Editorial

320 રૂપિયે કિલો ઘી ખરીદવા જાવ તો ભેળસેળ જ મળે એ હકીકત છે

ભગવાન વેંકટેશ્વરને સમર્પિત તિરૂમાલા તિરૂપતિ મંદિર ભારતના સૌથી પવિત્ર મંદિરો પૈકીનું એક છે. આ મંદિરમાં સોનાના દાનના સમચારો વારંવાર સાંભળવ મળે છે. મંદિરમાં દરરોજ લગભગ એક લાખથી વધારે શ્રદ્ધાળુઓ પ્રાર્થના કરે અને દાન પણ આપે છે. મંદિરની દાનપેટીમાં લાખો રૂપિયા તો આવે જ છે પણ ઘરેણાં ચઢાવનાર લોકોની પણ અછત નથી. તિરૂપતિ મંદિરને દેશનું સૌથી ધનાઢ્ય મંદિર મનાય છે.પ્રાચીન માન્યતા છે કે ભગવાન વેંકટેશ્વર જ્યારે પદ્માવતી સાથે પોતાના લગ્ન કરી રહ્યા હતા ત્યારે તેમને પૈસાની અછત પડી હતી. આ કારણે તેઓ ધનના દેવતા કુબેર પાસે ગયા અને એક કરોડ રૂપિયા અને એક કરોડ સોનાની ગીનીઓ માગી હતી.માન્યતા છે કે ભગવાન વેંકટેશ્વર આજે પણ તે ઉધારી છે અને શ્રદ્ધાળુઓ આ ઉધારના વ્યાજને ચૂકવવા અને તેમની મદદ કરવા માટે દિલ ખોલીને દાન કરે છે.

તિરૂમાલા મંદિરને દર વર્ષે લગભગ એક ટન સોનું દાનમાં મળે છે. મુખ્ય મંદિરનો ભાગ મજબૂત દિવાલોથી ધેરાયેલા છે અને મંદિરના અંદરના ભાગમાં કોઇપણ પ્રકારની ફોટોગ્રાફીની મંજૂરી નથી.જે લાડુ ચર્ચામાં છે, તેને મંદિરના ગુપ્ત રસોઈ ઘરમાં તૈયાર કરવામાં આવે છે. આ રસોઈ ઘરને પોટૂ કહેવાય છે.માનવામાં આવે છે કે અહીં દરરોજ હજારો લાડુ તૈયાર કરવામાં આવે છે. વર્ષ 2009માં તિરૂપતિના લાડુને જિયોગ્રાફિકલ ઇન્ડિકેટર તરીકે ઓળખ આપવામાં આવી હતી.લાડુને ચણાનો લોટ, માખણ, ખાંડ, કાજુ, કિશમીશ અને એલચી નાખીને બનાવવામાં આવે છે. કહેવાય છે કે આ લાડુને બનાવવાની રીત લગભગ 300 વર્ષ જૂની છે. તિરુમાલા મંદિરમાં ત્રણ પ્રકારના લાડુ મળે છે. લગભગ 40  ગ્રામ વજનવાળા નાના લાડુ દર્શન કરીને મંદિરની બહાર આવતા દરેક ભક્તને પ્રસાદ તરીકે વિના મૂલ્યે અપાય છે.

175 ગ્રામ વજનવાળો મધ્ય આકારના લાડુની કિંમત પ્રતિ લાડુ 50 રૂપિયા છે. તિરુપતિ તિરુમાલા દેવસ્થાનમ દ્વારા વિશેષ લાડુ તૈયાર કરાય છે જે 15 દિવસ  સુધી ફ્રેશ રહે છે. લાડુને નવી પેકેજિંગ ટેક્નોલોજીથી પેક કરાય છે. આથી ભક્તો લાંબા સમય સુધી રાખી શકે છે. ઓટોમેટિક મશીનોથી પેકિંગ કરાય છે અને પેકેજિંગનો ખર્ચો પ્રતિ પેકેટ 0.50 પૈસા થાય છે. ભારતના ટોપ 8 મંદિરોમાં તિરુપતિ બાલાજી મંદિર સૌથી અમીર મંદિર છે. તિરુપતિ બાલાજી ટ્રસ્ટને કમાણીનો મોટો ભાગ પ્રસાદથી જ થાય છે. ટ્રસ્ટ પાસે પ્રસાદ દ્વારા લગભગ 400-600 કરોડ રૂપિયા આવે છે. આસિવાય 338 કરોડ રૂપિયા દર્શન ટિકિટથી આવે છે.

હવે જે વિવાદ થયો છે તેની વાત કરીએ તો તિરુપતિ મંદિરમાં પ્રસાદના લાડુના ઘીમાં ભેળસેળના વિવાદમાં ચંદ્રાબાબુ નાયડુ સરકારે શુક્રવારે જણાવ્યું હતું કે, તેમણે ઘીનો સપ્લાયર બદલી નાંખ્યો છે. હવે કર્ણાટકની નંદિની બ્રાન્ડનું ઘી ખરીદવાનું શરૂ કરવામાં આવ્યું છે. નાયડુએ કહ્યું કે, બજારમાં ઘીનો ભાવ પ્રતિ કિલો રૂ. 500 હતો તો જગન મોહન સરકારે ખરાબ ગુણવત્તાનું ઘી પ્રતિ કિલો રૂ. 320 ના ભાવે ખરીદ્યું હતું.

