Charchapatra

માલદીવને ભારતનું મહત્વ સમયસર સમજાઇ ગયું તે સારી વાત છે

હવે મોટે ભાગે જે માલ્દીવ્ઝ તરીકે ઓળખાય છે તે માલ્દીવ એ હિંદ મહાસાગરમાં આવેલો એક નાનકડો ટાપુ દેશ છે. તે કેટલાક પ્રવાલ દ્વીપોનો સમૂહ છે અને તેની વસ્તી આપણા નાના રાજ્યો કરતા પણ ઓછી છે. આ ટાપુ રાષ્ટ્ર સાથે ભારતને છેલ્લા કેટલાક સમયથી અણબનાવ ચાલી રહ્યો હતો પણ હવે બંને દેશો વચ્ચે જૂની મિત્રતા ફરી સ્થાપિત થઇ રહી હોવાના સંકેતો મળી રહ્યા છે. માલ્દીવના પ્રમુખ મોહમ્મદ મુઇઝ્ઝુ ભારતની મુલાકાતે આવ્યા છે અને તેઓ હાલ ભારતમાં જ છે. તેમના બદલાયેલા સૂર અને ભારત સરકારે પણ તેમને આપેલા હકારાત્મક પ્રતિસાદ પરથી લાગે છે કે બંને દેશો વચ્ચે હવે ફરી મિત્રતાનો દોર શરૂ થશે.  ભારતની સત્તાવાર મુલાકાતે આવેલા માલ્દીવીયન પ્રમુખ મોહમ્મદ મુઇઝ્ઝુ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે સોમવારે દિલ્હીમાં મંત્રણાઓ થઇ હતી જેમાં બંને નેતાઓએ બંને દેશો વચ્ચે આર્થિક અને સમુદ્રી સહકારની નવી રૂપરેખા દોરી હતી અને છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલા શત્રુતાના માહોલના અંતનો સંકેત આપ્યો હતો.

રવિવારે સાંજે ભારતની પાંચ દિવસની મુલાકાતે આવી પહોંચેલા મુઇઝ્ઝુનું ભારત સરકારે ભવ્ય સ્વાગત કર્યું. તેમને રાષ્ટ્રપતિભવનના પ્રાંગણમાં સેનાની ત્રણેય પાંખો દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું. સોમવારે યોજાયેલી મંત્રણામાં મોદી અને મુઇઝ્ઝુએ બંને દેશો વચ્ચેના દ્વિપક્ષી સંબંધોની સમીક્ષા કરી હતી અને કરન્સી સ્વેપ કરાર પર સંમત થયા હતા જે માલ્દીવને ૪૦૦ મિલિયન ડોલરનો ટેકો મેળવવા સક્ષમ બનાવશે અને વધારાના રૂ. ૩૦૦૦ કરોડ પણ તે મેળવી શકશે. હું ભારત સરકારનો રૂ. ૩૦ અબજનો ટેકો આપવા બદલ અને વધારાના ૪૦૦ મિલિયન કરન્સી સ્વેપ એગ્રીમેન્ટ બદલ આભારી છું જે અમે હાલ જેનો સામનો કરી રહ્યા છીએ તે વિદેશી હુંડીયામણના મુદ્દાઓને હાથ ધરવામાં મદદરૂપ થશે એમ મુઇઝ્ઝુએ મોદી સાથેની  મંત્રણા પછી કહ્યું હતું.

આ બાબત દેખીતી રીતે સૂચવે છે કે ભારત વિરોધી અને ચીન તરફી ગણાતા મુઇઝઝુને ભારતનું મહત્વ સમજાઇ ગયું છે. બંને દેશો વિવિધ ક્ષેત્રે સહકાર માટે સહમત થયા હતા જેમાં ભારત માલ્દીવમાં બંદરો, એરપોર્ટો બાંધવા સહિતના વિકાસકાર્યો માટે સહકાર આપવા તૈયાર છે. ભારતની પાંચ દિવસની સત્તાવાર મુલાકાતે આવી પહોંચેલા માલ્દીવના પ્રમુખ મોહમ્મદ મુઇઝ્ઝુને રાષ્ટ્રપતિ ભવનના પ્રાંગણમાં વિધિવત સરકારી સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારે રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુ ઉપરાંત વડાપ્રધાન મોદી પણ આ સમયે ત્યાં હાજર હતા. આ બાબત એ પણ સૂચવે છે કે ભારત સરકાર પણ માલ્દીવ્ઝને ઘણુ મહત્વ આપી રહી છે.

