National

ISRO આજે દેશનો સૌથી ભારે સંચાર ઉપગ્રહ લોન્ચ કરશે

ભારતીય અવકાશ સંશોધન સંગઠન (ISRO) ફરી એકવાર ઇતિહાસ રચવા માટે તૈયાર છે. ISRO આજ રોજ તા. 2 નવેમ્બર રવિવારે ભારતીય નૌકાદળ માટેનો અત્યાર સુધીનો સૌથી અદ્યતન GSAT-7R (CMS-03) સંચાર ઉપગ્રહ લોન્ચ કરશે. આ ઉપગ્રહ ભારતીય નૌકાદળની અવકાશ આધારિત સંચાર વ્યવસ્થા અને દરિયાઈ ક્ષેત્રની સુરક્ષા ક્ષમતા વધુ મજબૂત બનાવશે.

દેશનો સૌથી ભારે ઉપગ્રહ ‘બાહુબલી’ થી લોન્ચ થશે
આ ઉપગ્રહનું વજન આશરે 4,410 કિલોગ્રામ છે. જે ISRO દ્વારા ભારતમાંથી જ લોન્ચ કરવામાં આવતો અત્યાર સુધીનો સૌથી ભારે ઉપગ્રહ ગણાય છે. લોન્ચિંગ માટે ISROના શક્તિશાળી રોકેટ LVM3-M5નો ઉપયોગ કરવામાં આવશે. જેને તેની ભારે ઉપાડવાની ક્ષમતા માટે ‘બાહુબલી’ તરીકે ઓળખવામાં આવે છે. લોન્ચિંગ આજ રોજ તા. 2 નવેમ્બર રવિવારે સાંજે 5:26 વાગ્યે થવાનું છે.

ISROએ માહિતી આપી છે કે લોન્ચ વ્હીકલને ઉપગ્રહ સાથે એસેમ્બલ અને સંકલિત કરવામાં આવ્યું છે અને હવે તે લોન્ચ પેડ પર તૈયાર છે. 43.5 મીટર લાંબો ‘બાહુબલી’ રોકેટ 4,000 કિલોગ્રામ સુધીના પેલોડને અવકાશમાં લઈ જવાની ક્ષમતા ધરાવે છે.

ત્રણ તબક્કામાં થશે લોન્ચિંગ
આ લોન્ચિંગ ત્રણ તબક્કામાં કરવામાં આવશે. LVM3 વ્હીકલમાં બે સોલિડ મોટર સ્ટ્રેપ-ઓન્સ (S200), એક લિક્વિડ કોર સ્ટેજ (L110) અને એક ક્રાયોજેનિક સ્ટેજ (C25)નો સમાવેશ થાય છે. આ તકનીક ISROને ભારે ઉપગ્રહોને જીઓસિંક્રોનસ ટ્રાન્સફર ઓર્બિટ (GTO) સુધી મોકલવામાં સંપૂર્ણ આત્મનિર્ભરતા આપે છે.

કેટલાક સૂત્રો અનુસાર આ ઉપગ્રહ લશ્કરી દેખરેખ અને દરિયાઈ મોનિટરિંગમાં પણ ઉપયોગી બની શકે છે. પરંતુ ISRO તરફથી આ બાબતે કોઈ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી.

ISROની પાંચમી ઓપરેશનલ ફ્લાઇટ
આ મિશન ISROની LVM3 સિરીઝની પાંચમી ઓપરેશનલ ફ્લાઇટ છે. અગાઉ 2018માં ISROએ તેનો સૌથી ભારે ઉપગ્રહ GSAT-11 (5,854 કિગ્રા) ફ્રેન્ચ ગુયાનાથી લોન્ચ કર્યો હતો.

ચંદ્રયાન-3ની સફળતા પછી નવું મિશન

LVM3એ પહેલાથી જ પોતાની ક્ષમતા સાબિત કરી છે. આ જ રોકેટ દ્વારા ISROએ ચંદ્રયાન-3 લોન્ચ કર્યું હતું. જે ભારતને ચંદ્રના દક્ષિણ ધ્રુવ નજીક ઉતરનાર વિશ્વનો પ્રથમ દેશ બનાવ્યો હતો.

આ મિશનનો મુખ્ય ઉદ્દેશ્ય ભારતીય ભૂમિ અને સમુદ્રી વિસ્તારને આવરી લેતી મલ્ટી-બેન્ડ કોમ્યુનિકેશન સર્વિસિસ પૂરી પાડવાનો છે. LVM3ની શક્તિશાળી ટેક્નોલોજી સાથે જ ISRO હવે 4,000 કિલોગ્રામ પેલોડ GTOમાં અને 8,000 કિલોગ્રામ પૃથ્વી નીચી કક્ષામાં (LEO) પહોંચાડવામાં સક્ષમ બની ગયું છે.

આ લોન્ચ સાથે ISRO ફરી એકવાર ભારતની અવકાશ યાત્રામાં નવો માઈલસ્ટોન ઉમેરવા જઈ રહ્યું છે.

Most Popular

To Top