National

ઈસરોએ ભારતીય અંતરીક્ષ સ્ટેશનનું મોડેલ રજૂ કર્યું

નવી દિલ્હી, તા. 22 (PTI): નવી દિલ્હીમાં શરૂ થયેલા બે દિવસના નેશનલ સ્પેસ ડેની ઉજવણી દરમિયાન શુક્રવારે ઈસરોએ ભારતીય અંતરીક્ષ સ્ટેશન (બીએએસ) મોડ્યુલનું મોડેલ રજૂ કર્યું હતું. ભારતની 2028 સુધીમાં બીએએસનું પ્રથમ મોડ્યુલ લોન્ચ કરવાની યોજના છે, જે દેશમાં બનાવેલું અવકાશ મથક છે. આ સાથે ભારત ભ્રમણકક્ષામાં પ્રયોગશાળાઓ ચલાવતા મુઠ્ઠીભર દેશોના સમૂહમાં પ્રવેશ કરશે. હાલમાં, બે ભ્રમણકક્ષા પ્રયોગશાળાઓ છે પાંચ અવકાશ એજન્સીઓ દ્વારા સંચાલિત આંતરરાષ્ટ્રીય અવકાશ મથક, અને ચીનનું તિયાંગોંગ અવકાશ મથક. ભારતની અવકાશ ક્ષેત્ર માટેની તેની મહત્વાકાંક્ષી યોજનાઓના ભાગ રૂપે 2035 સુધીમાં ભારતીય અંતરિક્ષ સ્ટેશનના પાંચ મોડ્યુલ બનાવવાની યોજના છે. બીએએસ-01 મોડ્યુલનું વજન 10 ટન હોવાની અપેક્ષા છે અને તેને પૃથ્વીથી 450 કિમી ઉપર નીચલી પૃથ્વી ભ્રમણકક્ષામાં મૂકવામાં આવશે. બીએએસની મુખ્ય વિશેષતાઓમાં સ્વદેશી રીતે વિકસિત પર્યાવરણીય નિયંત્રણ અને જીવન સહાયક પ્રણાલી (ઈસીએલએસએસ), ભારત ડોકિંગ સિસ્ટમ, ભારત બર્થિંગ મિકેનિઝમ, ઓટોમેટેડ હેચ સિસ્ટમ, માઇક્રોગ્રેવિટી સંશોધન અને ટેકનોલોજી પ્રદર્શન માટે પ્લેટફોર્મ, વૈજ્ઞાનિક ઇમેજિંગ અને ક્રૂ રીક્રિએશન માટે વ્યૂપોર્ટ્સ સામેલ છે.

બીએએસ અવકાશ, જીવન વિજ્ઞાન, દવા અને આંતરગ્રહીય સંશોધનના વિવિધ પાસાઓના અભ્યાસ માટે સંશોધન પ્લેટફોર્મ તરીકે સેવા આપશે એવી અપેક્ષા છે. આ સ્પેસ સ્ટેશન અવકાશ પર્યટનને ટેકો આપશે, જેમાં ભારત ઓર્બિટલ લેબના સંસાધનોનો ઉપયોગ કરીને વાણિજ્યિક અવકાશ ક્ષેત્રમાં પ્રવેશ કરશે. બીએએસ ચાલુ આંતરરાષ્ટ્રીય સહયોગમાં યોગદાન આપશે અને વૈજ્ઞાનિક સંશોધન માટે એક કેન્દ્ર તરીકે સેવા આપશે અને યુવા પેઢીઓને અવકાશ વિજ્ઞાન અને ટેકનોલોજીમાં કારકિર્દી બનાવવા માટે પ્રેરણા આપશે.

Most Popular

To Top