SURAT

સુરત મનપામાં કરોડોનો કોન્ટ્રાક્ટ લેવા 3 એજન્સીએ બોગસ ડોકયુમેન્ટ્સ બનાવ્યાનો ઘટસ્ફોટ

સુરત: સુરત મનપામાં મલાઇદાર ગણાતા સિકયુરિટીનો ઇજારો મેળવવા માટે દર વખતે ઇજારદાર એજન્સીઓ દ્વારા રીંગ બનાવવામાં આવતી હોવાની વાત નવી નથી. પરંતુ આ વખતે તો ટેન્ડરમાં ક્વોલિફાઇડ થયેલી ત્રણ એજન્સીએ ક્વોલિફાઇડ થવા માટે જરૂરી ડોકયુમેન્ટ ઉભા કરવા લેબર કમિશનર કચેરી સમક્ષ બોગસ ડોકયુમેન્ટ્સ રજૂ કરી લાઇસન્સ મેળવ્યું હોવાનું, રીન્યુ કરાવ્યું હોવાના પુરાવા સાથેની ફરિયાદ મનપા કમિશનરને મળતા સિકયુરિટી વિભાગના અધિકારીઓ દ્વારા ડોક્યુમેન્ટ્સની ખરાઇ કરાવાઇ હતી. જેમાં વિભાગ દ્વારા સજાગતાથી તપાસ કરતા ત્રણેય એજન્સીની ગોબાચારી બહાર આવી હોય મનપા તંત્ર દ્વારા શ્રમ વિભાગને પુરાવાïઓ સાથે પત્ર પાઠવવામાં આવ્યો છે.

  • લેબર કમિશનરની કચેરીમાંથી લાયસન્સ રીન્યુ કરવા માટે મનપાના બોગસ લેટરપેડ, સ્થાયી સમિતિના બોગસ ઠરાવો બનાવી રજૂ કરાયા : વિભાગની સજાગતાના કારણે ભોપાળુ બહાર આવ્યું
  • શ્રમ વિભાગ અને સુરત મનપા બંને આવી એજન્સીઓ સામે કાર્યવાહી કરશે

તેથી હવે આગામી દિવસોમાં બોગસ ડોક્યુમેન્ટ્સના આધારે લાઇસન્સ મેળવનારી/રીન્યુ કરાવનારી એજન્સીઓ સામે શ્રમ વિભાગ દ્વારા કાર્યવાહી થાય તેવી શકયતા વચ્ચે મનપા દ્વારા પણ આ ત્રણ એજન્સીઓ સામે કાર્યવાહી થવાની શકયતા જણાઇ રહી છે.

વિસ્તૃત વિગતો મુજબ મનપાના વિવિધ ઝોન, વિભાગો, પ્રોજેકટ સાઇટો, બાગ-બગીચા વગેરે સહિતની કુલ 600થી વધારે જગ્યાએ સિક્યુરિટી સુપરવાઇઝર, ગનમેન અને સિક્યુરિટી ગાર્ડ સપ્લાય કરવા માટે આશરે વાર્ષિક 40 કરોડથી વધુના ઇજારા માટે ટેન્ડર બહાર પડાયા હતા. જેમાં 23 એજન્સીએ ટેન્ડર ભર્યા હતા.

જો કે દર વખતે રીંગ બનીને ઇજારો મેળવતા ઇજારદારો પર લગામ કસવા માટે સ્થાયી સમિતિ દ્વારા સ્ટાફ સપ્લાય તથા અનુભવના ક્રાઇટેરીયા કડક કરાયા હતા. એટલું જ નહિ, મલ્ટીનેશનલ કંપનીઓ, 300થી વધુ રૂમ ધરાવતી હોટલો, 200થી વધુ રૂમ ધરાવતા શોપિંગ કોમ્પ્લેક્સો, મોલ, મલ્ટીપ્લેક્ષ, ઓડિટોરીયમોમાં સિક્યુરિટી સપ્લાયનો નિયત અનુભવ વગેરેની જોગવાઇ કરાઈ હતી. જેથી 23માંથી 4 એજન્સી ડિસક્વોલિફાઇડ થઇ હતી. અને જે 9 એજન્સી ક્વોલિફાઇડ થઇ, તે પૈકી ત્રણ એજન્સીઓ ઇએમકે સિક્યુરિટી, શક્તિ સિક્યુરિટી અને શક્તિ પ્રોટેકશન ફોર્સ પ્રા.લિ. સામે બોગસ ડોક્યુમેન્ટ્સને આધારે લાઇસન્સ મેળવાયા હોવાની ફરિયાદ ડિસક્વોલિફાઇડ થયેલી એજન્સી દ્વારા થઇ છે.

મનપા કમિશનર સમક્ષ થયેલી પુરાવા સાથેની ફરિયાદને આધારે સંલગ્ન વિભાગ દ્વારા પ્રારંભિક તપાસ પણ હાથ ધરવામાં આવી હતી અને આ તપાસમાં જ ફરિયાદમાં તથ્ય જણાયું છે. પુરાવા સાથે મનપા દ્વારા શ્રમ વિભાગને ફરિયાદ સાથેનો પત્ર ખરાઇ માટે મોકલી આપવામાં આવ્યો છે. આગામી દિવસોમાં આ અંગે નવા ફણગાï ફૂટે તેવી શકયતા નકારી શકાય તેમ નથી.

Most Popular

To Top