Charchapatra

ઈસ્લામ અને જ્ઞાન

ઈસ્લામમાં જ્ઞાન પ્રાપ્ત કરવું અનિવાર્ય છે. કુરઆન તેની પ્રથમ અવતરિત આયાતોમાં કહે છે, “વાંચો, વાંચો પરમાત્માના નામથી, જેણે માનવજાતને વીર્યથી જન્માવી કલમ દ્વારા એ બધું જ શીખવ્યું, જેનાથી તેઓ અજાણ હતા.” (સુરા અલક, 96) આમ, ઈસ્લામ જ્ઞાનને હંમેશા આગળ મૂકે છે. “જ્ઞાની અને અજ્ઞાની સમાન નથી” (સૂરા અઝ-ઝુમર 39:9) આ આયાત વ્યક્તિના મેરિટ પર ભાર મૂકે છે. પયગંબર મુહમ્મદ સાહેબ (સ.અ.વ.) કહે છે, “જ્ઞાન મેળવવું એ દરેક મુસ્લિમની ફરજ છે” (સુનન ઈબ્ને માજા, 224) અન્ય એક હદીસમાં પયગંબર મુહમ્મદ સાહેબ (સ.અ.વ.) કહે છે, “જે કોઈ વ્યક્તિ જ્ઞાન અર્જનના માર્ગ પર ચાલશે, પરમાત્મા તેના માટે સ્વર્ગનો માર્ગ મોકળો કરી દેશે.” (સહી મુસ્લિમ, 2699) આમ, જ્ઞાન એ ધર્મ અને દુનિયાની સમજણને વધારે છે અને તે મનુષ્યને સાચો માર્ગ દર્શાવે છે. અફસોસ કે આજની બહુલ મુસલમાન વસ્તી જ્ઞાનથી વંચિત છે. સામાન્ય માણસ, વ્યક્તિના વ્યવહારને, આચરણને જોઈને તેના ધર્મને મૂલવતો હોય છે. આજે કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ કથિત મુસ્લિમનાં કર્મોને જોઈને; એ જ ઈસ્લામ છે, એવું માની લે છે અને ત્યાં ભૂલ થાય છે. ઈસ્લામના સિધ્ધાંતો, ઈસ્લામ પાસેથી જ સમજવા જોઈએ અન્ય પાસેથી નહીં. જ્ઞાન કી જય હો.
સુરત      – મોહમ્મદ સાબીર ગાડીવાલા- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

ચિંતા
ચિંતા પણ એક પ્રકારનો માનસિક રોગ છે. તેનાં પણ કેટલાંય કારણો હોય છે. ચિંતા મોહ અથવા ભયના કારણથી થાય છે. શું થશે? અથવા  આવું ન થાય? આ બે વાત બુદ્ધિમાંથી કાઢવા છતાં નીકળતી નથી. આપણું કામ પુરુષાર્થ કરવાનું છે. પરિણામ શું આવે છે તેની ચિંતા કરવી ભૂલ છે. આપણે ધારીએ છીએ તેમ હંમેશા થવું જ જોઈએ એ તો અસંભવ છે. ભૂતકાળને ભૂલીને વર્તમાનને માન આપવામાં ડહાપણ છે.એનાથી આવતી કાલ ભવિષ્ય આપોઆપ સુધરી જશે. ધૈર્ય જરૂરી છે. ચિંતાથી ચતુરાઈ ઘટે છે.

ચિંતાને પ્રભુચિંતનમાં બદલી નાંખવી એ એક બહુ જ સારી યુક્તિ ને ચિંતન કરવાથી સમસ્યાનો ઉકેલ મોડો વહેલો જરૂર મળે છે. નકારાત્મક વિચારોને સકારાત્મક બનાવી આગળ વધતાં રહેવું. માનસિક બિમારી નકારાત્મક વિચારોને કારણે એનું સ્વરૂપ વધુ ગંભીર બનાવે છે. બી પોઝીટીવ. આગળ વધો. તમારી ઉદાસીનતા હર્ષિત મુખરતામાં પરિણમશે અને અશાંત મન શાંત બનશે. ઊંઘ પણ સારી આવશે.
સુરત     – જગદીશ પાનવાલા- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top