શીના બોર મર્ડર કેસ સમગ્ર ભારતમાં ખૂબ જ ચકચારી બન્યો હતો. શીના બોરા હત્યા કેસ ત્યારે પ્રકાશમાં આવ્યો હતો જ્યારે પોલીસે ઈન્દ્રાણી મુખર્જીના ડ્રાઈવર શ્યામવર રાયની બંદૂક સાથે ધરપકડ કરી. રાયે જણાવ્યું હતું કે 2012માં ઈન્દ્રાણી મુખર્જીએ કારમાં ગળું દબાવીને શીનાની હત્યા કરી હતી. ઈન્દ્રાણીની ધરપકડ બાદ તેના પૂર્વ પતિ સંજીવ ખન્નાની પણ પુત્રીની હત્યામાં મદદ કરવા અને પુરાવાનો નાશ કરવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી. ઈન્દ્રાણીએ તેના બીજા પતિ પીટર મુખર્જીને કહ્યું હતું કે શીના તેની બહેન છે. શીના બોરા અને પીટર મુખર્જીના પુત્ર રાહુલ મુખર્જી વચ્ચે પણ નિકટતા હતી.
2012માં શીના અચાનક ગાયબ થઈ ગયા બાદ રાહુલે તેને શોધવા માટે ઘણા પ્રયત્નો કર્યા હતા. જ્યારે આ મામલો પ્રકાશમાં આવ્યો ત્યારે તપાસમાં જાણવા મળ્યું કે ઈન્દ્રાણીએ મુંબઈના બાંદ્રામાં શીનાનું ગળું દબાવીને હત્યા કરી હતી અને તેના મૃતદેહને રાયગઢ જિલ્લામાં દાટી દીધો હતો. હવે આ કેસમાં નવો વળાંક આવ્યો છે. રાયગઢના પેણ ગામના જંગલમાંથી 2012માં જપ્ત કરાયેલા હાડકાં, જેને સીબીઆઈએ શીના બોરાના અવશેષો હોવાનું કહ્યું હતું, તે હવે ગુમ છે.
હાડકાઓને તપાસ માટે મુંબઈની જેજે હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા. સીબીઆઈએ ગુરુવારે મુંબઈની સ્પેશિયલ કોર્ટને કહ્યું કે, ઘણી શોધખોળ કરવા છતાં પણ આ હાડકાં મળ્યાં નથી. હકીકતમાં INX મીડિયાના પૂર્વ સીઈઓ ઈન્દ્રાણી મુખર્જીની પુત્રી શીના બોરાની 2012માં ગળું દબાવીને હત્યા કરવામાં આવી હતી. આરોપ છે કે ઈન્દ્રાણીએ તેના પૂર્વ પતિ સંજીવ ખન્ના અને ડ્રાઈવર શ્યામવર રાય સાથે મળીને શીનાની હત્યા કરી હતી. આ પછી તેઓ મૃતદેહને મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લાના પેન ગામના જંગલમાં લઈ ગયા અને સળગાવી દીધો હતો.
જો અન્ય એક ચકચારી કેસની વાત કરીએ તો તે છે પૂણે હિટ એન્ડ રન કેસ છે. જે સમયે અકસ્માત સર્જાયો તે સમયે સગીર આરોપી પોર્શ કાર ચલાવી રહ્યો હતો. નશાની શંકાના આધારે આરોપીના બ્લડ સેમ્પલ લેવાયા હતા પરંતુ બ્લડ રિપોર્ટમાં દારૂની પુષ્ટિ થઈ નહોતી. આ મુદ્દે નવો ખુલાસો થયો હતો. આરોપીના બ્લડ સેમ્પલ જ બદલી દેવાયા હતા જેના કારણે બ્લડના તપાસ રિપોર્ટમાં આલ્કોહોલની પુષ્ટિ થઈ નહોતી. પોલીસે આ મામલે ફોરેન્સિક ડિપાર્ટમેન્ટના એચઓડી અને એક ડોક્ટરની ધરપકડ કરી હતી.
આરોપી ડોક્ટર શ્રીહરિ હલનોરને બ્લડ સેમ્પલ બદલવા માટે 3 લાખ રૂપિયા મળ્યા હતા. પૂણે પોલીસની તપાસમાં આ મોટો ખુલાસો થયો હતો. પોલીસે જણાવ્યું હતું કે સગીર આરોપીના બ્લડ સેમ્પલ કચરામાં ફેંકી દેવામાં આવ્યા હતા. આરોપી ડોક્ટર શ્રીહરિ હલનોરે સગીર આરોપીના બ્લડના સેમ્પલ કચરામાં ફેંકી દીધા. સગીર આરોપીને બદલે તેની માતાના બ્લડ સેમ્પલ મૂકી દેવામાં આવ્યા હતા. ડોક્ટર શ્રીહરિ હારલોરે ડિપાર્ટમેન્ટ એચઓડી ડોક્ટર તાવડેના કહેવા પર આવું કર્યું હોવાનું નિવેદન આપ્યું હતું.
