જિંદગી એક એવી મોંઘી ચીજ છે જેની કિંમત તો સમજાય છે પણ સાચા અર્થમાં કયારેય તેનું મૂલ્ય સમજાયું નથી. જન્મ તો આપણા હાથની વાત નથી પણ મૃત્યુ? એ તો આપણી સમજની બહાર છે, આ બંને પાનાં ઇશ્વરે પોતાની પાસે જ રાખ્યાં છે. જિંદગી નામનું એક કોરું પાનું આપણને આપીને આ સંસારમાં મોકલ્યા છે. આવી આ જિંદગીનું પાસું માત્ર એક જ નથી પણ તેનાં અનેક રંગ-રૂપ અનુભવવા મળે છે. જીવનમાં દરેક દિવસે કે દરેક ઘટના વખતે જિંદગી નીતનવા વેશ ધારણ કરી સામે આવતી હોય છે. કયારેક તો જિંદગી એટલી ઝડપથી પોતાનું પાત્ર બદલે છે કે આપણે હતપ્રભ થઇ જઇએ છીએ તો કયારેક સોળે કળાએ ખીલેલી લાગતી જિંદગી અચાનક જ કરમાવા લાગે છે. ત્યારે આપણને કંઇ સમજાતું નથી, થાય છે આ બધું શું થઇ રહ્યું છે?
ખરેખર તો આપણી જિંદગી આપણને મળેલા એક કોરા કાગળ જેવી છે એમાં આપણે જેવું ચિત્ર દોરીએ, જેવા તેમાં રંગો પૂરીએ તેવી આકૃતિ તૈયાર થાય છે. જીવનનું એવું જ છે. જીવન પ્રત્યે જેવો દૃષ્ટિકોણ કેળવો તેવું જીવન બને. તમારા સ્વભાવ પર આધાર રાખે, તમારી સારી-નરસી ટેવો પર આધાર રાખે. આપણે કેવુંક વર્તન દાખવીએ તેના પર જીવનની ઇમારત ઘડાય છે. જયારે જીવનમાં ખરાબ પરિસ્થિતિ આવે ત્યારે જિંદગીને દોષ દેવાની આપણી ટેવ હોય છે. આપણા પર આવી પડતાં દુ:ખ, પીડા, વેદના, ઉદાસી, નારાજગી, નિષ્ફળતાઓ માટેનો વાંક નસીબ પર ઢોળી દેતા હોઇએ છીએ. ત્યારે આપણને કરેલી ભૂલો દેખાતી નથી.
એક પિતા અને પુત્રની વાત જોઇએ.
‘‘બેટા, મને જિંદગી વહાલી તો લાગે છે પણ સાથે જિંદગી જીવવી વસમી પણ લાગે છે. જીવનને સ્વર્ગ બનાવવું કે નર્કાગારમાં પલટાવવું એ પ્રારબ્ધના નહિ પણ આપણા હાથમાં છે. પ્રભુએ આપેલા આવા મૂલ્યવાન માનવજીવનને મેં ખોટી કુટેવોમાં ને પ્રમાદભરી મોજમજામાં વેડફી નાંખ્યું છે’’ પુત્રને પાસે બોલાવીને પિતાએ કહ્યું. વિનયી પુત્રે પિતાને પૂછયું- ‘‘પિતાજી, આપ આમ શા માટે કહો છો? આપને જિંદગી કેમ વસમી લાગે છે? અત્યારે આપને શું દુ:ખ છે?’’
પિતાએ વ્યગ્ર સ્વરે કહ્યું ‘‘બેટા, બાહ્ય દૃષ્ટિએ મારું દુ:ખ દેખાય એવું નથી. સખત પરિશ્રમથી પેદા કરેલો પૈસો મેં મદિરાપાન, માંસભક્ષણ ને ધૂમ્રપાનમાં વેડફી નાંખ્યો. આનો અંજામ એ આવ્યો કે મદિરાને હું નહોતો પીતો પણ મદિરાના રૂપમાં રાક્ષસી મારું રકતપાત કરી રહી હતી. સિગારેટ હું નહોતો ફૂંકતો પણ સિગારેટ પોતે જ મને એક એક ફૂંકે રોજ રોજ થોડો બાળી રહી હતી. હવે એ સિગારેટની રાખની માફક મારા દેહની રાખ કબ્રસ્તાનની માટી ભેગી ભેળવાય તો જ એનો આતશ શાંત થશે માટે બેટા, મારી તને હૃદયપૂર્વકની શિખામણ છે કે આ ફરેબી ફંદાઓમાં તું નહીં ફસાય તો જીવનના પરમ આનંદનો અર્ક પામી શકશે. જિંદગી જીવવા જેવી લાગશે.’’
