Charchapatra

હાલના આદિવાસી સમાજના પ્રશ્નો

આદિવાસી સમાજ 89% જીવનશૈલી   અન્ય સમાજની જીવનશૈલીથી જીવી રહ્યો છે. પોતાની સંસ્કૃતિથી વિમુખ થઈ રહ્યો છે. આજે આદિવાસી સંસ્કૃતિનું અસ્તિત્વ બચાવવું એ એક મોટો પડકાર છે. 99% આદિવાસી પ્રકૃતિ તત્ત્વોને છોડી અન્ય સમાજના ભગવાનોની પાછળ વળગણ ધરાવે છે. તેથી આદિવાસી સમાજની મૂળભૂત વિરાસત જાળવવી અત્યંત મુશ્કેલ બની છે. આદિવાસી સમાજમાં ધાર્મિક સાંપ્રદાયિક અને રાજકીય રીતે સતત વિભાજન થઈ રહ્યું છે. આદિવાસી સમાજના રક્ષકો જ આદિવાસી સંસ્કૃતિ છોડી ધર્મ સંપ્રદાય કે ભગવાનોની પાછળ ભાગદોડ કરે છે. તેથી આદિવાસી સમાજ દિનપ્રતિદિન વિખરાઈ રહ્યો છે.

આજે આદિવાસી સમાજના માથે અનેક વિહ્વળ પ્રશ્નો ઊભા છે પરંતુ એ પ્રશ્નો એ પ્રશ્નો નથી. આદિવાસી સમાજ પોતાની સંસ્કૃતિ પરંપરા સભ્યતા ઉપર સ્થિર નથી એ સૌથી મોટો પ્રશ્ન છે અને આ પ્રશ્નો જ્યાં સુધી પ્રત્યેક ગામમાં સદ્ભાવના સમિતિની રચના કરવામાં નહિ આવે ત્યાં સુધી હલ થવાના નથી. આજે આદિવાસી સમાજની જમીની પરિસ્થિતિ એ છે તે એક સાંધે ત્યાં તેર તૂટે છે. આદિવાસી સમાજને પોતાની સંસ્કૃતિ પરંપરા સભ્યતા ટકાવવા અને વિકસાવવા ડિજિટલ સિસ્ટમ ઊભી કરવા સિવાય કોઈ વિકલ્પ નથી.
– મહેશ ભુસારા આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

ભરતભાઈ પંડ્યાના ચર્ચાપત્રે ભૂતકાળ તાજો કર્યો
ભરતભાઈ પંડ્યાના ચર્ચાપત્રે કોલેજ કાળનો ભૂતકાળ નજર સમક્ષ તાજો કરી દીઘો. કોલેજ છોડ્યાને લગભગ પંચાવન–સાંઠ વર્ષ થયાં તેમ છતાં એ સમયના અધ્યાપકો અંગેની તેમજ કોલેજ કાળની સુખદ યાદો ભુલાતી નથી.  એ સમયે આર્ટ્સ કોલેજ કેમ્પસમાં પાણીની પરબ પાસે ઝાડ નીચે મિત્રો સાથે ઊભા રહેવાનો રોજનો નિયમ. કે.સી. મહેતા સાહેબ આચાર્ય હતા જેમના પ્રત્યે બધા વિદ્યાર્થીઓને ઘણું માન, એ આદરને કારણે મહેતા સાહેબ કોલેજ કૅમ્પસના મુખ્ય દ્વાર પરથી પ્રવેશતા દેખાય એટલે ઝાડ નીચે ઊભા રહેલા સૌ કોઇ વિખેરાઈ જતા. એવા જ અંગ્રેજીના અધ્યાપક આર.આઇ. પટેલ સાહેબ જેઓ કોઇ પણ વિષય પર અવિરત પ્રવાહમાં વિદ્વત્તાપૂર્ણ વ્યાખ્યાન આપી શકતા.  સાયન્સ કોલેજના હોલમાં વ્યાખ્યાન આપવા એક વક્તાને બહારગામથી બોલાવેલ.

શ્રોતાઓ અને વ્યવસ્થાપકો એમની રાહ જોતા હતા એ દરમિયાન અનિવાર્ય સંજોગામાં એમનું આવવાનું રદ થવાના સમાચાર મળતાં વ્યવસ્થાપકો ચિંતામાં આવી ગયેલા એ સમયે અંગ્રેજી ભાષાના અધ્યાપક એવા આર.આઇ. પટેલ સાહેબને આમંત્રિત મહેમાનની જગ્યાએ બોલવાનું કહેતાં તેઓ તૈયાર થયા અને લગભગ દોઢ કલાક સુધી વિદ્વત્તાપૂર્ણ પ્રવચન આપી રદ થવા આવેલ પ્રોગ્રામને સફળ બનાવ્યો. આ હતી એમની વિદ્વત્તા. કફની, પાયજામો અને બંડી એ એમનો કાયમનો પોષાક. એ સમયના રાવલ સાહેબ, જરીવાલા સાહેબ, ઠાકર સાહેબ જેવા અન્ય અધ્યાપકો અને કોલેજની રમતગમતનું સંચાલન કરતા સોલ સાહેબ જેવા અધ્યાપકોએ મગજ પર જે સારી છાપ છોડી છે એ હજી ભુંસાઇ નથી. વંદન છે એ સર્વે અધ્યાપકોને.
સુરત     – હિતેન્દ્ર ભટ્ટ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top