Comments

પ્રસર્યું છે વિષ ડાળે ડાળે પાને પાને

પ્રદૂષણ અને તેની માનવજીવન તેમજ પર્યાવરણ પર થતી અસરો વિશે અનેક લેખો, પુસ્તકો લખાયાં છે. પરિસંવાદો યોજાતા રહે છે અને વિવિધ માધ્યમોમાં તેમના વિશે વારે-તહેવારે ફિકર વ્યક્ત થયા કરે છે. પ્રદૂષણને નિવારવાની નીતિઓ નક્કી થાય અને એ અમલી બને એ સમયગાળામાં પ્રદૂષણ અનેકગણું વધી ગયું હોય છે. સાર એટલો કે પ્રદૂષણ કેવળ કાનૂનથી નિયંત્રિત થાય એ શક્ય નથી. એના માટે દાનત બહુ મહત્ત્વની બાબત છે, કેમ કે, સમયાંતરે પ્રદૂષણ ફેલાયું હોય એવાં નવાં નવાં ક્ષેત્રો ઊઘડતાં જાય છે.

જેમ કે, એક નવીન અભ્યાસમાં જણાયું છે કે પ્રદૂષિત જમીન પર ઊગી નીકળતાં વગડાઉ ફૂલો ઝેરી ધાતુઓનું શોષણ કરે છે અને પરાગરજ વાહકો દ્વારા તેનો ફેલાવો થતો રહે છે. યુનિવર્સિટી ઓફ કેમ્બ્રિજના સંશોધકોના અભ્યાસમાં માલૂમ પડ્યું છે કે સફેદ ક્લોવર અને બાઈન્ડવીડ જેવી, નિંદણ પ્રકારની વનસ્પતિ દ્વારા જમીનમાં રહેલાં આર્સેનિક, કેડમિયમ, ક્રોમિયમ અને સીસું જેવી ધાતુઓના અંશો જમીનમાંથી શોષ્યા છે.  માખીઓ દ્વારા આ વનસ્પતિનાં ફૂલોમાંથી રસ ચૂસવામાં આવે ત્યારે અનાયાસે ધાતુના આ અંશો પણ તેમાં ભળે છે. વિશ્વભરના આહાર ઉત્પાદનમાં માખી જેવા પરાગરજવાહકો મહત્ત્વની ભૂમિકા ભજવે છે. ટામેટાં અને સફરજન પર ફળ બેસવાનો મુખ્ય આધાર તેની પર હોય છે. આથી જમીનના આ પ્રદૂષણનું વહન અન્યત્ર થવાની શક્યતા પૂરેપૂરી રહેલી છે.

સંશોધનના અહેવાલમાં જણાવાયા મુજબ, વિશ્વભરનાં શહેરોની જમીનમાં ધાતુઓના અંશ ભળીને તેને પ્રદૂષિત કરવાની મોટી સમસ્યા છે અને આ સમસ્યા દિનબદિન વધતી જાય છે. અમેરિકામાં લોખંડના ઉદ્યોગો અગાઉ રહી ચૂક્યા હોય એવા ઓહાયો રાજ્યના ક્લીવલેન્ડવ શહેરમાંથી જમીનના આવા નમૂના એકત્ર કરાયા હતા. આ જમીન પર અગાઉ લોખંડના ઉત્પાદન ઉપરાંત તેલની રિફાઈનરી તેમજ ઓટોમોબાઈલ ઉદ્યોગો હતા. તેની અસરરૂપે જ અહીંની જમીનમાં આ ધાતુઓના અંશ ભળ્યા હોવાનું મનાય છે. સંશોધકોએ આ સ્થળે ઊગેલી વિવિધ વનસ્પતિઓનો અર્ક કાઢીને તેનું પૃથક્કરણ કર્યું, જેમાં તેમને અલગ અલગ વનસ્પતિઓ દ્વારા શોષાયેલા જુદી જુદી ધાતુના અંશ જણાયા. આ બધામાં ભૂરાં ફૂલ ધરાવતા ચિકોરીના છોડમાં સૌથી વધુ માત્રામાં ધાતુઓ જોવા મળી.

