સુરતના આંગણે આગામી તારીખ 9 જાન્યુઆરીથી ક્રિકેટ મહોત્સવ શરૂ થવા જઈ રહ્યો છે. અમિતાભ બચ્ચન, સલમાન ખાન, કરીના કપૂર જેવી સેલિબ્રિટીઓની માલિકી ધરાવતી 8 ટેનિસ ક્રિકેટ ટીમ 44 મેચો સુરતના લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ ખાતે રમશે. આગામી 9 જાન્યુઆરીએ પહેલી મેચ વખતે સચિન તેંડુલકર ઉપસ્થિત રહે તેવી શક્યતા આયોજકોએ વ્યક્ત કરી છે.
ISPL સીઝન 3 લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ ખાતે 9 જાન્યુઆરીથી 6 ફેબ્રુઆરી દરમિયાન યોજાશે, જેમાં કુલ 44 રોમાંચક મેચો રમાશે.આ સિઝનમાં આઠ ટીમો ભાગ લેશે: જેમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન માઝી મુંબઈ (અમિતાભ બચ્ચનની સહ-માલિકી), ટાઇગર્સ ઓફ કોલકાતા (સૌરવ ગાંગુલી, સૈફ અલી ખાન અને કરીના કપૂર ખાનની સહ-માલિકી), શ્રીનગર કે વીર (અક્ષય કુમારની સહ-માલિકી), ચેન્નાઈ સિંગમ્સ (સૂર્યાની સહ-માલિકી), બેંગલુરુ સ્ટ્રાઇકર્સ (હૃતિક રોશનની સહ-માલિકી), ફાલ્કન રાઇઝર્સ હૈદરાબાદ (રામ ચરનની સહ-માલિકી), દિલ્હી સુપર હીરોઝ (સલમાન ખાનની સહ-માલિકી) અને અમદાવાદ લાયન્સ (અજય દેવગણની સહ-માલિકી) ટીમનો સમાવેશ થાય છે.
ISPL સીઝન 3માં અભિષેક દલ્હોર, સૈફ અલી, વિજય પાવલે, જગન્નાથ સરકાર અને અંકુર સિંહ જેવા ભારતના અનેક પ્રતિભાશાળી નવોદિતો જોવા મળશે.