નવી દિલ્હી: હાલ ઇસરો (ISRO) પોતાના નવા મિશન મંગળની (Mission Mars) તૈયારીઓ કરી રહ્યું છે. જેના અંતર્ગત ISRO હાલમાં તેના આગામી મંગલયાન મિશનની કલ્પના પર કામ કરી રહ્યું છે. આ વખતે મંગળયાન માત્ર મંગળની આસપાસ ફરશે નહીં. પરંતુ તે ગ્રહની સપાટી પર ઉતરશે અને ઉડાન પણ ભરશે. જેના માટે મંગલયાન લેન્ડરની (Lander) સાથે ISRO નાસા જેવું હેલિકોપ્ટર પણ મોકલશે. તેમજ આ હેલિકોપ્ટર (Helicopter) ઇન્જીન્યૂટી જેવું હોવાની શક્યતા છે.
અગાઉ ભારતે નવેમ્બર 2013માં મંગળયાન એટલે કે માર્સ ઓર્બિટર મિશન (MOM) મોકલ્યું હતું. જે સપ્ટેમ્બર 2014માં ઉતારવામાં આવ્યું હતું. આ યાન મંગળની આસપાસ ફરતું અવકાશયાન હતું. તેમજ તે અપેક્ષા કરતાં વધુ કામ કર્યું. ત્યાર બાદ વર્ષ 2022માં તેની સાથેનો સંપર્ક તૂટી ગયો હતો.
દરમિયાન વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટરની સ્પેસ ફિઝિક્સ લેબોરેટરીના વૈજ્ઞાનિક જયદેવ પ્રદીપે તાજેતરમાં એક વેબિનારમાં જણાવ્યું હતું કે ISRO મંગળ પર હેલિકોપ્ટર મોકલવાની તૈયારી કરી રહ્યું છે. આ વખતે ISRO મંગળની સપાટી પર લેન્ડિંગ કરશે. જેથી પેલોડ્સ સપાટી પર રહી શકે અને વૈજ્ઞાનિકો ગ્રહની વધુ તપાસ કરી શકે. વધુમાં તેમણે જણાવ્યું હતુ કે નવા મોકલાયેલા હેલિકોપ્ટર દ્વારા એરિયલ સર્વે કરી શકાશે.
ISROનું હેલિકોપ્ટર ઘણા કાર્યો કરશે
ઈસરોના ડ્રોન હેલિકોપ્ટરમાં તાપમાન સેન્સર, ભેજ સેન્સર, પ્રેશર સેન્સર, વિન્ડ સ્પીડ સેન્સર, ઇલેક્ટ્રિક ફિલ્ડ સેન્સર, ટ્રેસ સ્પીસીસ સેન્સર અને ડસ્ટ સેન્સર હશે. આ ઉપરાંત તે હવામાં ઉડતી વખતે એરોસોલ્સની પણ તપાસ કરશે. તે 328 ફૂટની ઊંચાઈએ ઉડી શકશે. જ્યારે નાસાનું હેલિકોપ્ટર મહત્તમ 79 ફૂટ સુધી જઈ શકે છે.
નાસાના હેલિકોપ્ટેરે કુલ 17 કિમી ઉડાન ભરી હતી
નાસાના હેલિકોપ્ટર ઇન્જેન્યુટીએ તેના સમગ્ર મિશન દરમિયાન કુલ બે કલાક ઉડાન ભરી હતી. જેમાં એકંદરે 17 કિલોમીટરનું અંતર આવરી લેવામાં આવ્યું હતું. ઇન્જેન્યુઇટી હેલિકોપ્ટર ફેબ્રુઆરી 2021 માં જેઝેરો ક્રેટરમાં પર્સિવરેન્સ રોવર સાથે મંગળ પર ઉતર્યું હતું. ત્યાં સુધી એ જાણી શકાયું ન હતું કે મંગળના હળવા વાતાવરણમાં ઉડાન શક્ય છે કે નહીં.
ચીન પણ મંગળ ઉપર ડ્રોન મોકલવાની તૈયારી કરી રહ્યું છે
અમેરિકાના 1.8 કિલો વજન ધરાવતા ઇન્જેન્યુટીએ મંગળ પર 72 વખત ઉડાન ભરી હતી. તેમજ જાન્યુઆરી 2024 માં તેના રોટર બ્લેડે કામ કરવાનું બંધ કરી દીધું હતુ. હવે આ હેલિકોપ્ટર મંગળની સપાટી પર ઉતરી ગયું છે. એવું નથી કે માત્ર ભારત જ આ પ્રકારની એન્જિનિયરિંગથી પ્રેરિત છે. હકીકતમાં ચીન પણ મંગળ ઉપર ડ્રોન મોકલવાની તૈયારી કરી રહ્યું છે. જેથી મંગળ પરથી સેમ્પલ લાવી શકાય.