રવિવારે મોડી રાત્રે ઇઝરાયલે ગાઝામાં અનેક સ્થળોએ હુમલો કર્યો. આ હુમલાઓમાં એક શાળાને પણ નિશાન બનાવવામાં આવી હતી, જેમાં 25 લોકો માર્યા ગયા હતા. શાળામાં લાગેલી આગમાં લોકો જીવતા બળી ગયા.
અલ જઝીરાના અહેવાલ મુજબ, તે એક કિન્ડરગાર્ટન સ્કૂલ હતી જેનો ઉપયોગ શરણાર્થી શિબિર તરીકે થઈ રહ્યો હતો.
મૃતકોમાં બે રેડ ક્રોસ કાર્યકરો, એક પત્રકાર અને ઘણા બાળકોનો સમાવેશ થાય છે. તેમાં ગાઝાના સૌથી નાની ઉંમરના ઈન્ફ્લુએન્સર યાકીન હમ્માદ (11 વર્ષ) પણ હતા.
બીજી તરફ, સ્પેને માંગ કરી છે કે વિશ્વભરના દેશો ઇઝરાયલ પર પ્રતિબંધો લાદે.
આ અગાઉ ત્રણ દિવસ પહેલા ગઈ તા. 23મીના રોજ એક ડોક્ટરના 9 બાળકોના મોત થયા હતા. 23 મેના રોજ ગાઝા પર ઇઝરાયલી હુમલામાં ખાન યુનિસના મહિલા ડોક્ટર ડૉ. અલ-નજ્જરના નવ બાળકો માર્યા ગયા હતા, જ્યારે એક બાળક ગંભીર રીતે ઘાયલ થયો હતો.
આરોગ્ય અધિકારીઓના જણાવ્યા અનુસાર મૃત બાળકોની ઉંમર 7 મહિનાથી 12 વર્ષ સુધીની હતી. આ હુમલામાં ડોક્ટરના પતિને પણ ગંભીર ઈજાઓ થઈ હતી.
ઇઝરાયલી સેનાના જણાવ્યા અનુસાર, ગાઝામાં મોટા પાયે ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત 14 થી 20 મે દરમિયાન હમાસના 670 થી વધુ ટાર્ગેટ પર હુમલો કરવામાં આવ્યો. જેમાં ગાઝાના લગભગ 512 લોકો માર્યા ગયા હતા.
ઇઝરાયલે ગાઝાના 77% ભાગ પર કબજો કર્યો
ઇઝરાયલે ગાઝા પટ્ટીના 77% ભાગ પર નિયંત્રણ મેળવી લીધું છે. અલ જઝીરાના અહેવાલ મુજબ, આ દાવો ગાઝાના સરકારી મીડિયા કાર્યાલય દ્વારા રવિવારે કરવામાં આવ્યો હતો. તેમણે ઇઝરાયલ પર નરસંહારનો આરોપ લગાવ્યો છે અને સંયુક્ત રાષ્ટ્ર અને આંતરરાષ્ટ્રીય સમુદાય પાસેથી તાત્કાલિક હસ્તક્ષેપની માંગ કરી છે.
નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ઇઝરાયલી સેનાએ બફર ઝોન, સુરક્ષા કોરિડોર અને ભારે તોપમારા દ્વારા ગાઝાના ઉત્તરી અને દક્ષિણ ભાગો પર કબજો કર્યો છે.