પિતાની વાત પૂરી થતાં પોતાના રૂમમાં પાછો ફર્યો. ઓરડાના એકાંતમાં પિતાની જીવનચર્યા તટસ્થ વિવેચકની નજરે નિહાળવા લાગ્યો. પિતા નશામાં એટલા ચકચૂર રહેતા કે કેટલાય દિવસો સુધી કોઇ વ્યવસાય કરી શકતા નહીં. નશામાં કજિયા કરી બેસતા અને એની પતાવટમાં પૈસાનું પાણી થતું. સિગારેટોએ ફેફસાં કાણાં કરી નાંખ્યાં હતાં. આનો અંજામ એ આવ્યો કે જીવનના સાચા શાશ્વત આનંદથી વંચિત રહેવું પડયું. આ જીવતર વસમું- બોજારૂપ બની ગયું. જીવન જાણે પરાણે ઢસરડતા હોય એમ ગળિયેલ બળદ માફક જીવનની ધૂંસરી ખેંચે રાખતા હતા.
પુત્રે પિતાના જીવનમાંથી જીવનને વસમું નહીં પણ નંદનવન સમું રળિયામણું કેમ બનાવવું એની પ્રેરણા લીધી. પિતાએ આચરેલાં સઘળાં દૂષણોને એણે તિલાંજલિ આપી દીધી. રોજ નિયમિત વ્યાયામને જીવનમાં પ્રાધાન્ય આપ્યું. મિતાહારી બની, ખૂબ જ સ્ફૂર્તિથી સાહિત્યનાં એક એકથી ચડિયાતાં સર્જનો વિશ્વને આપવા માંડયા. વૃધ્ધાવસ્થાએ પણ નવજવાનને શરમાવે એવું કૌવત જાળવી રાખ્યું. ચેતનવંતા ઝરણાંની માફક જીવન પ્રવાહ અસ્ખલિત વહેતો રાખી, જગતને એવો સાહિત્ય વારસો આપ્યો કે સાહિત્યના દરેક ક્ષેત્રે સિધ્ધિનાં શિખર હાંસલ કર્યાં. જીવનને જવલંત તગતગતું બનાવ્યું. વસમું નહિ.
પિતાએ ખુદ જીવનને પોતાના દૂષણ કાર્યોથી વસમું બનાવ્યું હતું. આ દૂષણોમાંથી સદ્બોધ પામેલા એ પનોતા પુત્ર હતા જગવિખ્યાત મહાન સાહિત્ય સર્જક જયોર્જ બર્નાર્ડ શો. આવી આ જિંદગીનો પોતાનો સ્વભાવ હોય છે. તેની ખાસિયતો પણ એવી જ હોય છે. પોતાની ભાષામાં આપણને ઘણી વાર શાનમાં સમજાવે છે કે આગળ રસ્તો ખરાબ છે. રોકાઇ જાવ. પાછા ફરી જાવ પણ આપણે ઇશારો સમજતા નથી અને પછી તેનાં પરિણામો ભોગવીએ છીએ. જિંદગી તો સારાનરસા બનાવોનો સરવાળો છે. રોજ ને રોજ કંઇ ને કંઇ અવનવું બનતું રહે છે. કયારેક સારું તો કયારેક નરસું, થોડુંક ધારેલું તો બાકીનું અણધાર્યું. જે નિરાંત અનુભવતા માણસને તત્કાલ દોડાવે.
અમારા પાડોશી સુરેશભાઇને છાતીમાં દુખાવો ઉપડયો, હૃદયરોગ નિષ્ણાત ડૉકટર પાસે લઇ ગયા. નિદાન એવું થયું કે સુરેશભાઇના હૃદયની નસોમાં આર્ટરિઝમાં ઓછાવત્તા અંશે અવરોધો ઊભા થયેલા છે. તેથી યથાયોગ્ય રીતે બ્લડ સરક્યુલેશન ન થતાં તે થાક, હાંફ છાતીમાં ભીંસ અનુભવે છે. દુખાવો થાય છે. શું કરવું એન્જીયોપ્લાસ્ટી કે બાયપાસ સર્જરી? સુરેશભાઇ તો અનેક કારણોસર અવઢવમાં હતા. આકસ્મિક આવી પડેલ સર્જરીએ તેમને ચિંતિત કરી મૂકયા હતા. આર્થિક અને સામાજિક ભીંસ વચ્ચે આવી પડેલી હૃદયની ભીંસે જિંદગી વસમી બનાવી દીધી.
