લેબનોનમાં ઇઝરાયેલના હુમલા હાલમાં ચાલુ છે. મંગળવારે 24 સપ્ટેમ્બરના રોજ હિઝબોલ્લાહનો કમાન્ડર લેબનોનમાં ઇઝરાયેલી હવાઈ હુમલામાં માર્યો ગયો. સૂત્રોને ટાંકીને ન્યૂઝ એજન્સી રોયટર્સે માહિતી આપી હતી કે બેરૂતમાં ઈઝરાયેલના હવાઈ હુમલા દરમિયાન હિઝબુલ્લાહ કમાન્ડર ઈબ્રાહિમ કુબૈસી માર્યો ગયો છે. બેરુતના દક્ષિણી ઉપનગરોમાં ઇઝરાયેલના હવાઈ હુમલામાં હિઝબોલ્લાહ કમાન્ડરને નિશાન બનાવવામાં આવ્યો હતો, જેમાં છ લોકો માર્યા ગયા હતા એમ લેબનોનના બે સુરક્ષા સૂત્રોએ જણાવ્યું હતું. આ પહેલા ઈઝરાયેલના સૈન્ય વડાએ કહ્યું હતું કે ઈરાન સમર્થિત જૂથને કોઈ તક આપવામાં આવશે નહીં.
ઈઝરાયેલે આજે બપોરે બેરૂત પર મોટો હવાઈ હુમલો કર્યો છે. તેનાથી હિઝબુલ્લા પર દબાણ વધી ગયું છે. બે લેબનીઝ સુરક્ષા સૂત્રોએ જણાવ્યું હતું કે મંગળવારે ઇઝરાયેલી હવાઈ હુમલામાં બેરૂતના દક્ષિણી ઉપનગરોમાં હિઝબુલ્લાહ કમાન્ડર ઈબ્રાહિમ કુબૈસીનું પણ મોત થયું હતું. ઇઝરાયેલે લેબનીઝ રાજધાનીમાં હિઝબુલ્લાહના નિયંત્રણવાળા વિસ્તારો પર સતત બીજા દિવસે હુમલો કર્યો. જો કે સૂત્રોએ આ હુમલામાં કોને નિશાન બનાવવામાં આવ્યા હતા તે ઓળખવાનો ઇનકાર કર્યો હતો. ઇઝરાયેલી સેનાએ કહ્યું કે તેણે બેરૂતમાં લક્ષ્યાંકિત હુમલો કર્યો હતો, પરંતુ તેણે કોઈ વિગતો આપી ન હતી.
હવાઈ હુમલામાં સામાન્ય રીતે વ્યસ્ત ધોબૈરી વિસ્તારમાં એક ઈમારતને નિશાન બનાવવામાં આવી હતી. સુરક્ષા સૂત્રોએ એક ફોટો શેર કર્યો છે, જેમાં પાંચ માળની ઈમારતના ઉપરના માળને નુકસાન જોવા મળે છે. ઇઝરાયેલે લેબનોનમાં હિઝબોલ્લાહના લક્ષ્યો પર હવાઈ હુમલાઓની નવી શ્રેણી હાથ ધરી હતી અને કહ્યું હતું કે તે સશસ્ત્ર જૂથ પર દબાણ જાળવી રાખશે, કારણ કે ઇરાન સમર્થિત દુશ્મન હિઝબુલ્લાએ મધ્ય પૂર્વમાં સર્વત્ર યુદ્ધની વધતી જતી આશંકાઓ વચ્ચે મંગળવારે ઇઝરાયેલ પર રોકેટ છોડ્યા છે.
ઈઝરાયેલના હુમલામાં 500થી વધુના મોત
સોમવાર અને મંગળવારે ઇઝરાયેલી લશ્કરી હવાઈ હુમલામાં લેબનીઝ અધિકારીઓના જણાવ્યા અનુસાર 500 થી વધુ લોકો માર્યા ગયા છે. જેમાં 50થી વધુ બાળકો અને લગભગ 100 મહિલાઓનો સમાવેશ થાય છે. જ્યારે 1600થી વધુ લોકો ઘાયલ થયા છે. ઈઝરાયેલના સૈન્ય વડાએ કહ્યું છે કે હિઝબુલ્લાહ પર હુમલા વધુ તીવ્ર કરવામાં આવશે. જનરલ સ્ટાફના લશ્કરી વડા હરઝી હલેવીએ સુરક્ષા મૂલ્યાંકન પછી જણાવ્યું હતું કે સતત તમામ ક્ષેત્રોમાં સઘન કાર્યવાહીની જરૂર છે. યુએનના માનવાધિકાર વડા વોલ્કર તુર્કે તમામ પ્રભાવશાળી દેશો અને નેતાઓને લેબનોનમાં વધુ તણાવ અટકાવવા વિનંતી કરી છે. વ્હાઇટ હાઉસના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જેક સુલિવાને કહ્યું હતું કે હું માનું છું કે અમે ઇઝરાયેલ અને લેબનોન વચ્ચેની ઉત્તરીય સરહદ પર તણાવ ઘટાડવાનો માર્ગ શોધી શકીએ છીએ.