World

સીરિયામાં ઈઝરાયેલની સર્જિકલ સ્ટ્રાઈકનો 4 મહિના પહેલાનો વીડિયો જાહેર, ઈરાની મિસાઈલ ફેક્ટરી નષ્ટ કરી

ઈઝરાયેલની સેનાએ સીરિયામાં પોતાના એક ગુપ્ત મિશનને લઈને મોટો ખુલાસો કર્યો છે. IDFએ કહ્યું કે રાષ્ટ્રપતિ બશર અલ-અસદના શાસનકાળ દરમિયાન ઇઝરાયેલના 120 કમાન્ડોએ સીરિયામાં તબાહી મચાવી હતી. ઈરાનની મદદથી સીરિયામાં ચાલી રહેલી અંડરગ્રાઉન્ડ મિસાઈલ ફેક્ટરી પણ સંપૂર્ણપણે નાશ પામી હતી.

IDFએ કહ્યું કે ઈઝરાયેલે 8 સપ્ટેમ્બર, 2024ના રોજ આ ગુપ્ત મિશન પાર પાડ્યું હતું, પરંતુ હવે તેને સાર્વજનિક કરવામાં આવ્યું છે. ઈઝરાયેલે આ ગુપ્ત મિશનને ‘ઓપરેશન મેની વેઝ’ નામ આપ્યું છે. જેને માત્ર 3 કલાકમાં ઈઝરાયેલ આર્મીના ખૂંખાર શાલડાગ યુનિટ દ્વારા પાર પાડવામાં આવ્યો હતો.

ઇઝરાયેલની વાયુસેનાએ ગુરુવારે મોડી રાત્રે 4 મહિના પહેલા સીરિયામાં થયેલી સર્જિકલ સ્ટ્રાઇકનો વીડિયો જાહેર કર્યો હતો. 8 સપ્ટેમ્બર, 2024 ના રોજ ઇઝરાયેલી વાયુસેનાના 120 એલિટ કમાન્ડોના વિશેષ એકમે સીરિયામાં 200 કિમી સુધી ઘૂસીને આ કાર્યવાહી કરી અને ઈરાનની મિસાઈલ ફેક્ટરીને નષ્ટ કરી દીધી.

ઈઝરાયેલની સેના અનુસાર ઈરાને પશ્ચિમી સીરિયાના મસફાયા વિસ્તારમાં એક પહાડ ખોદીને ભૂગર્ભ મિસાઈલ ફેક્ટરી બનાવી હતી. કિલર મિસાઇલો અહીંથી બનાવવામાં આવી હતી અને લેબનોનમાં હિઝબુલ્લાહ અને અસદની સેનાને આપવામાં આવી હતી.

ઈઝરાયેલના કમાન્ડોએ ટનલની અંદર જઈને અઢી કલાક સુધી વિસ્ફોટકો મૂક્યા અને સલામત રીતે બહાર આવી ગયા. જ્યારે ઈઝરાયેલે આ ઓપરેશન હાથ ધર્યું ત્યારે સીરિયામાં બશર અલ-અસદ સત્તા પર હતા. આ સમય સુધી ઇઝરાયલે હિઝબુલ્લા સાથે સીધું યુદ્ધ પણ કર્યું ન હતું.

લોકેશન- ડીપ લેયર, ઓપરેશન- મેની વેઝ
ઈઝરાયેલની સેનાએ આ ઓપરેશનને ‘ઓપરેશન મેની વેઝ’ અને સ્ટ્રાઈકના સ્થળને ‘ડીપ લેયર’ નામ આપ્યું હતું. આ ઓપરેશન એરફોર્સના શાલડાગ યુનિટ દ્વારા કરવામાં આવ્યું હતું. સર્ચ એન્ડ રેસ્ક્યુ યુનિટ 669 પણ તેની સાથે હાજર હતો. સમગ્ર ઓપરેશન દરમિયાન કોઈ ઈઝરાયેલ સૈનિકને નુકસાન થયું નથી.

જમીનની નીચે મિસાઈલનું કારખાનું ચાલતું હતું
ઈઝરાયેલની સેનાએ કહ્યું કે આ ઈરાની મિસાઈલ ફેક્ટરી સીરિયાના મસ્યાફ વિસ્તારમાં જમીનથી 70 થી 130 મીટર નીચે અનેક સ્તરોમાં બનાવવામાં આવી છે. જ્યાં ઘાતક મિસાઇલોનું નિર્માણ કરવામાં આવતું હતું અને પછી લેબનોનમાં હિઝબુલ્લાહ અને બશર અલ-અસદના દળોને મોકલવામાં આવતું હતું.

નોંધનીય છે કે ઈઝરાયેલની સેનાના કમાન્ડોએ સીરિયાની અંદર 200 કિલોમીટર સુધી ઘૂસીને આ ગુપ્ત મિશન પાર પાડ્યું હતું અને સીરિયાની એર ડિફેન્સ સિસ્ટમ તેમને રોકવામાં સંપૂર્ણ રીતે નિષ્ફળ સાબિત થઈ હતી. આ સમગ્ર મિશનમાં ઈઝરાયેલની સેનાને કોઈ નુકસાન થયું નથી.

Most Popular

To Top