Comments

ઇઝરાયલનું યુદ્ધવિરામઃ નેતન્યાહુને અનુકૂળ આવશે ખરું?

૭ ઑક્ટોબર, ૨૦૨૩થી જેનાં મંડાણ થયાં છે, તે ઇઝરાયલ-હમાસ અને હઝબુલ્લા વચ્ચેનું યુદ્ધ થોભવાનું નામ દેતું નથી. પહેલાં ઇઝરાયલે હમાસના ૭ ઑક્ટોબરના હુમલા માટે એને શિક્ષા કરવા ગાઝાપટ્ટી પર હુમલો કર્યો અને ૧ લાખ કરતાં વધારે નિર્દોષ માણસો જેમાં ૭૦ ટકા જેટલાં સ્ત્રીઓ અને બાળકો હતાં તેમનો ખુરદો બોલી ગયો. યુનાઇટેડ નેશન્સ સમેત દુનિયાના ઘણા બધા દેશોએ ઇઝરાયલને સંયમ વરતવા અપીલ કરી, જેનું પરિણામ શૂન્ય આવ્યું.

હમાસ અને ઇઝરાયલનું યુદ્ધ ચાલુ છે. સપ્ટેમ્બર ૨૦૨૪ના અંતમાં ઇરાને ઇઝરાયલ ઉપર ૨૦૦ જેટલાં મિસાઇલ છોડ્યાં, જેનો ઇરાનના કહેવા મુજબ મુખ્ય ઉદ્દેશ ઇઝરાયલમાં કાર્યરત લશ્કરી ઉત્પાદનો કરતાં કારખાનાને નાબૂદ કરવાનો હતો. જો કે ઇરાનના મોટા ભાગના મિસાઇલ ઇઝરાયલ ઍર ડિફેન્સ સિસ્ટમ (આર્યન લેડી) અને અમેરિકન હવાઇદળ તેમજ નૌકા કાફલા દ્વારા તોડી નાખવામાં આવ્યા જેના કારણે ખાસ માનવહાનિ થઈ નથી. યુનાઇટેડ નેશન્સમાં નેતન્યાહુએ ભાષણ આપ્યું તેમાં વૈશ્વિક નેતાઓની શાંતિ સ્થાપીને યુદ્ધ બંધ કરવાની સલાહના જવાબમાં ઇરાન દ્વારા પોતાના પર કરવામાં આવેલ આ હુમલાનો જડબાંતોડ જવાબ આપવાની વાત કરી ઇઝરાયલે તેમનું ખુલ્લેઆમ અપમાન કર્યું.

બાઇડેન તત્કાલીન અમેરિકન પ્રમુખ બરાક ઓબામાના ઉપપ્રમુખ તરીકે ઇઝરાયલની મુલાકાતે ગયા હતા ત્યારે તેમણે અમેરિકા અને ઇઝરાયલ વચ્ચે મૈત્રીપૂર્ણ સંબંધો પ્રવર્તે અને મુશ્કેલીના સમયમાં એકબીજાની સાથે ઊભા રહેવાની વાત ઉચ્ચારી હતી. બાઇડેનના અમેરિકન રાષ્ટ્રપ્રમુખના કાર્યકાળ દરમિયાન તેમનું વલણ હંમેશાં ઇઝરાયલ તરફ ઝુકાવનું રહ્યું છે અને આર્થિક તેમજ યુદ્ધસામગ્રીની દૃષ્ટિએ પણ છેલ્લે એમણે દસ અબજ ડૉલર કરતાં વધારે સહાય ઇઝરાયલને કરી છે.

આનાથી વિરુદ્ધ પેલેસ્ટિનિયન વિદ્યાર્થીઓથી માંડીને અન્ય મધ્યમમાર્ગીય અમેરિકન મતદારો અમેરિકા ઇઝરાયલને મદદ કરે છે તે બાબતે ઝાઝા ખુશ નથી. આમ, બાઇડેને ઊભા કરેલા પ્રશ્નનો સામનો પ્રમુખપદ માટેની ચૂંટણીથી રેસમાંથી બાઇડેનના બદલે ઊભેલાં કમલા હેરિસને કરવાનો આવ્યો છે. જો કે, ઇઝરાયલ યુદ્ધવિરામની દરખાસ્તને ઠંડો પ્રતિસાદ આપી રહ્યો છે, તેની અમેરિકન ચૂંટણી પર કેવી અસર પડે તે કળવું મુશ્કેલ છે.

જો આ યુદ્ધ ચાલુ રહે અને ઇઝરાયલ યુદ્ધવિરામ ન કરે તો પ્રમુખપદની ચૂંટણીમાં બાઇડેનની તેમજ હેરિસની ડેમોક્રેટિકને નુકસાન થાય એવી આશંકા સામે ઇઝરાયલી વડા પ્રધાન નેતન્યાહુના કડક વલણ પ્રત્યે આક્રોશ વ્યક્ત કરતાં બાઇડેને તાજેતરમાં જણાવ્યું હતું કે, ‘નો એડમિનિસ્ટ્રેશન હેઝ હેલ્ડ ઇઝરાયલ મોર ધેન આઈ હેવ.’આ વાત ઇઝરાયલના નેતાઓએ યાદ રાખવી જોઈએ. બાઇડેન ઇઝરાયલના વડા પ્રધાન નેતન્યાહુને ટૂંકા નામ ‘બીબી’થી સંબોધે છે અને એટલે આ વાક્યના અંતે બાઇડેને એવું પણ કહ્યું કે, ‘બીબી શુડ રિમેમ્બર ધેટ.’બાઇડેને એથી પણ આગળ વધતા કહ્યું કે, ‘નેતન્યાહુ, ખરેખર અમેરિકન પ્રમુખપદની ચૂંટણીને આ રીતે યુદ્ધવિરામ નહીં કરીને અસર કરી શકશે.’

નેતન્યાહુને કદાચ એવી પણ દહેશત છે કે જો નેત્યનાહુ યુદ્ધ અટકાવશે તો તેમની સરકારમાં સામેલ જમણેરી અંતિમવાદીઓ એની સરકાર છોડી જાય એવું પણ બની શકે. જો આમ થાય તો નેતન્યાહુ સત્તા ગુમાવે અને તેમને કાયદાકીય પ્રશ્નોનો સામનો કરવો પડે અને જેલમાં પણ જવું પડે. સામે ઇઝરાયલના યુદ્ધવિરામ અંગે એવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે કે, આ યુદ્ધવિરામ અમેરિકન પ્રમુખપદની ચૂંટણી પહેલાં થાય તો સત્તાધારી ડેમોક્રેટિક પાર્ટીને ફાયદો થાય.

જો કે નેતન્યાહુને યુદ્ધ ચાલુ રાખવા માટે એની પોતાની મજબૂરીઓ છે. આજની તારીખે આ સ્થિતિનું વર્ણન કરવું હોય તો કહી શકાય, ‘શિયાળ તાણે સીમ ભણી અને કૂતરું તાણે ગામ ભણી’એવી દ્વિધાજનક પરિસ્થિતિ પ્રવર્તે છે. બાઇડેને ઇઝરાયલ-હમાસ યુદ્ધ સહિતના મુદ્દે નેતન્યાહુના ખભે જે દોસ્તીનો હાથ મૂક્યો છે તે ડેમોક્રેટિક પાર્ટી માટે ‘હાથનાં કર્યાં હૈયે વાગે’ની સ્થિતિનું નિર્માણ કરે છે કે પછી ‘ઘીના ઠામમાં ઘી પડી રહે’ એ તો આવનાર સમય જ કહેશે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top