ગાંધીનગર: (Gandhinagar) રાજ્યમાં છેલ્લા ઘણા દિવસો દરમિયાન જુદા જુદા જિલ્લાઓમાં પક્ષીઓનાં મરણની ઘટનાઓ નોંધાઈ છે. જૂનાગઢ જિલ્લાના બાટવા ગામે ૫૩ જેટલાં જુદાં જુદાં પક્ષીઓનાં (Birds) મરણ થતાં તેમનાં સેમ્પલ ભોપાલ ખાતેની હાઇ સિક્યુરિટી લેબોરેટરી ખાતે મોકલવામાં આવ્યાં હતાં. ઉપરાંત રાજ્યના અન્ય જિલ્લા સુરત, વડોદરા, તાપી, કચ્છ, નર્મદા, વલસાડ, મહેસાણા વગેરે જિલ્લામાં પણ પક્ષીઓનાં મૃત્યુ નોંધાતાં ત્યાંથી પણ પક્ષીઓનાં સેમ્પલ ભોપાલ ખાતે મોકલવામાં આવ્યાં હતાં. તે સંદર્ભે ભોપાલ ખાતેથી મળેલાં સેમ્પલના રિપોર્ટ અનુસાર જૂનાગઢ, સુરત, વલસાડ અને વડોદરા ખાતેનાં મૃત પક્ષીઓમાંથી એવિયન ઇન્ફલ્યુએન્ઝા (H5N8) મળી આવતાં રાજ્યના આરોગ્ય વિભાગનાં અગ્ર સચિવ ડો. જયંતી રવિએ (Jayanti Ravi) તકેદારીના ભાગરૂપે તમામ આરોગ્ય અધિકારીઓ સાથે વિડીયો કોન્ફરન્સ દ્વારા સમીક્ષા કરી હતી.
ડો.જયંતી રવિએ કહ્યું હતું કે, બર્ડ ફ્લૂના નિયંત્રણ માટે ચોક્કસ દિશા-નિર્દેશો સાથે પગલાં લેવાં અને સઘન સર્વેલન્સની કામગીરી કરવા જણાવાયું હતું. તે સંદર્ભે સોમવારે બર્ડ ફ્લૂ અંગેનો રિપોર્ટ મળતાં જ આરોગ્ય વિભાગ દ્વારા પશુપાલન વિભાગના સચિવ નલીન ઉપાધ્યાય, આરોગ્ય કમિશનર જયપ્રકાશ શિવહરેની ઉપસ્થિતિમાં યોજાયેલી વિડીયો કોન્ફરન્સના માધ્યમ દ્વારા તમામ આરોગ્ય અધિકારીઓને સચેત રહી જરૂરી કાર્યવાહી કરવા સૂચનાઓ આપી દેવામાં આવી છે.
બર્ડ ફ્લૂની ગાઈડલાઈન પ્રમાણે આ વિસ્તારમાં ૦થી ૧૦ કિ.મી.ના એરિયાને એલર્ટ ઝોન જાહેર કરી તેમાં આવતાં તમામ ગામોમાં સઘન સર્વેલન્સની કામગીરી કરવામાં આવી રહી છે. આરોગ્ય વિભાગની પ્રવૃત્તિઓ માટે ૦થી ૩ કિ.મી.નો વિસ્તાર ઈન્ફેક્ટેડ ઝોન તેમજ ૩થી ૧૦ કિ.મી.નો વિસ્તાર સર્વેલન્સ ઝોન તરીકે જાહેર કરવામાં આવે છે. ૦થી ૩ કિ.મી.ના વિસ્તારમાં હાઉસ ટુ હાઉસ સર્વેલન્સ કરવામાં આવે છે તેમજ ૩થી ૧૦ કિ.મી.ના વિસ્તારમાં ઇન્ફ્લુએન્ઝાનાં લક્ષણો ધરાવતા વ્યક્તિઓનું સર્વેલન્સ કરવામાં આવે છે.
માણસમાં હજુ સુધી એવિયન ઇન્ફલ્યુએન્ઝા (H5N8)નો એકપણ કેસ નોંધાયેલો નથી પરંતુ રાજ્યની તમામ હોસ્પિટલોમાં બર્ડ ફ્લૂ માટે આઇસોલેશન વોર્ડ સહિતની તમામ સુવિધાઓ ઉપલબ્ધ છે. એવિયન ઇન્ફલ્યુએન્ઝા (H5N8) એ લોપેથોજનીક વાયરસ છે. એટલે કે એની ઘાતકતા બર્ડ ફ્લૂના અન્ય વાયરસ કરતાં ઓછી હોય છે. માણસમાં હજુ સુધી એવિયન ઇન્ફલ્યુએન્ઝા (H5N8)નો એકપણ કેસ નોંધાયેલ નથી. છતા પણ સતર્કતાના ભાગરૂપે કાળજી લેવી અત્યંત આવશ્યક છે. નજીકમાં કોઇપણ પક્ષીઓનાં અસામાન્ય મૃત્યુ જણાય તો તેની તાત્કાલીક આરોગ્ય વિભાગ કે પશુપાલન વિભાગને જાણ કરવી પક્ષીઓ કે મરઘાંના સીધા સંપર્કમાં આવવાનું ટાળવું. કામ સિવાય પોલ્ટ્રી ફાર્મમાં દાખલ થવું નહીં. જો જવાનું થાય તો એન્ટી સેપ્ટિક સોલ્યુશનથી પગ સાફ કરીને જ જવું. માંસ, મટન વગેરેનો પૂરતા પ્રમાણમાં રાંધ્યા પછી જ ઉપયોગ કરવો. હાથ-પગને વારંવાર સાબુથી ધોવા, તાવ, શરદી, ઉધરસ, શરીરનો દુખાવો, ઝાડા, આંખો આવવી જેવાં લક્ષણો જણાય તો તાત્કાલિક નજીકનાં આરોગ્ય કેન્દ્ર પર તપાસ કરાવવી. મરેલાં મરઘાં કે પક્ષીઓના ખાડો ખોદી દાટી યોગ્ય રીતે નિકાલ કરવો. કોઇપણ પ્રકારનાં શંકાસ્પદ લક્ષણો જણાય તો સારવાર લેવામાં વિલંબ કરવો નહીં.