સુરત: (Surat) રાંદેર વિસ્તારમાં માથાભારે ઇસ્માઈલ પેઈન્ટર સામે વિતેલા પખવાડિયામાં હત્યાના (Murder) પ્રયાસની બે ફરિયાદ નોંધાઈ હતી. બે દિવસ પહેલા વાયરલ વીડિયોમાં (Viral Video) રસ્તા પર તલવારો (Swords) લઈને દોડતા દ્રશ્યો જોવા મળ્યા હતાં. આ બનાવ બાદ રાંદેર પોલીસે આજે ઇસ્માઈલ પેઈન્ટર અને તેની સાથેની ટોળકીની ધરપકડ (Arrest) કરી છે. ઇસ્માઈલે અન્નુ કેસેટની સામે મારામારીની ફરિયાદ નોંધાવતા સામ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
- ઈસ્માઈલ પેઈન્ટર અને તેની ટોળકીએ ગયા અઠવાડિયે રાંદેરના અસ્પાક નાસિક શેખ પર હુમલો કર્યો હતો
- ઈસ્માઈલ અને તેની ગેંગના માણસો અજમેઈ ચાર રસ્તાની પાછળ ઈક્બાલનગર ઝૂંપડપટ્ટીમાં છૂપાયાની પોલીસને બાતમી મળી હતી
- પોલીસે રેઈડ કરી ઈસ્માઈલ ઉપરાંત મુબારક, સાહિદ, રીઝવાન, સોયેબ, નઝીર અને માહિર મલેકને ઝડપી પાડ્યા
રાંદેર પોલીસને અસ્પાક નાસિક શેખ અને તેના મિત્રો ઉપર હુમલો કરનાર ઇસ્માઈલ પેઈન્ટર, માહિર શેખ, સાહિદ કાલિયા તથા તેના બીજા સાથીદારો હાલ અજમેઈ ચાર રસ્તા ગોલ્ડન ટીની પાછળ ઇકબાલનગર ઝુંપડપટ્ટી પાસે છુપાયેલા હોવાની બાતમી મળી હતી. જેના આધારે રાંદેર પોલીસના માણસોએ રેઈડ કરીને ઇસ્માઈલ ઉર્ફે ઇસ્માઈલ પેઈન્ટર મુબારક શેખ (ઉ.વ.28, રહે.માલવીયા એપાર્ટમેન્ટ, રાંદેર), સાહિદ ઉર્ફે કાલિયા યુસુફ શેખ (ઉ.વ.25, રહે.મુનશી સ્ટ્રીટ, રાંદેર), રીઝવાન ઉર્ફે જાડો જાવીદભાઈ શેખ (ઉ.વ.24, રહે.ચમેલી મસ્જીદની પાસે સૈયદપુરા), સોયેબ બશીર હોડીવાલા (ઉ.વ.21, રહે.નાનાબજાર, રાંદેર), નઝીર ઉર્ફે બંગાલી જલાલ મુલ્લા (ઉ.વ.20, રહે.સંસ્કાર કોલોની તાડવાડી, રાંદેર) તથા માહિર સફીક મલેક (ઉ.વ.25, રહે.) એસએમડી પેલેસ ખંડેરાપુરા, નાનપુરા) ને ઝડપી પાડ્યા હતા. ઇસ્માઈલ પેઈન્ટર અને માહિર મલેકની સામે રાંદેર પોલીસ સ્ટેશનમાં પખવાડિયા પહેલા પણ મારામારીની એક ફરિયાદ નોંધાઈ હતી. સવારે રીક્ષા ચાલક અને તેના મિત્રો પર જીવલેણ હૂમલો કર્યો હતો.
ઇસ્માઈલની ધરપકડ બાદ તેને અન્નુ કેસેટ અને તેના માણસો સામે ફરિયાદ નોંધાવી
રાંદેર માલવીયા એપાર્ટમેન્ટમાં રહેતા 28 વર્ષીય ઇસ્માઈલ ઉર્ફે ઇસ્માઈલ પેઈન્ટર શેખ ફોરવ્હીલ કાર લે-વેચનું કામ કરે છે. તથા રાંદેર વિસ્તારમાં માથાભારેની છાપ ધરાવે છે. રાંદેર પોલીસે હત્યાના પ્રયાસના ગુનામાં તેની ધરપકડ કર્યા બાદ તેને અન્નુ કેસેટ, અસ્પાક ઉર્ફે કવા, સાજીદ અને ડમરૂની સામે ફરિયાદ નોંધાવી હતી.
ફરિયાદમાં જણાવ્યું છે કે, ગત 7 જાન્યુઆરીએ સાંજે રાંદેર અડાજણ પાટીયા પાસે તેનો મિત્ર શોએબ અને માહિર તથા સાજીદ પ્રેસવાલા, રીઝવાન ઉર્ફે જાડા મળીને રાંદેર કોઝવે સર્કલ થઈ તેના ઘરે જતા હતા. અને ઘરે પત્નીને મળીને ઇસ્માઈલ પેઈન્ટર પોલીસ સ્ટેશન હાજર થવાનો હતો. ત્યારે કોઝવે સર્કલ પાસે અન્નુ કેસેટ, ઇરફાન, સાજીદ તથા ડમરૂ બે બાઈક પર આવીને તેને ઘેરી લીધો હતો. અસ્પાક કવાએ ઇસ્માઈલને ગાળો આપી ચપ્પુ વડે હુમલો કર્યો હતો. બાદમાં અન્નુ કેસેટ, સાજીદ તથા ડમરૂ મળીને માર માર્યો હતો. ઇસ્માઈલે બુમાબુમ કરતા તેના મિત્રો દોડી આવતા અન્નુ કેસેટ અને તેના માણસો ભાગી ગયા હતા.