નવી દિલ્હીઃ મિડલ ઈસ્ટમાં સતત વધી રહેલાં સંઘર્ષ વચ્ચે ઈઝરાયેલી સૈન્યએ હિઝબુલ્લાહના અનેક ઠેકાણા પર તા. 7 ઓગસ્ટની રાત્રે તાબડતોડ હવાઈ હુમલા કર્યા છે. ઈઝરાયીલ સૈન્યનો દાવો છે કે દક્ષિણ લેબનોનમાં રાત્રિના સમયે હુમલા કરીને હિઝબુલ્લાહના ઘણા ઠેકાણા નષ્ટ કરવામાં આવ્યા છે.
ઈરાન અને લેબનોનની ધમકીઓ વચ્ચે હિઝબુલ્લાહના ટાર્ગેટ પર ઈઝરાયેલનો આ હુમલો થયો છે. વાસ્તવમાં ઈરાનમાં હમાસ નેતા ઈસ્માઈલ હાનિયાની હત્યા બાદ મિડલ ઈસ્ટમાં તણાવ ચરમસીમા પર છે. ઈરાને હાનિયાના મોતનો બદલો ઈઝરાયલ પાસેથી લેવાની જાહેરાત કરી હતી. 31 જુલાઈએ રાજધાની તેહરાનમાં હમાસના વડા ઈસ્માઈલ હાનિયાની હત્યાથી નારાજ ઈરાને ઈઝરાયેલને પાઠ ભણાવવાની ધમકી આપી હતી અને હવે એવું માનવામાં આવી રહ્યું છે કે ઈરાન કોઈપણ સમયે યુદ્ધ મોરચો ખોલી શકે છે.
અમેરિકી વિદેશ મંત્રી એન્ટની બ્લિંકને પણ ઈરાન અને હિઝબુલ્લાની આ ધમકીઓને ધ્યાનમાં રાખીને કહ્યું હતું કે આ દેશો કોઈપણ સમયે ઈઝરાયેલ પર હુમલો કરી શકે છે. પરંતુ ઈરાન અને લેબેનોનની ધમકીઓને નજરઅંદાજ કરીને ઈઝરાયેલે હિઝબુલ્લાહના ઘણા ઠેકાણાઓને નષ્ટ કરી દીધા છે.
ઈરાન અને લેબનોન કેમ નારાજ છે?
આ ધમકીઓને જોતા ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ કહ્યું હતું કે ઈરાન અને તેના સાગરિતો અમને આતંકવાદના ચુંગાલમાં ફસાવા માંગે છે. અમે દરેક મોરચે અને દરેક ક્ષેત્રમાં, નજીક કે દૂર તેમની સામે ઊભા રહેવા માટે મક્કમ છીએ. હકીકતમાં ગત સપ્તાહે ઈરાનની રાજધાની તેહરાનમાં હમાસ ચીફ ઈસ્માઈલ હાનિયાની હત્યા બાદ તણાવ વધી ગયો છે.
આ ઘટનાના એક દિવસ પહેલા લેબનોનની રાજધાની બેરૂતમાં હિઝબુલ્લાહના ટોચના સૈન્ય કમાન્ડર ફૌદ શુકરની હત્યા કરવામાં આવી હતી. હાનિયા ગાઝામાં હમાસનો ચીફ હતો અને તે ઈરાનના નવા રાષ્ટ્રપતિના શપથ ગ્રહણ સમારોહમાં ભાગ લેવા તેહરાન ગયો હતો. અહીં હિઝબુલ્લાએ પણ ઈઝરાયેલને નિશાન બનાવવાનું શરૂ કર્યું.
હિઝબુલ્લાએ ગયા શનિવારે ઇઝરાયેલ પર લગભગ 50 રોકેટ છોડ્યા હતા. જોકે, ઈઝરાયેલના આયર્ન ડોમે આ હુમલાને નિષ્ફળ બનાવ્યો હતો. ઈરાન અને હિઝબુલ્લાહ દ્વારા બદલો લેવાની જાહેરાતને કારણે મધ્ય પૂર્વમાં મોટા પાયે યુદ્ધની શક્યતા વધી ગઈ છે. આ દરમિયાન અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેને વર્તમાન પરિસ્થિતિ અંગે ચર્ચા કરવા ઈમરજન્સી બેઠક યોજી હતી. પેન્ટાગોને વધુ ઘટનાઓને રોકવા માટે આ વિસ્તારમાં વધારાના સૈન્ય દળોને તૈનાત કરવાની જાહેરાત કરી છે.