Gujarat

ચીરીપાલ ગ્રુપની તપાસમાં આઇટીને ડિજિટલ પુરાવા હાથ લાગ્યા

ગાંધીનગર : ગુજરાતના (Gujarat) અગ્રણી ચીરીપાલ ગ્રુપ પર ઇનકમ ટેક્સના (Income Tex) દરોડા બીજા દિવસે પણ ચાલુ રહ્યાં હતાં. 47 સ્થળે ચાલી રહેલા દરોડાની કામગીરીમાં પ્રથમ દિવસે બિનહિસાબી રોકડ (Cash) મળી આવી છે. આ ઉપરાંત બીજા દિવસે તપાસ દરમિયાન કરોડોના બિનહિસાબી વ્યવહારોની વિગતો ઈનકમટેક્સના અધિકારીઓના હાથમાં આવી છે. સાથે સાથે તેમની વિદેશની પ્રોપર્ટીઓ, ફોરેન બેંક એકાઉન્ટ અને હવાલાની પણ કેટલીક વિગતો મળી આવતા તપાસનો દોર શરૂ થઈ ગયો છે. બેનામી પ્રોપર્ટીની વિગતો પણ અધિકારીઓને મળી છે. ટેક્સટાઇલ, રીઅલ એસ્ટેટ અને એજ્યુકેશનમાં સંખ્યાબંધ કંપનીઓ ધરાવતા વેદપ્રકાશ ચીરીપાલ, બ્રિજમોહન ચીરીપાલ તેમજ જયોતિપ્રસાદ ચીરીપાલ, રોનક ચીરીપાલ, તથા વિશાલ ચીરીપાલની તમામ કંપનીઓ અને બ્રાન્ચ પર લાંબા સમયથી ઇનકમ ટેક્સના અધિકારીઓ વોચ રાખીને બેઠા હતાં.

તેમણે કરચોરીની વિગતો એકત્રિત થઈ ગયા બાદ બુધવારે વહેલી સવારે ઇનકમ ટેક્સના 150 થી વધુ અધિકારીઓ પૂરતા એસઆરપી બંદોબસ્ત સાથે 47 સ્થળે ત્રાટક્યા હતા અને દરોડાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. અમદાવાદમાં શિવરંજની ખાતેના ચીરીપાલ હાઉસમાં તેમજ બોપલ ખાતેના ચીરીપાલ કોર્પોરેટ હાઉસમાં મોટા પ્રમાણમાં આયકર અધિકારીઓએ સર્ચ કરી હતી . જ્યારે અન્ય નાની મોટી ઓફિસ અને બંગલામાં પણ તપાસની કાર્યવાહી ચાલી રહી છે. પ્રથમ દિવસે સર્ચમાં બિનહિસાબી રોકડા મળ્યા હતાં. બીજા દિવસે સર્ચ દરમિયાન અધિકારીઓને મોટા પ્રમાણમાં જમીન મકાન અને પ્રોપર્ટીના દસ્તાવેજો ની વિગતો મળી છે. જે તમામ ની તપાસ ચાલી રહી છે લેપટોપ મોબાઈલ અને કોમ્પ્યુટર માંથી જરૂરી ડેટાની મિરર ઇમેજ લેવાની કામગીરી પણ ચાલી રહી છે.

ચીરીપાલ ગ્રુપની જુદી-જુદી ઓફિસો ચીરીપાલ હાઉસ તેમજ કોર્પોરેટ ઓફિસ અને તમામ ડાયરેક્ટરોના ઘરે ચાલી રહેલી તપાસમાં મોટા પ્રમાણમાં ડિજિટલ ડેટા મળી આવ્યો છે. ડિજિટલ ડેટાને રિકવર કરવા માટે ખાસ તજજ્ઞોની ટીમ ઇનકમ ટેક્સના અધિકારીઓએ બોલાવી હતી. ગ્રુપના વિદેશમાં ફોરેન બેંક એકાઉન્ટ હોવાની વિગતો મળી છે ફોરેન બેંક એકાઉન્ટમાં પણ કરોડો રૂપિયા ટ્રાન્સફર થયા હોવાની વિગતો મળતા તેની તપાસ શરૂ કરવામાં આવી છે.

Most Popular

To Top