આમ તો મુઇઝઝુની છાપ ચીન તરફી અને ભારત વિરોધી નેતા તરીકેની રહી છે. તેઓ પ્રમુખ બન્યા ત્યારથી જ ભારત સાથેના માલ્દીવના સંબંધો બગડવા માંડ્યા હતા. ગયા વર્ષે મોહમ્મદ મુઇઝ્ઝુ ઇન્ડિયા આઉટ અભિયાનના આધારે પ્રમુખપદે ચૂંટાયા હતા અને બાદમાં તેમણે ભારતને માલ્દીવ્ઝમાંથી પોતાના લશ્કરી કર્મચારીઓ પાછા ખેંચી લેવા કહ્યું હતું. દ્વિપક્ષી સંબંધોમાં ત્યારે ભારે કડવાશ આવી ગઇ હતી જ્યારે મુઇઝ્ઝુના કેટલાક મંત્રીઓએ ભારતીય વડાપ્રધાન મોદી પર કટાક્ષો કરતા ઉચ્ચારણો કર્યા હતા.

જો કે મુઇઝ્ઝુએ ત્યારબાદ પોતાનો ભારત વિરોધી અભિગમ હળવો બનાવ્યો હતો અને મોદીની ટીકા કરનાર મંત્રીઓને મંત્રીમંડળમાંથી કાઢી મૂક્યા હતા. આના પછી ભારત સરકારે પણ માલ્દીવ સાથે પોતાના સંબંધો સુધારવાની દિશામાં હિલચાલ શરૂ કરી હતી. હાલ જૂનમાં ભાજપની આગેવાની હેઠળની એનડીએની સરકાર કેન્દ્રમાં ત્રીજી વખત સત્તા પર આવી ત્યારે વડાપ્રધાન મોદી અને તેમના મંત્રીમંડળનો શપથવિધિ સમારંભ યોજાયો તેમાં જે થોડાક વિદેશી નેતાઓને આમંત્રણ આપવામાં આવ્યું હતું તેમાંના એક મુઇઝ્ઝુ પણ હતા. અને મુઇઝ્ઝુ ભારત આવ્યા પણ હતા. હાલ મુઇઝ્ઝુ ગુરુવાર સુધી ભારતમાં છે અને વિવિધ સ્થળોની મુલાકાત લેનાર છે.

ઘણાને એ બાબતે આશ્ચર્ય થઇ શકે છે કે સાવ નાનકડા અને આર્થિક રીતે પણ એકંદરે નબળા એવા માલ્દીવને ભારત શા માટે આટલું મહત્વ આપે છે? પણ આ મહત્વ આપવા પાછળ અગત્યનું કારણ વ્યુહાત્મકતા છે. હિંદ મહાસાગરમાં ૧૨૦૦ નાના નાના ટાપુઓ ધરાવતો માલ્દીવ દેશ એ મહત્વની શીપિંગ લાઇન નજીક આવેલો છે અને તે માર્ગ ચીન, જાપાન અને ભારત જેવા દેશો માટેના ઇંધણના પુરવઠા માટે ખૂબ મહત્વનો છે. બીજી બાજુ માલ્દીવમાં ચીનની વધતી વગ પણ ભારત માટે એક ચિંતાનો વિષય હતી. જો માલ્દીવમાં ચીન પગદંડો જમાવે તો ભારતને માટે વધુ મુશ્કેલીઓ ઉભી કરી શકે.

આથી જ ચીનની વધતી વગને ઓછી કરવા માટે ભારત માલ્દીવને સતત પોતાની સાથે રાખવાનો પ્રયાસ કરે છે. કેટલાક આર્થિક કારણો પણ જવાબદાર છે. જે રીતે માલ્દીવમાં ભારતીય પર્યટકો જાય છે તે રીતે માલ્દીવમાંથી ભારતમાં પણ નોંધપાત્ર પ્રમાણમાં પર્યટકો આવે છે. વળી માલ્દીવમાંથી લોકો તબીબી સારવાર માટે અને ભણવા માટે પણ આવે છે તેનાથી પણ ભારતને આવક થાય છે. ભારત અને માલ્દીવ બંનેને એકબીજાની ગરજ છે. માલ્દીવને સમયસર ભારતનું મહત્વ સમજાઇ ગયું છે તે સારી વાત છે.

Most Popular

To Top