ગાઝામાં (Gaza) શરણાર્થી શિબિર (Refugee Camp) પર ઇઝરાયેલના બોમ્બે (Bomb) ફરી તબાહી મચાવી છે. ઇઝરાયેલી યુદ્ધ વિમાનોએ રવિવારે વહેલી સવારે ગાઝા પટ્ટીમાં એક શરણાર્થી શિબિર પર હુમલો કર્યો હતો જેમાં ઓછામાં ઓછા 33 લોકો માર્યા ગયા અને ડઝનેક અન્ય ઘાયલ થયા છે. ગાઝાના સ્વાસ્થ્ય અધિકારીએ આ જાણકારી આપી હતી. દરમિયાન અમેરિકાએ ગાઝાના નાગરિકોને રાહત આપવા ઇઝરાયેલને થોડા સમય માટે હુમલા બંધ કરવાની અપીલ કરી હતી પરંતુ ઇઝરાયેલનું કહેવું છે કે તે ગાઝામાં હમાસ શાસકોને કચડી નાખવા માટે તેના હુમલા ચાલુ રાખશે.
ઈઝરાયેલે ગાઝામાં શરણાર્થી શિબિર પર બોમ્બ ફેંક્યા છે. હવાઈ હુમલામાં 33 લોકોના મોત થયા છે જ્યારે અનેક લોકો ઘાયલ થયા છે. અમેરિકાએ ઈઝરાયલને થોડા સમય માટે હુમલો રોકવાની અપીલ કરી હતી, પરંતુ તેણે સ્પષ્ટ ઈન્કાર કરી દીધો હતો. આ હવાઈ હુમલાના વિરોધમાં યુરોપના અનેક શહેરોમાં દેખાવો થયા હતા. બીજી તરફ ઇઝરાયેલના સંરક્ષણ પ્રધાન યાઓવ ગેલેંટે કહ્યું કે ગાઝા શહેરમાં રહેતો દરેક વ્યક્તિ પોતાનો જીવ જોખમમાં મૂકી રહ્યો છે.
આ તરફ ફ્રાન્સની રાજધાની પેરિસ, જર્મનીની રાજધાની બર્લિન અને અન્ય યુરોપીયન શહેરોમાં હજારો પ્રો-પેલેસ્ટિનિયન લોકોએ ગાઝામાં ઇઝરાયેલી બોમ્બ ધડાકાનો અંત લાવવાની માંગ સાથે પ્રદર્શન કર્યું હતું. ઇઝરાયેલ-હમાસ યુદ્ધમાં વધતી જતી જાનહાનિ અને માનવતાવાદી સંકટને કારણે આ પ્રદર્શનો યુરોપમાં વધતા જતા અસંતોષને પ્રતિબિંબિત કરે છે. ખાસ કરીને એવા દેશોમાં જ્યાં મુસ્લિમ વસ્તી વધુ છે. યુએસ સ્ટેટ સેક્રેટરી ઓફ સ્ટેટ એન્ટની બ્લિંકને તેમની તાજેતરની આ પ્રદેશની મુલાકાત દરમિયાન માનવતાવાદી સહાય પૂરી પાડવા માટે હુમલાઓને થોડા સમય માટે રોકવાનો પ્રસ્તાવ મૂક્યો હતો જેને ઇઝરાયેલ દ્વારા ફગાવી દેવામાં આવ્યો છે.
ગાઝામાં હમાસ સંચાલિત આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે ઇઝરાયેલ-હમાસ યુદ્ધમાં માર્યા ગયેલા પેલેસ્ટિનિયનોની સંખ્યા વધીને 9,448 થઈ ગઈ છે. ઈઝરાયેલમાં 1400 થી વધુ લોકોના મોત થયા છે. આમાંના મોટાભાગના લોકો 7 ઓક્ટોબરે હમાસ દ્વારા કરવામાં આવેલા પ્રારંભિક હુમલામાં મૃત્યુ પામ્યા હતા. આ હુમલા પછી આ યુદ્ધ શરૂ થયું હતું. સ્વાસ્થ્ય મંત્રાલયના પ્રવક્તા અશરફ અલ-કિદ્રાએ જણાવ્યું હતું કે ગાઝાના મગાઝી શરણાર્થી શિબિર પર રવિવારે મધ્ય સવારે થયેલા હવાઈ હુમલામાં ઓછામાં ઓછા 33 લોકો માર્યા ગયા હતા અને 42 ઘાયલ થયા હતા. આ શિબિર એક ખાલી કરાવવાના ક્ષેત્રમાં સ્થિત છે જ્યાં ઇઝરાયેલના સૈન્યએ ગાઝામાં પેલેસ્ટિનિયનોને આશ્રય મેળવવા વિનંતી કરી હતી કારણ કે તે ઉત્તરીય વિસ્તારોમાં તેના લશ્કરી આક્રમણ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે.