નવી દિલ્હીઃ ઈઝરાયેલ પોતાના દુશ્મનોનો સતત ખાત્મો કરી રહ્યું છે. મંગળવારે લેબનોનની રાજધાની બેરૂતમાં એક હુમલો કરી હિઝબુલ્લાહનો ટોચના સૈન્ય કમાન્ડર ફૌદ શુકર માર્યો હતો. ત્યાર બાદ બુધવારની વહેલી સવારે ઈરાનની રાજધાની તેહરાનમાં હુમલો કરી હમાસના ચીફ ઈસ્માઈલ હાનિયાને મારી નાંખ્યો છે. 7 ઓક્ટોબરે હમાસ દ્વારા કરવામાં આવેલા હુમલા બાદ ઈઝરાયેલ સતત તેના દુશ્મનોને નિશાન બનાવી રહ્યું છે અને ગાઝા પટ્ટીને કબ્રસ્તાનમાં ફેરવી દીધું છે.
મંગળવારે ઇઝરાયેલી સેનાએ લેબનોનની રાજધાની બેરૂત પર હુમલો કર્યો અને હિઝબુલ્લાહના નંબર-2 એટલે કે ટોચના સૈન્ય કમાન્ડર ફૌઆદ શુકરને મારી નાખ્યો હતો ત્યાર બાદ ઇઝરાયેલની સેનાએ આજે બુધવારે તા. 31 જુલાઈની વહેલી સવારે ઇરાનની રાજધાની તેહરાન પર હુમલો કર્યો અને હમાસ ચીફ ઇસ્માઇલ હાનિયા અને તેના અંગરક્ષકને મારી નાખ્યા છે. એક દિવસ પહેલા જ તેઓ ઈરાનના નવા રાષ્ટ્રપતિના શપથ ગ્રહણ સમારોહમાં હાજરી આપવા આવ્યા હતા.
ઇઝરાયેલની વાયુસેનાએ મંગળવારે બેરૂતમાં બોમ્બમારો કર્યો હતો, જેમાં હિઝબુલ્લાહના ટોચના સૈન્ય કમાન્ડર ફૌઆદ શુકર માર્યા ગયા હતા. શુકરને હજ મોહસીન તરીકે પણ ઓળખવામાં આવતો હતો. ઇઝરાયલે પોતાના નિયંત્રણ હેઠળના ગોલાન હાઇટ્સ પર રોકેટ હુમલા માટે ફૌદ શુકરને જવાબદાર ગણાવ્યો હતો. ઈઝરાયેલની સેનાએ એક નિવેદનમાં કહ્યું, અમારા યુદ્ધ વિમાનોએ બેરૂતમાં આતંકવાદી સંગઠન હિઝબુલ્લાહના સૌથી વરિષ્ઠ સૈન્ય કમાન્ડર અને તેના સ્ટ્રેટજી યુનિટના વડા ફૌદ શુકરને મારી નાખ્યો છે.
હિઝબુલ્લાહ ઘણા દેશોમાં આતંકવાદી સંગઠન છે
હિઝબોલ્લાહ લેબનોન અને મોટાભાગના મધ્ય પૂર્વમાં સૌથી પ્રભાવશાળી શિયા લશ્કરી જૂથોમાંનું એક છે. તેની રચના 1982માં થઈ હતી જ્યારે ઈઝરાયેલે લેબનોન પર આક્રમણ કર્યું હતું. હિઝબુલ્લાહનો મુખ્ય ઉદ્દેશ્ય ઇઝરાયેલી દળોને લેબનોનમાંથી બહાર કાઢીને ઇસ્લામિક રાજ્યની સ્થાપના કરવાનો હતો.
હિઝબુલ્લાહે પણ પોતાની જાતને એક રાજકીય પક્ષ તરીકે રજૂ કરી છે અને લેબનીઝ રાજનીતિમાં મહત્વની ભૂમિકા ભજવી છે. હિઝબુલ્લાહ લેબનોનમાં સામાજિક સેવાઓ, હોસ્પિટલો અને શાળાઓ પણ ચલાવે છે. જો કે, હિઝબુલ્લાહને ઘણા દેશોએ આતંકવાદી સંગઠન તરીકે નિયુક્ત કર્યા છે. આ સંગઠન ઈઝરાયેલ સાથે અનેક સંઘર્ષોમાં સામેલ છે અને તેને ઈરાન અને સીરિયા તરફથી સમર્થન મળે છે.