નવી દિલ્હી: ગાઝા (Gaza) પટ્ટીમાં ઈઝરાયેલી સેનાના (IsraelArmy) આક્રમક હુમલા ચાલુ છે. ઇઝરાયેલની વાયુસેના ગાઝામાં હમાસના (Hamas) ઠેકાણાઓ પર સતત બોમ્બમારો કરી રહી છે. હવાઈ હુમલા પછી ગ્રાઉન્ડ ફોર્સ હુમલો કર્યો છે. ઇઝરાયેલી સેનાએ મંગળવારે ગાઝાના જબાલિયામાં એક મોટું ઓપરેશન હાથ ધર્યું હતું. અહીં સુરક્ષા દળોએ હમાસ કમાન્ડરઈબ્રાહિમ બિયારી સહિત 50 આતંકીઓને મોતને ઘાટ ઉતાર્યા હોવાનો દાવો ઈઝરાયેલી સેનાએ કર્યો છે. આ અથડામણમાં બે ઇઝરાયેલ સૈનિકો પણ માર્યા ગયા હોવાની વિગતો સપાટી પર આવી છે.
ઈઝરાયેલી સેનાના જણાવ્યા અનુસાર ઈઝરાયેલની સેનાએ સૌથી પહેલા એર સ્ટ્રાઈક કરી હતી. ત્યાર બાદ ગ્રાઉન્ડ ફોર્સે હમાસની સેન્ટ્રલ જબાલિયા બટાલિયન દ્વારા ઉપયોગમાં લેવાતી ઇમારતને કબજે કરી લીધી. ઈઝરાયેલના હુમલામાં જબાલિયામાં ઘણી ઈમારતો ધ્વસ્ત થઈ ગઈ હતી.
આ દરમિયાન ઈઝરાયેલની સેનાએ બટાલિયન ચીફ સહિત હમાસના 50 આતંકીઓને ઠાર માર્યા હતા. ત્યાર બાદ ગ્રાઉન્ડ ફોર્સે અહીં બનેલી ટનલને પણ નષ્ટ કરી દીધી હતી. આ ઓપરેશનમાં બે ઈઝરાયેલ સૈનિક રોઈ વુલ્ફ અને લાવી લિપશીટ્ઝ માર્યા ગયા હતા. બંને ગીવતી ઇન્ફન્ટ્રી બ્રિગેડના રિકોનિસન્સ યુનિટમાં તૈનાત હતા. IDFના પ્રવક્તા રિયર એડમિરલ ડેનિયલ હગારીએ જણાવ્યું હતું કે જબલિયામાં હમાસના ગઢ પર કબજો કરવા માટે સૈનિકોએ હુમલો કર્યો ત્યારે યુદ્ધમાં બે સૈનિકો માર્યા ગયા હતા.
સંરક્ષણ પ્રધાન યોવ ગાલાંટે મંગળવારે સાંજે કહ્યું કે IDF ગાઝા પટ્ટીમાં ગ્રાઉન્ડ ઓપરેશન દરમિયાન નોંધપાત્ર સફળતા હાંસલ કરી રહ્યું છે. ગેલન્ટ એરફોર્સના સૈનિકોને મળ્યા અને કહ્યું, અમે સ્ટ્રીપની અંદર મોટા પાયે સૈનિકો તૈનાત કરી રહ્યા છીએ. ગાઝામાં સક્રિય લડવૈયાઓ સામે લડાઈ ચાલી રહી છે.
ઈઝરાયેલ અને હમાસ વચ્ચે યુદ્ધ શરૂ થયાને 25 દિવસ થઈ ગયા છે. આ યુદ્ધમાં અત્યાર સુધીમાં બંને પક્ષોના લગભગ 10,000 લોકો માર્યા ગયા છે. એકલા ગાઝામાં જ 8,525 લોકોના મોત થયા છે, જેમાંથી 3,542 બાળકો છે. ગાઝામાં દરેક જગ્યાએ ઇઝરાયેલી ટેન્ક અને બુલડોઝર ઈઝરાયેલની સેના ઉત્તરી ભાગથી ગાઝામાં પ્રવેશી રહી છે.
તેણે દક્ષિણ ભાગમાં ટેન્કોની એકાગ્રતા તૈનાત કરી છે. જ્યારે ગાઝા પર પણ પૂર્વ અને પશ્ચિમ તરફથી હુમલા થઈ રહ્યા છે. ઈઝરાયલે ગાઝામાં પોતાના ખાસ બુલડોઝર પણ તૈનાત કર્યા છે. પહેલા આ બુલડોઝર ગાઝામાં તબાહી મચાવે છે, રસ્તો સાફ થયા પછી ઈઝરાયેલી સેના આગળ વધે છે.