ઊંચા અવાજનો પાઉન્ડભર્યો રણકાર
ક્યારે બોલવું અને ક્યારે હોઠ સીવી લેવા એની કળામાં જો પારંગત હો તો તમે અનેક લડાઈ જીતી શકો. જો કે અહીં કયા સમયે વાણી અને મૌનનો ઉપયોગ કરવો એ પણ એટલું જ મહત્ત્વનું છે. કેટલાક લોકો અવાજને સંયમમાં રાખીને પોતાની વાત સચોટ રીતે વ્યકત કરી શકે છે તો અમુક લોકો પોતાની વાત અવાજ-સ્વરને ઊંચી સપાટી પર લઈ ગયા વગર કહી શક્તા નથી. મૌન રહો કે ઊંચા અવાજે વાત કરો એના લાભ-અલાભ પણ એટલા જ છે. સામાન્ય રીતે, કોઈ એટલા ઊંચા અવાજે વાત કરે તો કયારેક આપણે ટકોર કરવી પડે: ‘માઈક્રોફોન ગળી ગયા છો કે શું?’
દર વખતે આવી રીતે વાત કરવી અ-સભ્યતાની નિશાની ગણાય. તમે હૉસ્પિટલ-લાઈબ્રેરી- કોર્ટ જેવાં પ્રતિબંધિત સ્થળો- વિસ્તારમાં ઊંચા અવાજે વાત ન કરી શકો કે ત્યાં બૂમબરાડા પણ ન પાડી શકો. ક્યારેક એ ન ધાર્યું હોય એટલું નુકસાનકારક પણ સાબિત થાય. આ તાજો જ કિસ્સો જાણીએ. બ્રિટનની ‘એક્સિટર યુનિવર્સિટી’ સાથે છેલ્લાં ૨૬ વર્ષથી સંકળાયેલાં ફિઝિકસનાં પ્રૉફેસર અનિટી પ્લ્યુટને હમણાં જોબ પરથી દૂર કરવામાં આવ્યાં. કારણ એ જ કે આ લેડી પ્રૉફેસર બહુ ઊંચા અવાજે કલાસ લેતાં હતાં. બીજા બધા સાથે પણ એ મોટા અવાજે વાત કરતાં. ક્યારેક તો એવું લાગે કે જાણે નગારાં પીટાતાં હોય! બધાને એમના આ ગગનભેદી અવાજ સામે એકસરખો વાંધો હતો. યુનિવર્સિટીના સંચાલકોએ પણ એમને ધીમા અવાજે વાતચીત કરવા- ક્લાસ લેવા કહ્યું, પણ ન જાણે કેમ પેલા લેડી પ્રૉફેસરે તો એમની બેઢંગી રફતાર ચાલુ રાખી. આખરે તંગ આવીને યુનિવર્સિટીએ એમને જોબ પરથી તગેડી મૂક્યાં.
આ નિર્ણય વિરુદ્ધ પેલાં લેડી કોર્ટે ચઢ્યાં. કહે: ‘ મી લૉર્ડ, યુનિવર્સિટીનો આ એકતરફી નિર્ણય મને અન્યાયકર્તા છે. મારા ઊંચા અવાજથી કોઈને તકલીફ આપવા હું નહોતી ઈચ્છતી. બાય બર્થ-જન્મથી જ મારો વોકલ કોર્ડ-સ્વરપેટી આવી હોય તો એમાં મારો શું વાંક? એ વાત બધા જ જાણે છે કે મૂળ યુરોપથી જે જ્યૂ પ્રજા આવી છે એમના અવાજ જન્મજાત ભારેખમ હોય છે. આ કુદરતી દેન છે. હું ખુદ જન્મે યહૂદી છું. એમાં હું શું કરી શકું ? હા, મારા આવા કુદરતી અવાજને નીચો કરવાનો જો કોઈ તબીબી ઈલાજ હોય તો મને જોબ પરથી રજા આપી દેતા પહેલાં મને સૂચવવું જોઈતું હતું પણ એને બદલે તો…’ લેડી પ્રૉફેસરની આવી તગડી દલીલો સાંભળીને નામદાર કોર્ટે યુનિવર્સિટીનો નિર્ણય રદબતાલ કરીને ફરમાન કર્યું કે પેલાં યહૂદી લેડી પ્રોફેસરને જોબ પર પાછાં લો અથવા એમને નુકસાની- વળતર પેટે ૧ લાખ પાઉન્ડ ( આશરે રૂપિયા ૧ કરોડ) ચૂકવી દો! રોજ રોજ પેલી લેડી પ્રોફેસરનો ઊંચો-બુલંદ અવાજ સાંભળીને ત્રસ્ત થવું એના કરતાં યુનિવર્સિટીએ સામે દલીલ કર્યા વગર ચૂપચાપ ૧ કરોડ રૂપિયા ચૂકવી દીધા છે. ક્યારેક આપણો અવાજ નીચે રાખવાને બદલે ઊંચો કરવાથી આમ રણકતું વળતર પણ મળે !
