ઇઝરાયલી સેનાએ ગાઝા પર વિનાશક હુમલો કર્યો છે. આ હુમલામાં મોટી સંખ્યામાં લોકોના મોત થયાની આશંકા છે. એપીના અહેવાલ મુજબ ગાઝામાં આ ઇઝરાયલી હુમલો બુધવારે રાતથી ગુરુવાર સવાર સુધી ચાલુ રહ્યો. આ હુમલાઓમાં મોટી સંખ્યામાં પેલેસ્ટિનિયનો માર્યા ગયા છે.
બે દિવસ પહલે કરાયેલા વિનાશક હુમલા બાદ ગાઝામાં ફરી ઇઝરાયેલે મોટો હુમલો કર્યો છે. ગાઝાના ડોક્ટરોએ ગુરુવારે આ માહિતી આપી. તબીબી અધિકારીઓએ જણાવ્યું હતું કે દક્ષિણ ગાઝા શહેરો ખાન યુનિસ અને રફાહ અને ઉત્તરીય શહેર બેત લાહિયામાં ઘરોને નિશાન બનાવવામાં આવ્યા હતા. જોકે તેમણે હજુ સુધી કુલ મૃત્યુઆંક જાહેર કર્યો નથી. અલ જઝીરાના અહેવાલ મુજબ ઉત્તર અને દક્ષિણ ગાઝામાં વહેલી સવારે થયેલા આ હુમલામાં 70 થી વધુ લોકો માર્યા ગયા છે.
ઇઝરાયલ અને હમાસ વચ્ચેનો યુદ્ધવિરામ લગભગ એક અઠવાડિયા પહેલા તૂટી ગયો હતો. ત્યારથી ઇઝરાયલી સેના ગાઝા પર સતત ભીષણ હુમલાઓ કરી રહી છે. બે દિવસ પહેલા ઇઝરાયલે ગાઝા પર મોટો હુમલો કર્યો હતો, જેમાં 400 થી વધુ લોકો માર્યા ગયા હતા. ઇઝરાયલી વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂ ઇઝરાયલી બંધકોને મુક્ત ન કરવા બદલ હમાસથી ગુસ્સે છે. તેથી તેમણે ફરીથી પોતાની સેનાને હમાસ પર મોટા હુમલાઓ શરૂ કરવાનો આદેશ આપ્યો છે. આ પછી ઇઝરાયલી સેનાએ ઉત્તર અને દક્ષિણ ગાઝામાં ભૂમિ કાર્યવાહી પણ શરૂ કરી દીધી છે.
ભારતે ચિંતા વ્યક્ત કરી
ભારતે ગાઝાની પરિસ્થિતિ પર ચિંતા વ્યક્ત કરી અને કહ્યું, “બધા બંધકોને મુક્ત કરવામાં આવે તે મહત્વપૂર્ણ છે. અમે ગાઝાના લોકોને માનવતાવાદી સહાયનો પુરવઠો ચાલુ રાખવા માટે પણ હાકલ કરીએ છીએ.” છેલ્લા 24 કલાક દરમિયાન ઇઝરાયલી સેના દ્વારા કરવામાં આવેલા હુમલામાં હમાસ સરકારના ટોચના નેતા, એસામ દીબ અબ્દુલ્લા અલ-દલિસ પણ માર્યો ગયો છે.
