિઓ કાઢીને ટ્રેકટર દ્વારા બ્રિજની બાજુમાં આવેલા ખાડાની અંદર નાખવા જતા હતા ત્યારે જ દાંડિયા બજાર સ્થિત જય શ્રી રામ ગ્રુપ ત્યાંથી પસાર થતું હતું. મૂર્તિઓની દુર્દશા નિહાળીને કંપી ઉઠેલા શ્રદ્ધાળુ ઓએ ટ્રેક્ટર ચાલક અને મજૂરોને પૂછ્યું કે આ વિસર્જન કરેલી મૂર્તિઓને કયા લઈ જઈ ને તમે શું કરો છો ? તે લોકોએ લાગણી દુભાય તેવી વાત કરતા જણાવ્યું હતું કે અમને લોકોને ઓર્ડર છે કે મૂર્તિઓ કાઢીને બાજુના ખાડામાં નાખી દો. સાંભળીને તંત્રની કામગીરી સામે આક્રોશ વ્યકત કરતા જય શ્રીરામ ગ્રુપ દ્વારા પ્રચંડ વિરોધ કરવામાં આવ્યો હતો. જન આક્રોશ નિહાળતા જ ટ્રેકટર ચાલક અને મજૂરો ટ્રેક્ટર છોડીને નાસી છૂટયા હતા. જય શ્રી રામ ગ્રુપના રાજુભાઈ અગ્રવાલ સહિતના અનેક હિંદુ સંગઠનો દ્વારા ભારોભાર વિરોધ કરવામાં આવ્યો હતો અને પાલીકા તંત્રને સ્પષ્ટ ચીમકી આપવામાં આવી હતી કે નગરજનો દ્રારા કોઈ પણ ધર્મનું અપમાન સહન કરવામાં નહીં આવે. હિન્દુઓની લાગણી દુભાવવાના કૃત્યમાં જે કોઈ પણ અધિકારીની સંડોવણી હોય તેને સત્વરે સસ્પેન્ડ કરવામાં આવે.