બોલાતી ભાષાનું બોલતું સ્કોરકાર્ડ
આપણા વડીલો કહેતા હોય છે
‘બાર ગામે બોલી બદલાય…’ બીજા શબ્દોમાં કહીએ તો સ્થળ બદલાય એમ લોકો બદલાય -એમની તાસીર બદલાય – બોલચાલની ભાષા બદલાય – એમના રીતરિવાજ બદલાય…
આ વાતને ખ્યાલમાં રાખીને હમણાં એક સર્વે થયો કે આજનાં ગામ -નગર-મહાનગરોમાં ભાષા-બોલી કેવીક બદલાય છે અને કેટલી બદલાય છે? આ સંશોધનનાં અમુક તારણ રસપ્રદ છે. ઉદાહરણ તરીકે : બધાં જ મહાનગરોની સરખામણીએ સૌથી વધુ વિભિન્ન ભાષા બોલાય છે બેંગ્લુરુ ( બેંગ્લોર)માં. અહીંના લોકો ૧૦૭ પ્રકારની ભાષા બોલે છે. આ જ રીતે ૧૦૦થી વધુ એટલે કે દિમાપુર (નાગાલેન્ડ)માં ૧૦૩ જાતની ભાષાનો પ્રયોગ થાય છે. આસામના સોનીપુરમાં તમને ૧૦૧ ભાષા સાંભળવા મળે તો મમતાદીદીના પશ્ચિમ બંગાળમાં ગોળ ગોળ ઉચ્ચારવાળી ૯૮ જાતની ભાષા-લોકબોલી કાન પર ઝીલવાનો લહાવો તમને મળે. મહાનગરોની વાત કરીએ તો બેંગ્લુરુ પછી વધુ ભાષાનો સ્કોર ધરાવે છે દિલવાલો કી દિલ્હી. અહીં તમને ભાષાના ૯૮ પ્રકાર કાને અફળાય . એ જ રીતે, આમચી મુંબઈ પોતાની લાક્ષણિક ૮૮ જાતની બોલાતી ભાષા પર મુસ્તાક છે. બાય ધ વે, આ પણ જાણી લો કે જાતભાતના લોકોના આંતરરાષ્ટ્રીય અડ્ડા એવા મહાનગર ન્યૂયોર્કમાં ૬૦૦થી વધુ પ્રકારની ભાષાના પડઘા પડે છે..!
તું ચીઝ હૈ બડી મસ્તમસ્ત !
એ તો વિજ્ઞાન દ્વારા પ્રમાણિત છે કે ગીત – સંગીતની ઊંડી અસર છોડ અને પુષ્પ પર પડે છે. વનસ્પતિના ઝડપી ઉછેર માટે વાદ્ય સંગીત પણ બહુ અસરકારક છે. સ્વિત્ઝર્લેન્ડના ચીઝ -પનીર વિશ્વવિખ્યાત છે એટલે ત્યાંના જાણીતા ચીઝ ઉત્પાદકો એના પર સંગીતનો પ્રયોગ કરી રહ્યા છે. અહીંના ફેમસ ચીઝ મેકર ‘બીટ વેમ્પફ્લેર’ બર્નની મ્યુઝિક ઍકેડમીના વિદ્યાર્થીઓની મદદ લઈ રહ્યા છે. એમના બ્રાન્ડની ચીઝ કિચનમાં તૈયાર થઈ રહી હોય ત્યારે આ વિદ્યાર્થીઓ સામે ઊભા રહીને એમનાં વાદ્યો દ્વારા સંગીતની અવનવી ધૂન છેડે છે, જેથી એના ગ્રાહકો કહે: ‘ તું ચીઝ હૈ બડી મસ્ત…મસ્ત ! ‘
ઈશિતાનું ઈત્યાદિ …ઈત્યાદિ
ખુદની કાયાને આપણે કેવી અને કેટલી સારી રીતે ઓળખીએ છીએ ?
વેલ, મોટાભાગના લોકો ખભા ઉછાળી-નેણ ચઢાવી -હોઠ મરડીને જવાબ ‘ના’માં જ આપશે. એક ઉદાહરણ લઈએ : આપણે હાથ -પગના નખ વિશે કેટલું જાણીએ જાણીએ છીએ ? નખ વિશે ન નાખી જેવી વાત એ છે કે પગ કરતાં આપણા હાથના નખ ત્રણ ગણી ઝડપથી ઊગે છે. સામાન્ય રીતે, દર મહિને પગની આંગળીનો નખ ૧ મિલિમીટર જેટલો ઊગે તો હાથનો નખ ૩ મિલિમીટર વધે છે અને એમાંય તમે જે હાથનો વપરાશ વધુ કરતા હો એના નખ તો એથીય વધુ ઝડપે ઊગે..! શિયાળા કરતાં ઉનાળાની ઋતુમાં વધુ વધતા નખનો વિકાસ આપણી વધતી ઉંમર સાથે ઘટતો જાય છે.
આઠ પગો જળચર ઑકટોપસ ખરેખર બડે દિલવાલા છે. એને એક નહીં- બે નહીં પણ ત્રણ હાર્ટ- હૃદય હોય છે!