Business

ઈશિતાની એલચી મરચા જેવી છે

ગુજરાતમિત્ર દૈનિકની દસમી નવેમ્બરની રવિવારીય પૂર્તિમાં ઈશિતાનું અલકમલક કોલમમાં ઈશિતાની એલચી તરીકે નોંધવામા આવ્યું છે કે; “હવે, તો શાંતિથી બેસવાનું રાખો, જિંદગી જીવવાની છે, જીતવાની નથી” આ નાનકડી વાત ખૂબ જ સૂચક છે અને સમજવા જેવી છે. કેટલાક લોકો શાંતિથી જીવન જીવતા નથી,(અને બીજાને પણ શાંતિથી જીવવા દેતા નથી!) આવા લોકો ખોટી દોડધામ અને નિરર્થક ધમપછાડા કરતાં રહે છે. આવા માણસોને ઓળખવાનું બિલકુલ મુશ્કિલ નથી. તેઓ આરામથી છતા થઈ જતાં હોય છે. જિંદગી, જીવવાને બદલે કોઈને કંઈ બતાવી દેવાની માનસિક વિકૃતિથી તેઓ સતત પીડાતા હોય છે. આ સંદર્ભે મને વર્ષો પૂર્વે અમેરિકાની કોઈ એક સેલિબ્રિટીએ કહેલી એક વાત નોંધવા જેવી લાગે છે. એમણે કહ્યું હતું કે; “ આપણે બધાં જ જાણે કે એક રેટ રેસમાં લાગ્યા છીએ. બધાં જ દોડી રહ્યાં છે. પરંતુ મજાની વાત એ છે કે આ રેસ જીત્યા પછી પણ આપણે ઉંદર જ બની  રહીએ છીએ!” જીવનમાં આગળ વધવું, પ્રગતિ કરવી એ એક વાત છે,એની સામે કોઈને પણ વાંધો હોઈ શકે નહીં, પરંતુ આપણે જિંદગી જીવવાનું જ ચૂકી જઇએ એ મોટો પ્રશ્ન છે. ઈશિતાની આ એલચી કોઈને ભલે મરચા જેવી લાગે પણ સમજવા જેવી છે.
નવસારી           – ઈન્તેખાબ અનસારી આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

ક્ષતિ સુધારણા સ્વયં સુધારણાનું પ્રથમ સોપાન
માનવ માત્ર ને ભૂલને પાત્ર, ભૂલ તો બ્રહ્માથી પણ થાય. આ ઉકિતઓ માનવીને ભૂલસુધારણાની હકારાત્મક વિચારસરણી તરફ દોરી શકે છે. ભૂલ કરવી માનવીય પ્રકૃતિ છે, સ્વયંની ભૂલ કબૂલ કરવી એ ખાનદાની કહી શકાય અને એ ભૂલને સુધારી એમાંથી બોધપાઠ લેવા એ પ્રગતિનો પંથ છે. ભૂલ બે પ્રકારની હોઇ શકે અજાણતામાં થયેલ ભૂલ અને જાણી જોઇને થયેલ ભૂલ ક્ષમ્ય થઇ શકે પણ જાણી જોઇને કરેલી ભૂલ સંજોગ અનુસાર અક્ષમ્ય ગણી શકાય. એક તત્વચિંતકે કહ્યું હતું કે દુનિયાની કોઇ પણ ભાષામાં અઘરામાં અઘરા શબ્દો છે, મારી ભૂલ થઇ ગઇ! ભૂલ કબૂલવામાં કયારેક માનવીનો અહમ પણ આડો આવી શકે, હું કદી ભૂલ કરું જ નહીં એ એક માનસિક ભ્રમણા હોઇ શકે. ભૂલ તો દેવતાઓ મહાનપુરુષો, વૈજ્ઞાનિકો કે અન્ય કોઇ પણ સામાન્ય વ્યકિતથી થતી જ હોય. પરંતુ આત્મનિરીક્ષણ તથા અહમ્‌ને દૂર કરી એ ભૂલ અનુભવનું ભાથું જરૂર બાંધી આપે. કયારેક નિષ્ફળતા ભૂલમાંથી પ્રગટે છે તો સફળતા પ્રાપ્ત કરવા ભૂલમાંથી બોધ લઇ સફળતાની સીડી તરફ ઉર્ધ્વ ગમન કરી શકાય. ભૂલની કબૂલાત સ્વયં સુધારણાનું પ્રથમ સોપાન છે એ વાત સનાતન સત્ય છે.
સુરત              – નેહા શાહ આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top