એ પછી તેનાથી સહેજ ઓછી માત્રામાં ધાતુના અંશ સફેદ ક્લોવર, જંગલી ગાજર અને બાઈન્ડયવીડમાં જણાયા. તમામ વનસ્પતિઓના અર્કમાં સૌથી વધુ માત્રા સીસાની અને એ પછી ક્રોમિયમ, કેડમિયમ તથા આર્સેનિકની મળી આવી. એવું પણ જોવા મળ્યું કે ડેન્ડી્લીઅન જેવી વગડાઉ વનસ્પતિમાં ધાતુના અંશનું પ્રમાણ ઓછું જણાયું. એનો સૂચિતાર્થ એવો કે એ જ સ્થળની અન્ય વનસ્પતિઓની સરખામણીએ ધાતુને અર્કમાં રૂપાંતરિત કરવાની આ વનસ્પતિની આંતરિક લાક્ષણિકતા મર્યાદિત હશે. એ જ રીતે ધાતુના અંશનું સૌથી વધુ પ્રમાણ સામાન્ય મીલ્કવીડ તરીકે ઓળખાતી વનસ્પતિમાં જોવા મળ્યું, જે  આર્સેનિકનું હતું. જંગલી ગાજરના અર્કમાં કેડમિયમ, તો ચિકોરીમાં ક્રોમિયમ અને સફેદ ક્લોવરમાં સીસાનું સૌથી વધુ પ્રમાણ મળી આવ્યું.

એમ માનવાની જરાય જરૂર નથી કે આવું કેવળ અમેરિકામાં જ બન્યું છે. ઓડિશા રાજ્યના આઠ જળપ્લાવિત વિસ્તારોમાં (વેટલેન્ડમ) સીસું અને ક્રોમિયમ જેવી ધાતુઓનું પ્રમાણ મળી આવ્યું છે, જેમાં ભારતના સૌથી વિશાળ કૃત્રિમ જળાશય હીરાકુંડનો પણ સમાવેશ થાય છે. કહેવાની ભાગ્યે જ જરૂર છે કે આ ધાતુઓ કેન્સરકારક છે. આધુનિક યુગમાં શહેરીકરણ, ઔદ્યોગિકીકરણ જેવી ગતિવિધિઓને કારણે જળપ્લાવિત વિસ્તારમાં ભારે ધાતુઓ જમા થતી રહે છે. આ ધાતુઓ જમીન દ્વારા પાકમાં જઈ શકે છે, જે છેવટે માનવશરીરમાં પ્રવેશે છે. વિવિધ વિસ્તારમાં અલગ અલગ ધાતુઓ જુદા જુદા પ્રમાણમાં મળી આવે છે. આપણે આપણા આ ગ્રહને કઈ હદે પ્રદૂષિત કરી મૂક્યો છે એનું આ ઉદાહરણ છે. આપણે ગંદકી એ રીતે ફેલાવતા રહીએ છીએ કે છેવટે એ આપણા જ જીવન માટે ઘાતક બને.

પ્રવાસીઓની આવનજાવન વધુ પડતી રહે છે એવા સાગરતટો પર પણ ભારે ધાતુઓ જોવા મળી છે, જે જાહેર સ્વાસ્થ્ય માટે અતિશય નુકસાનકારક છે. માનવજાત માટે ઘાતક કહી શકાય એવી ધાતુઓનું પ્રમાણ અહીં જોવા મળ્યું છે. ફૂલના અર્કમાં, ખેતરમાં ઊગેલી ફસલમાં સુદ્ધાં ધાતુનું પ્રમાણ જોવા મળે એવી ભયાનક સ્થિતિ અને એ સ્થિતિ પ્રત્યેની ઉદાસીનતા વર્તમાન યુગની તાસીર છે. વારેવારે, વિવિધ વક્તવ્યો, લેખો, વાર્તાલાપ કે પરિસંવાદોમાં એ બાબતે ઘૂંટીઘૂંટીને ટકોર કરવામાં આવે છે કે ભાવિ પેઢીને આપણે કેવી પૃથ્વી વારસામાં આપીને જઈશું! હકીકત એ છે કે વર્તમાન પેઢી માટે જ આ પૃથ્વી એ હદે પ્રદૂષિત થઈ ગઈ છે કે કઈ ચીજ પ્રદૂષિત થવાની બાકી હશે એ સવાલ છે.

આને કાબૂમાં લેવા માટે કોઈ સરકારી નીતિ હશે કે કેમ અને હશે તો એ કેટલી અમલી હશે એ સવાલ છે. મુખ્ય વાત એ છે કે એને આપણે સૌએ ફરી ફરીને યાદ રાખવાની છે કે પ્રદૂષણને કેવળ કાનૂનથી નિયંત્રિત કરી શકાવાનું નથી. આપણે નાગરિકોએ પણ જાગૃતિ કેળવવાની છે અને આપણું પ્રદાન આપવાનું છે. પ્રવાસનને કારણે પ્રદૂષણ વધે એ સ્વાભાવિક છે, કેમ કે, સૌ કોઈનું હોય એ સ્થાન કોઈનું નથી હોતું. પ્રવાસી તરીકે પણ આપણે થોડી જવાબદારી દાખવવી જરૂરી છે. હકીકત એ છે કે જે ભયાનક ભાવિની કલ્પના કરવામાં આવે છે, એ બાબત ક્યારની વર્તમાન બની ગઈ છે અને આપણને એનો અંદાજ સુદ્ધાં નથી.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top