આવી જ રીતે 25 મેના રોજ ગુજરાતના રાજકોટમાં એક ગેમ ઝોનમાં થયેલા અગ્નિકાંડમાં 28 લોકોનાં મોત થઇ ગયા હતા. સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT)એ કોર્ટમાં સ્પે.પીપી તુષાર ગોકાણીએ કહ્યું હતું કે, ગેરકાયદે બાંધકામને કાયદેસર કરવા માટેની કોઈ અરજી જ કોર્પોરેશનમાં કરવામાં નહોતી આવી. 25 મેના રોજ અગ્નિ કાંડ સર્જાયા બાદ 26 તારીખના રોજ ખોટા દસ્તાવેજો ઉભા કરવામાં આવ્યા હતા. બનવાના 1 દિવસ બાદ અશોક સિંહ અને કિરીટ સિંહ જાડેજાના કહ્યા બાદ ખોટા દસ્તાવેજ (Document) ઊભા કરવામાં આવ્યા હતા. એટલું જ નહીં કોર્પોરેશનનું ઓરીજનલ રજિસ્ટર્ડનો નાશ કરવામાં આવ્યો હતો. જાડેજા ભાઈઓની સૂચનાથી રજિસ્ટર્ડનો નાશ કરવામાં આવ્યો હોવાની વાત સામે આવી છે. સ્પે.પીપી તુષાર ગોકાણીએ કહ્યું, પૂર્વ ટાઉન પ્લાનિંગ ઓફિસર એમ. ડી.સાગઠીયા દ્વારા ખોટી મિનિટસ બુક બનાવવામાં આવી હતી. 4 મેના રોજ કોઈ ગેરકાયદેસર બાંધકામ માટેની અરજી કરવામાં નહોતી આવી. તેમજ 9 મેના રોજ અરજી સંદર્ભે કોર્પોરેશન દ્વારા કોઈ પ્રત્યુતર આપવામાં નહોતો આવ્યો હતો.
રાજકોટમાં 25મી મેએ કાલાવડ રોડ પર આવેલા ગેમ ઝોનમાં ભયાનક આગ લાગવાની ઘટના બની હતી. જેમાં બાળકો સહિત 28 લોકો હોમાયા હતા. આ ઘટનાના બીજા જ દિવસે હાઈકોર્ટે સુઓમોટો લીધી હતી. આજે ત્રીજીવાર હાઈકોર્ટમાં સુઓમોટો અરજી પર સુનાવણી હાથ ધરવામાં આવી હતી. એડવોકેટ પંચાલ દ્વારા બિલ્ડિંગને લગતા નિયમો હાઈકોર્ટમાં રજૂ કર્યા તેમજ બીયુ પરમિશન ન હોય તેમજ તેના નિયમોનું પાલન ન કરતા હોય તેની સામે કોઈ પગલાં લેવાતા નથી.
ગુજરાત હાઈકોર્ટમાં રાજકોટ અગ્નિકાંડ મામલે સુનાવણી થઇ જેમાં TRP ગેમઝોન શરૂ થયો ત્યારથી અત્યાર સુધીના તમામ સંલગ્ન વિભાગો પર બે દિવસમાં ડિપાર્ટમેન્ટ ઇંકવાયારી બેસાડવાની અને આગામી 15 દિવસમાં કોર્ટ સમક્ષ ઇંકવાયારીનો રિપોર્ટ રજૂ કરવા આદેશ આપવામાં આવ્યો હતો. સુનાવણી દરમિયાન હાઈકોર્ટે કહ્યું કે અગાઉ બનેલી ઘટનાઓ બાદ સુપ્રીમ કોર્ટે આપેલા નિર્દેશો જણાવાયા હતા. સીટ ખાતાકીય તપાસ કરતી નથી, જવાબદાર અધિકારીની સામે તપાસ કરવામાં આવે તેમજ અધિકારીઓની ભૂમિકા તપાસવી જરૂરી છે. રાજકોટ ગેમ ઝોન, મોરબી પુલ તેમજ વડોદરા હરણી તળાવની દુર્ઘટનાથી એક વાત સ્પષ્ટ થાય છે કે મહાનગર પાલિકાનું તંત્ર યોગ્ય કામ કરતું નથી.
રાજકોટ અગ્નિકાંડને લઈને સરકારે હાઈકોર્ટમાં કહ્યું કે નવ અધિકારીઓની ધરપકડ કરવામાં આવી છે. ત્યારે હાઈકોર્ટે કહ્યું કે તમે નાની માછલીઓ પકડી છે, મોટા અધિકારીઓની ધરપકડ કરી નથી, જે ગેમ ઝોનના ઉદ્ધાટનમાં હાજર હતા. ટીઆરપી ગેમ ઝોન રાતોરાત ઉભું થયું નહોતું. નગરપાલિકા અને મહાનગરપાલિકાનું તંત્રની કામગીરી કેવી છે તે અર્બન હાઉસિંગ વિભાગના સેક્રેટરી તપાસ કરે. સુનાવણી દરમિયાન હાઈકોર્ટે વધુમાં જણાવ્યું હતું કે ઘટના બન્યા બાદ સરકાર પગલાં ભરે છે, ત્યાં સુધી સુષુપ્ત રહે છે. વડોદરાની હરણી તેમજ મોરબી બ્રિજ દુર્ઘટના અસરકારક્તાનું ઉત્તમ ઉદાહરણ છે.