ઘી સસ્તુ હોવાથી સરકારે ભેળસેળવાળુ ઘી ખરીદ્યું હતું. બીજીબાજુ નાયબ મુખ્યમંત્રી પવન કલ્યાણે કહ્યું કે પ્રસાદ બનાવવા માટે દૈનિક સરેરાશ 15000 કિલો ઘીની જરૂર પડે છે. તેમણે ઘીનો સપ્લાયર બદલી નાંખ્યો, કારણ કે તેની કિંમત રૂ. 1000 થી થોડી વધુ હતી અને તેમણે નવા સપ્લાયર પાસેથી રૂ. 360થી 400માં ઘી ખરીદવાનું શરૂ કર્યું હતું. તિરૂપતિ મંદિર સાથે જોડાયેલો ટ્રસ્ટ તિરૂમલા તિરૂપતિ દેવસ્થાનમ એટલે કે ટીટીડીના નામથી ઓળખાય છે. આ ટ્રસ્ટ મંદિરમાં જોડાયેલાં કામોમાં સામેલ છે.આ ટ્રસ્ટ સાથે જોડાયેલા લેબર યૂનિયનના કંદારપુ મુરલીએ મુખ્ય મંત્રી નાયડુના નિવેદનની ટીકા કરી છે.

તેમણે નિવેદનને ટીટીડીના કર્મચારીઓનું અપમાન ગણાવ્યું હતું. મુરલીએ કહ્યું, ટીટીડીમાં પારદર્શી પ્રક્રિયા છે જ્યાં પ્રસાદમાં ઉપયોગમાં લેવાતી દરેક સામગ્રીની તપાસ કરવામાં આવે છે. સામગ્રીની તપાસ પછી જ તેનો ઉપયોગ પ્રસાદમાં થાય છે. મુરલીએ કહ્યું કે ટીટીડીને જે પ્રસાદ મળે છે તે રોજ સર્ટિફાઇડ થયા પછી જ મળે છે.આંધ્ર પ્રદેશના તિરૂપતિ મંદિરમાં દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ જાય છે. મંદિરે દર્શન કરવા જતા લોકોને પ્રસાદમાં લાડુ આપવામાં આવે છે. ટીડીપીએ ગુજરાતની નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડનો હવાલો આપીને કહ્યું કે લાડુમાં પશુની ચરબીનો ઉપયોગ થવાની પુષ્ટિ થઈ છે.

અંગ્રેજી સમાચારપત્ર ધી ઇન્ડિયન એક્સપ્રેસે સૂત્રોના હવાલાથી કહ્યું, “લાડુ અને બીજા પ્રસાદ બનાવવા માટે ઘીનો ઉપયોગ થાય છે. આ ઘી વાઈએસઆર કૉંગ્રેસ પાર્ટની સરકારના સમયમાં ઘણી એજન્સીઓ પાસેથી લેવામાં આવ્યું હતું.ટીડીપીએ જે રિપોર્ટ જાહેર કર્યો છે તેમાં ઘણી વસ્તુનો ઉલ્લેખ છે .રિપોર્ટમાં સોયા બીન, સૂર્યમુખી, કપાસનું બીજ, નારિયેળ જેવી વસ્તુનો ઉલ્લેખ છે. જોકે, જે વસ્તુઓ સામે વાંધો ઉઠાવવામાં આવી રહ્યો છે તે લાર્ડ, બીફ ટેલો અને માછલીનું તેલ છે.લાર્ડ એટલે કે કોઇપણ ચરબીને ઓગાળી ત્યારે નીકળતું સફેદ પદાર્થ.

બીફ ટેલો એટલે કે બીફની ચરબીને ગરમ કરીને કાઢવામાં આવતું તેલ. આ સાથે જ દાવો કરવામાં આવ્યો છે કે તેમાં યોગ્ય માપદંડ પ્રમાણે વસ્તુઓ ન હતી. આ માપદંડને એસ વૅલ્યુ કહેવામાં આવે છે. એટલે કે ઉપર જણાવેલા પદાર્થોની એસ વૅલ્યુ બરાબર નથી તો કંઈક ગોટાળો છે. આ વિવાદ ભલે ગમે તે હોય કોણ સાચુ છે કે ખોટું તેમાં પડવાની જરૂર નથી પરંતુ સત્ય હકીકત જે છે તે ઘીનો ભાવ છે. ડેરી અને પશુપાલન સાથે સંકળાયેલા લોકોના જણાવ્યા અનુસાર ઘી કોઇ ફેક્ટરીમાં બનતું નથી કે તેનું બલ્કમાં ઉત્પાદન કરવામાં આવે તો ભાવ ઘટાડી શકાય. તેના માટે પશુઓ પાછળ જે ખર્ચ થાય છે તે ફરજિયાત કરવો જ પડતો હોય છે.

હાલમાં તો ગુણવત્તાવાળું ઘી 800થી લઇને 2500 રૂપિયે પ્રતિકિલો મળે છે. કેટલાક લોકો ગાયને જે ખોરાક ખવડાવે છે તે પણ ઓર્ગેનિક હોય છે અને દૂધ કાઢવાની પદ્ધતિ પણ હાઇજેનિક હોય છે જે માર્કેટમાં 2500 રૂપિયે કિલો વેચાઇ છે અને તેના ખરીદનારાનો વર્ગ પણ ખૂબ જ મોટો છે. દૂધના વ્યવસાય સાથે સંકળાયેલા લોકો કહે છે કે, 330 રૂપિયે કિલોના ભાવે ઘી વેચવાનું કોઇ કાળે શક્ય નથી. ઘર પરિવારના સભ્યોને આપવાનું હોય અને બે પાંચ કિલો હોય તો તે શક્ય છે પરંતુ આટલી મોટી માત્રાં આટલા ઓછા એટલે કે 320 રૂપિયે કિલોના ભાવમાં શુદ્ધ ઘી વેચવું કોઇ કાળે શક્ય નથી એટલે ભેળસેળની શક્યતા નકારી શકાય તેમ નથી.

Most Popular

To Top