નવી દિલ્હીઃ ઈઝરાયેલે શુક્રવારની રાતે ઈરાન પર મોટો હુમલો કર્યો હતો. ઈરાનની રાજધાની તેહરાનમાં મિસાઈલથી એટેક કર્યો હતો. તેહરાનમાં આખી રાત ધમાકા થયા હતા. ઈઝરાયેલની સેનાએ ઈરાનીઓની ઊંઘ હરામ કરી દીધી હતી. ન્યૂઝ એજન્સી એપીના રિપોર્ટ અનુસાર, ઈરાનનું કહેવું છે કે ઈઝરાયલી હુમલામાં ઈલામ, ખુઝેસ્તાન અને તેહરાન પ્રાંતમાં સૈન્ય ઠેકાણાઓને નિશાન બનાવ્યા હતા, જેનાથી મર્યાદિત નુકસાન થયું છે.
અમેરિકાના એક વરિષ્ઠ સૈન્ય અધિકારીએ અલ જઝીરાને જણાવ્યું કે અમેરિકા ઈરાનમાં થયેલા વિસ્ફોટોથી વાકેફ છે અને સ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યું છે.
જેરુસલેમ પોસ્ટ અનુસાર, ઈરાનમાં સૈન્ય લક્ષ્યો પર શુક્રવારની રાતના હુમલામાં 100 થી વધુ ઈઝરાયેલી વિમાનોએ ભાગ લીધો હતો. 2000 કિમી દૂરથી કરવામાં આવેલા આ હુમલામાં F-35 ફાઈટર જેટનો ઉપયોગ કરવામાં આવ્યો છે. એક અમેરિકન અધિકારીએ ન્યૂઝ એજન્સી રોઈટર્સને જણાવ્યું કે ઈરાનમાં સૈન્ય લક્ષ્યો પર હુમલા પહેલા અમેરિકાને જાણ કરવામાં આવી હતી પરંતુ તે ઓપરેશનમાં સામેલ નહોતું.
ટાઈમ્સ ઓફ ઈઝરાયેલ અનુસાર એનબીસીએ એક અનામી ઈઝરાયેલ અધિકારીને ટાંકીને કહ્યું કે ઈઝરાયેલ ઈરાની પરમાણુ સ્થળો અથવા તેલ ક્ષેત્રો પર હુમલો કરી રહ્યું નથી. તેનું ધ્યાન લશ્કરી ઉદ્દેશ્યો પર છે. ઈઝરાયેલની સેનાએ પણ પુષ્ટિ કરી છે કે તેઓ સૈન્ય લક્ષ્યોને નિશાન બનાવી રહ્યા છે.
ઇરાક, સીરિયા અને લેબનોનમાં પણ વિસ્ફોટ
ઈરાન ઉપરાંત ઈરાક અને સીરિયામાં પણ અનેક વિસ્ફોટ થયા હોવાની માહિતી મળી છે, જેના કારણે સીરિયન આર્મીને તેની હવાઈ સંરક્ષણ સક્રિય કરવી પડી હતી. અહેવાલો અનુસાર સીરિયાની રાજધાની દમાસ્કસમાં વિસ્ફોટના અહેવાલ છે. લેબનીઝ ન્યૂઝ આઉટલેટ અલ માયાદીને પણ દિયાલા અને સલાહ અલ-દિન ગવર્નરેટ્સની બહારના વિસ્તારમાં વિસ્ફોટોની જાણ કરી હતી.
ઈરાન પર હુમલા બાદ ઈઝરાયેલની સેનાએ કહ્યું, અમારા વિમાન સુરક્ષિત પરત ફર્યા
ઇઝરાયલ આર્મી (IDF) એ કહ્યું છે કે ઈરાની સૈન્ય ઠેકાણા પર હુમલા હવે સમાપ્ત થઈ ગયા છે. શનિવારે સવારે IDF તરફથી એક નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે, સેનાએ ઈરાનના કેટલાક વિસ્તારોમાં તેની ચોકસાઈપૂર્વકની સ્ટ્રાઈક પૂરી કરી છે. હવે અમારા વિમાન સુરક્ષિત રીતે પરત ફર્યા છે.
ઈઝરાયેલના રક્ષા મંત્રાલયે એક ફોટો પોસ્ટ કર્યો છે, જેમાં રક્ષામંત્રી યોઆવ ગૈલેન્ટ તેહરાનમાં થયેલા વિસ્ફોટની તસવીર જોતા નજરે પડે છે.
અગાઉ ઇઝરાયેલની સેનાએ કહ્યું હતું કે તે ઈરાનના સૈન્ય લક્ષ્યો પર ચોક્કસ હુમલા કરી રહી છે. ઈરાનના સરકારી મીડિયાએ પણ અહેવાલ આપ્યો હતો કે રાજધાની તેહરાનમાં અનેક વિસ્ફોટો સાંભળવામાં આવ્યા હતા. આ હુમલાઓને સમર્થન આપતા ઇઝરાયેલ ડિફેન્સ ફોર્સિસ (IDF) એ કહ્યું હતું કે વિશ્વના અન્ય સાર્વભૌમ રાષ્ટ્રની જેમ ઇઝરાયેલ રાષ્ટ્ર પાસે જવાબ આપવાનો અધિકાર અને ફરજ છે.
ઈરાને હુમલાનો સ્વીકાર કર્યો
ઈરાને તેહરાન, ખુઝેસ્તાન અને ઈલામ પ્રાંતમાં લશ્કરી કેન્દ્રો પર હુમલાની વાત સ્વીકારી છે. ઈઝરાયેલના મીડિયા અનુસાર ઈરાન વિરુદ્ધ ત્રણ તબક્કામાં હુમલા કરવામાં આવ્યા છે. યુએસ અને ઇઝરાયેલના અધિકારીઓને ટાંકીને અહેવાલમાં જણાવાયું છે કે, પ્રથમ તબક્કામાં ઈરાની હવાઈ સંરક્ષણ પર ધ્યાન હુમલા કરાયા હતા જ્યારે બીજા અને ત્રીજા તબક્કામાં મિસાઈલ અને ડ્રોન બેઝ અને પ્રોડક્શન સાઇટ્સ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું.
ઈરાનને અમેરિકાની ચેતવણી
ઈઝરાયેલના મીડિયા રિપોર્ટ્સ અનુસાર વ્હાઇટ હાઉસના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું છે કે અમે ઈરાનને સંદેશ મોકલ્યો છે કે જો તે જવાબ આપશે તો અમે ઈઝરાયેલની સુરક્ષા કરીશું. બિડેન પ્રશાસનના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે સીધો ગોળીબાર બંધ થવો જોઈએ. તેમણે કહ્યું કે અમેરિકા પાસે ઈરાન સાથે વાતચીતના ઘણા પ્રત્યક્ષ અને પરોક્ષ માધ્યમો છે જ્યાં તેણે પોતાની સ્થિતિ સ્પષ્ટ કરી છે. હુમલાની માહિતી આપતા ઈઝરાયેલની સેનાએ ઈરાનને ચેતવણી આપતા કહ્યું કે અમે હુમલા અને સંરક્ષણ બંને માટે તૈયાર છીએ.