વિશ્વ હજુ કોરોનાની મહામારીથી બહાર આવ્યું નથી ત્યાં હવે ઈઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા જંગના સમાચાર આખા વિશ્વમાં છવાઈ રહ્યાં છે. ચારેક દિવસથી આ યુદ્ધ જેવી સ્થિતિ ચાલી રહી છે અને તેમાં સેંકડો લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે અને અબજો રૂપિયાની સંપત્તિ નાશ પામી છે. આ બંને વચ્ચે શરૂ થયેલી માથાકૂટ ધીરેધીરે વિશ્વમાં તેની ગંભીર અસરો ઊભી કરી રહી છે. આમ તો મિડલ ઈસ્ટ તરીકે ઓળખાતાં આ વિસ્તારમાં છેલ્લા 100 વર્ષથી સંઘર્ષની સ્થિતિ ચાલી રહી છે. આ વિસ્તારમાં વેસ્ટ બેંક, ગાઝા પટ્ટી અને ગોલ્ડન હાઈટ્સ વિસ્તારોની માલિકી અંગે વિવાદ ચાલી રહ્યો છે. પેલેસ્ટાઈન જેરૂસલેમ પર પોતાનો દાવો કરે છે અને સામે ઈઝરાયેલ કોઈપણ સંજોગોમાં જેરૂસલેમને છોડવા માટે તૈયાર નથી. ઈઝરાયલ જેરૂસલમને આધુનિક શહેર બનાવવા માંગે છે. સામે પેલેસ્ટાઈની તૈયાર નથી. જેને કારણે બંને વચ્ચે સંઘર્ષ ચાલી રહ્યો છે. આ સંઘર્ષમાં હાલમાં રમજાન માસમાં ઈઝરાયલની પોલીસે જેરૂસલેમમાંથી પેલેસ્ટાઈની પરિવારોને ખસેડવાની શરૂઆત કરી હતી. જેના વિરોધમાં જેરૂસલેમની મસ્જિદ અલ અક્સામાં રમજાનના છેલ્લા જુમ્મા પર હિંસક પ્રદર્શનો થયા. જેને પગલે પોલીસ અને પેલેસ્ટાઈની પરિવારો વચ્ચે ઘર્ષણ શરૂ થઈ જવા પામ્યું છે.
પેલેસ્ટાઈનમાં બે ચરમપંથી સંગઠનો ઈઝરાયલના કાયમી દુશ્મન રહ્યાં છે. જેમાં હમાસ અને પેલેસ્ટાઈની ઈસ્લામિક જેહાદનો સમાવેશ થાય છે. હમાસનો ગાઝા પટ્ટી પર કબજો છે. જેવા ઈઝરાયલની પોલીસ અને પેલેસ્ટાઈની પરિવારો વચ્ચે સંઘર્ષના સમાચાર આવ્યા કે તુરંત હમાસ સંગઠન દ્વારા ઈઝરાયલ પર રોકેટ છોડવામાં આવ્યાં હતાં. હમાસે રોકેટ છોડતાં જ ઈઝરાયલે સામો જડબાતોડ જવાબ આપવાની શરૂઆત કરી દીધી. હમાસના કબજાવાળા ગાઝા વિસ્તારમાં ઈઝરાયલે 40 કલાકમાં એક હજાર કરતાં પણ વધારે રોકેટ છોડ્યા છે. અને ગાઝા પટ્ટીમાં આતંક મચાવી દીધો છે. સામે હમાસે પણ ઈઝરાયલ પર સતત રોકેટનો મારો ચાલુ રાખ્યો છે. હમાસે ઈઝરાયલના મોટા શહેરનો પોતાના નિશાન બનાવ્યા છે. જોકે, ઈઝરાયલે પોતાની આયરન ડોમ એર ડિફેન્સ સિસ્ટમ દ્વારા હમાસના 90 ટકા રોકેટોને નિષ્ફળ બનાવી દીધા છે. હકીકતમાં હમાસ છેલ્લા ઘણા સમયથી ઈઝરાયલના નિશાના પર છે.
છેલ્લા કેટલાક સમયથી હમાસ અને પેલેસ્ટાઈની ઈસ્લામિક જેહાદ સંગઠન દ્વારા જાતે જ રોકેટ બનાવવામાં આવી રહ્યાં છે. હમાસની પાસે 100થી 160 કિમી રેન્જના રોકેટ છે. આ રોકેટ દ્વારા હમાસ ઈઝરાયલના તેલ અવીવ, બેન ગુરિયન એરપોર્ટ અને જેરૂસલેમ જેવા શહેરોને નિશાન બનાવી શકે છે. અગાઉ હમાસની તાકાત ઓછી હતી પરંતુ છેલ્લા 6 વર્ષમાં હમાસની તાકાત અનેકગણી વધી ગઈ છે અને ઈઝરાયલ ગમે ત્યારે તેની પર ત્રાટકે તેવું જ હતું. તેમાં હમાસે રોકેટ છોડ્યાં અને ઈઝરાયલને ભાવતું મળી ગયું. હમાસે પહેલી પાંચ જ મિનિટમાં 137 રોકેટ ઈઝરાયલ પર છોડ્યાં હતાં. ચાર દિવસમાં હમાસ દ્વારા એક હજાર કરતાં વધુ રોકેટ ઈઝરાયલ પર છોડવામાં આવ્યાં છે. ઈઝરાયલ દ્વારા પણ વળતા જવાબો આપવામાં આવી રહ્યાં છે પરંતુ તેનાથી વિશ્વના અન્ય દેશો પણ ચિંતિંત બન્યા છે. આખું વિશ્વ હાલમાં કોરોનાની સામે લડી રહ્યું છે ત્યારે ઈઝરાયલ અને હમાસ એકબીજાની સામે લડી રહ્યાં છે. અત્યાર સુધીમાં આ લડાઈમાં બંને પક્ષે અનેક લોકો માર્યા ગયા છે. જો લડાઈ નહીં અટકે અને અન્ય દેશો પણ જોડાશે તો તો વધુ ખાનાખરાબી થવાની સંભાવના રહેલી છે તે નક્કી છે.