ચિંતા હતી શું થશે? નાણાંની વ્યવસ્થા તો કદાચ થાય પરંતુ ઓપરેશનના સિલસિલામાંથી પાર ન ઊતરાયું તો શું? પાછળ પરિવારજનોનું શું? ડૉકટરે હિંમત આપી ચિંતા ન કરો- ભગવાન પર શ્રધ્ધા રાખો, સૌ સારાવાના થશે. સમજાવટથી સુરેશભાઇએ હોસ્પિટલમાં દાખલ થઇ એન્જીયોગ્રાફી કરાવી. ઇશ્વરની ઇચ્છામાં પોતાની ઇચ્છા ભેળવી દેનાર અથવા જે થાય છે તે બધું સારા માટે થાય છે એમ માનનાર વ્યકિતને ગમે તેવા દુ:ખમાં પણ જિંદગી વસમી લાગતી નથી.
શ્રી રાજેન્દ્ર શાહની કાવ્ય પંકિત કેટલી યોગ્ય છે.
‘ભાઇ રે, આપણાં દુ:ખનું કેટલું જોર?
નાની અમથી વીતક વાતનો મચાવી એના શોર’ સવારમાં વાંચવા માટે કોઇ પણ વર્તમાનપત્ર ખોલો તો ઓછામાં ઓછા એક નહીં પાંચ- છ આપઘાતના સમાચાર તો હોય જ છે.
મોટા ભાગના આપઘાત પાછળ આર્થિક મુશ્કેલી કારણભૂત હોય છે અને તેથી ઉત્પન્ન થતો તણાવ. ચિંતામાં ને ચિંતામાં માનસિક તણાવ અનુભવે છે. જિંદગી જીવવી વસમી લાગે છે અને છેલ્લે આપઘાત તરફ વળે છે. આ બધી દ્વિધા મટાડવાનો એક જ ઉપાય- જીવન તરફનો માણસનો અભિગમ બદલવાનો છે. જે માણસો પોતાની જિંદગીને પ્રેમ કરી શકતા નથી, પોતાની જિંદગીને ચાહી શકતા નથી તેઓ બીજાને પણ પ્રેમ કરી શકતા નથી. જે પોતાની જાતને પ્રેમ કરે છે તેની પાસે એક કળા છે. પ્રેમ આપે છે અને પ્રેમ મેળવે છે.
આવા માણસોની ભાવનામાં મીઠાશ, સ્વભાવમાં સુવાસ, પ્રેમનો અહેસાસ હોય છે ત્યારે જ તેમનું જીવન અને જિંદગી બંને સુંદર બને છે. બીજાના આંસુ લૂછતા જેને આવડે છે તે ચિત્તની પ્રસન્નતા મેળવી શકે છે. પરિણામે જિંદગી વસમી લાગતી નથી. આ જ તો છે જીવનનો વૈભવ જેના દ્વારા જિંદગી નંદનવન બની જાય છે. તો વાચકમિત્રો! ખુદને ચાહો તો ખુદા પણ હાથવેંતમાં છે. જિંદગી પ્રત્યેની ચાહના રાખો- જયાં છે માત્ર પ્રેમ પ્રેમ પ્રેમ…! જિંદગી ખૂબસૂરત ગિફટ છે. જીવન તમારું એક મંદિર છે. જીવન છે સમસ્યા તો આવવાની જ. ભગવાને જીવન અને મૃત્યુ બંને આપ્યાં છે.
નિર્ણય આપણે કરવાનો છે કે જિંદગીને વહાલી બનાવવી છે કે વસમી? આ માટે જરૂર છે સાચી સમજણની, જિંદગીનું સાચું મૂલ્ય સમજયા વિના, જીવનના છેલ્લા શ્વાસ સુધી પદ, પ્રતિષ્ઠા, અને પૈસા પાછળ દોટ મૂકતા લોકો એક અભિશાપ લઇને જન્મેલા હોય છે અને ખરેખર આવા લોકો દયાને પાત્ર છે. તો મિત્રો આપણે સંકલ્પ કરીએ કે આપણે પણ આપણી જિંદગીને ભરપૂર ચાહીએ. જિંદગી ખૂબ જ મજાની છે જો તમને જીવતા આવડે તો…