– મુગ઼ીસુદ્દીન ફ઼રીદી
યુગમાં માણસનો ચહેરો નથી મળતો, કયારથી હું નકાબોના ભીતરે પડ ખોલી રહ્યો છું. આ સમયમાં સૌથી વધુ જો કોઈ કટોકટી કે તંગી હોય તો તે સાચા માણસના ચહેરાની છે. બધા જ બુકાની બાંધીને પોતાના ચહેરાને કોઈ ને કોઈ દંભના નકાબથી બાંધીને ઊભા છે. આ બુકાનીઓ કોઈ છોડે તો માણસનો ચહેરો નજરે પડે. માણસને દર્પણમાં પણ પોતાનો સાચો ચહેરો જોવા મળતો નથી. ત્યાં પણ એ કોઈ ને કોઈ રીતે પોતાની જાતને સંતાડીને અરીસા સામે રજૂ થાય છે. માણસના સાચા ચહેરાની આ યુગ(દૌર)માં ખરેખર તંગી છે.
માણસ જો પોતાના અસ્તિત્વને પારખી જાય તો તેને કોઈ નકાબની જરૂર નહીં પડે. એક ચહેરા પર બીજો ચહેરો ચીપકાવાની જરૂર નહીં પડે. આ વિશ્વમાં ઇશ્વરની સૌથી અજાયબ ભેટ માણસ છે પરંતુ માણસે દુનિયામાં પોતાની મહત્તાને બનાવી રાખવા તેના ચહેરાને જાતજાતના નકાબોથી ઢાંકી રાખ્યો છે. સાચો ચહેરો હવે ખુદ માણસને પણ જોવા મળતો નથી. માણસનો તેજસ્વી ચહેરો તેના અસલ રૂપમાં બહાર લાવવા બુકાનીના ભીતરે પડ (તહેં) ખોલતા રહો તો પણ ચહેરો બહાર આવતો નથી.
આ યુગમાં માણસનો ચહેરો એટલે તેની સજ્જનતા, તેની લાગણી અને કરુણા, તેની સત્ય અને પ્રેમ પ્રત્યેની નિષ્ઠા, તેની ધર્મ પ્રત્યેની પ્રતિબદ્ધતા, આ સૌથી આગળ વધીને તેની માનવજાત પ્રત્યેની માણસાઈ. આ જો નજરે પડે તો માણસનો ચહેરો સ્પષ્ટ જોઈ શકાય. બાકી બુકાનીના પડ ક્યારે પણ ખૂલી શકવાના નથી. માણસ તેના જુદા જુદા દંભ લઈને સામે આવે તો તેનો સાચો ચહેરો જોઈ શકાય નહીં. આ યુગમાં માણસનો સાચો ચહેરો જો જોવા મળે તો યુદ્ધ થંભી જાય. નફરત દૂર થઈ જાય. કોઈનું પણ અપમાન થતું અટકી જાય. એક માણસ બીજા માણસને સ્નેહ અને આદરથી આવકાર આપતો થાય. આખી દુનિયામાં માણસાઈનો વિજય થાય. આખરે માણસનો પહેલો ધર્મ તેની માણસાઈ જ છે. બસ સારા માણસ બનો તો પણ ઘણું.