World

ઈસ્તાંબુલ નાઈટ ક્લબમાં લાગી ભીષણ આગ, 29 લોકોના મોત

તુર્કીમાં (Turkey) મોટી દુર્ઘટનાના સમાચાર સામે આવ્યા છે. દેશના ઈસ્તાંબુલ (Istanbul) શહેરમાં એક નાઈટક્લબમાં (Nightclub) રિનોવેશન દરમિયાન આગ લાગી હતી, જેમાં અત્યાર સુધીમાં 29 લોકોના મોત થયા છે. આ ઘટનામાં અન્ય ઘણા લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. અધિકારીઓ તરફથી એપીના અહેવાલ મુજબ આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે. જોકે મૃતકોની સંખ્યામાં હજુ વધારો થવાની આશંકા છે.

તુર્કીના સૌથી મોટા શહેર ઈસ્તાંબુલમાં એક નાઈટ ક્લબમાં લાગેલી આગમાં ઓછામાં ઓછા 29 લોકોના મોત થયા છે. ઈસ્તાંબુલ ગવર્નરની ઓફિસે જણાવ્યું હતું કે શહેરના મધ્યમાં એક નાઈટ ક્લબમાં નવીનીકરણ દરમિયાન આગ ફાટી નીકળી હતી. આ આગમાં 29 લોકોના મોત થયા છે અને અનેક વ્યક્તિ ઘાયલ થયો છે. ગવર્નર દાવુત ગુલના કાર્યાલયે મંગળવારે એક નિવેદનમાં જણાવ્યું કે આગમાં મૃતકોની સંખ્યા વધીને 30 થઈ ગઈ છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આગમાં ઘાયલ એક વ્યક્તિ હજુ પણ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

કેવી રીતે થયો અકસ્માત?
મળતી માહિતી મુજબ ઈસ્તાંબુલ સ્થિત નાઈટ ક્લબ રિનોવેશન માટે બંધ કરવામાં આવી હતી. નાઈટ ક્લબ બેસિકતાસ જિલ્લામાં 16 માળની રહેણાંક ઇમારતના ગ્રાઉન્ડ ફ્લોર પર હતી. સ્થાનિક અધિકારીઓએ જણાવ્યું છે કે આગના કારણની તપાસ કરવામાં આવી રહી છે. એવું માનવામાં આવે છે કે માર્યા ગયેલા લોકો ક્લબના રિનોવેશનના કામ સાથે સંકળાયેલા હતા. ઘાયલોને નજીકની હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે.

આ પહેલા ઈસ્તાંબુલમાં એક નાઈટ ક્લબમાં આગ લાગવાથી 15 લોકોના મોત થયા હોવાના અહેવાલ હતા. જો કે થોડી જ વારમાં મૃત્યુઆંક 29 પર પહોંચી ગયો હતો. અત્યાર સુધી પ્રાપ્ત માહિતી અનુસાર ઈસ્તાંબુલ પ્રશાસને આ ઘટના અંગે પૂછપરછ માટે ઘણા લોકોની અટકાયત કરી છે. જેમાં ક્લબ અને રિનોવેશનના કામ સાથે જોડાયેલા લોકોનો સમાવેશ થાય છે.

Most Popular

To Top