નવી દિલ્હી: ઈઝરાયેલ અને હમાસ વચ્ચે યુદ્ધવિરામ સમાપ્ત થયા બાદ ફરી એકવાર યુદ્ધ (War) શરૂ થયું છે. બંને પક્ષો સતત એકબીજા પર હુમલો (Attack) કરી રહ્યા છે. તેમજ આ યુદ્ધમાં અત્યાર સુધીમાં હમાસના 15000થી વધુ લોકોના મોત (Death) થયા છે. ત્યારે ગઇ કાલે એટલે કે બુધવારે ઇઝરાયેલી સૈન્ય દક્ષિણ ગાઝામાં પ્રવેશ્યું હતું. તેમજ 7 ઓક્ટોબરે શરૂ થયેલા આ યુદ્ધમાં બુધવારનો હુમલાને સૌથી ઘાતક કહી શકાય છે.
ઇઝરાયેલની સેના બુધવારે ટેન્ક સાથે દક્ષિણ ગાઝા તરફ આગળ વધી હતી. તેમજ ખાન યુનિસ શહેરને ઘેરી ગોળીબાર શરૂ કર્યો હતો. ત્યા ઇઝરાયેલી સેનાએ સેંકડો ટાર્ગેટો પર હુમલા કર્યા હતાં. જેમાં એક સ્કૂલની નજીકના આતંકી સેલનો પણ સેનાએ નાશ કર્યો હતો. દરમિયાન સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવએ યુએન ચાર્ટરના આર્ટિકલ 99નો ઉપયોગ કરી, ગાઝાની પરિસ્થિતિનું અવલોકન કરી સુરક્ષા પરિષદને અહેવાલો મોકલ્યા હતાં.
આ યુદ્ધના પરિણામે ગાઝાના હોસ્પિટલો મૃતકો અને ઘાયલોથી ભરાઈ ગઈ છે. જેમાં મોટાભાગની મહિલાઓ અને બાળકો છે. સમગ્ર મામલે પેલેસ્ટિનિયન ડોકટરોએ જણાવ્યું હતું કે હોસ્પિટલોમાં સારબારના સાધનોનો પુરવઠો પુરો થઈ રહ્યો છે. દક્ષિણ ગાઝાના નાગરિકો આશ્રય શોધી રહ્યા છે. પરંતુ તેઓ રસ્તાઓ ઉપર રહેવા મજબુર બન્યા છે.
ઇઝરાયેલી સેનાએ હમાસના સેંકડો સ્થળો ઉપર હુમલા કર્યા હતાં. હમાસની સશસ્ત્ર વિંગ અલ-કાસામ બ્રિગેડએ જણાવ્યું હતું કે બુધવારનો હુમલો ખુબ ઉગ્ર હતો. તેમજ આ હુમલામાં મોટી સંખ્યામાં લોકો માર્યા ગયા હતા. વધુમાં તેમણે કહ્યું કે, ઈઝરાયેલી ટેન્ક ખાન યુનિસના શરણાર્થી શિબિરની નજીક તૈનાત કરવામાં આવી હતી.
યુ.એનના ચીફે આર્ટિકલ 99નો ઉપયોગ કર્યો
ગાઝામાં થઇ રહેલા હુુમલા વચ્ચે યુએન સેક્રેટરી-જનરલ એન્ટોનિયો ગુટેરેસે બુધવારે યુએન ચાર્ટરની કલમ 99 નો ઉપયોગ કરી એક મોટું પગલું ભર્યું હતું. તેઓએ ગાઝાની પરિસ્થિતિનું અવલોકન કરી યુ.એન સુરક્ષા પરિષદને ગાઝાના અહેવાલો મોકલ્યા હતાં. આ અહેવાલમાં તેમણે ગાઝાની પરિસ્થિતિ ઉપર પ્રકાશ પાડ્યો હતો. તેમણે લખ્યું હતું કે ગાઝઅમાં નાગરીકોને કોઇ સુરક્ષા આપવામાં નથી આવી રહી. તેમજ અહીં તમામ નાગરિકો અસુરક્ષીત છે.
વધુમાં યુએનના માનવીય સહાયતા કાર્યાલયે જણાવ્યું હતું કે છેલ્લા ત્રણ દિવસમાં લોટ અને પીવાનું પાણી ઇજિપ્તની દક્ષિણ સરહદ પર રફાહ નજીકના વિસ્તારોમાં જ પહોંચાડી શકાયું છે. કારણ કે ઇઝરાયલી દળોએ રસ્તાઓ બંધ કરી દીધા છે. અલ-અક્સા હોસ્પિટલમાં ઇંધણ-તબીબી પુરવઠો તેના લઘુત્તમ સ્તર પર પહોંચી ગયો છે.