સુરત જિલ્લાનું માંગરોળ તાલુકાનું ગામ ઇસનપુર તાલુકા મથક માંગરોળથી 15 કિલોમીટરના અંતરે આવેલું છે. વાંકલ ગામથી ઈસનપુર ગામનું અંતર પાંચ કિલોમીટર છે. ઇસનપુર ગામને લખ્યા ગામ તરીકે પણ ઓળખવામાં આવે છે. ઇસનપુરમાં ગોડાઉન ફળિયું આવેલું છે ત્યાં લખ્યો કૂવો આવેલો છે. આ લખ્યા કૂવા પરથી કહેવત પડી છે કે ‘વાંકલ નગરી ને લખ્યા કૂવા, ના જાણે તે જીવતા મુવા’. હાલ લખ્યો કૂવો અસ્તિત્વમાં નથી. પહેલાના વખતમાં આજુબાજુ કોઈપણ જગ્યાએ કૂવો કે કોઈ હતું નહીં, લખ્યો નામનો વ્યક્તિ રહેતો હતો. તેના પરથી ગામનું નામ પડ્યું હોવાનું મનાય છે. પરંતુ વર્ષ-1956માં કૂવાનું ખોદકામ કરતી વેળા પહેલાં કોટલો પથ્થર મળ્યો હતો તેના પર લખ્યા કૂવા એવું લખેલું હોવાનું માનવામાં આવે છે.
આ કૂવો ગુદાન ફળિયામાં આવેલો છે અને વડવાઓ ચૌધરી ભાષામાં ‘લકશે જવાના’ એવું કહેતા હતા. તેને ધામર કૂવા તરીકે પણ ઓળખવામાં આવે છે. સમય બદલાયો અને લોકોની રહેણીકરણી બદલાઈ, પરંતુ આજે પણ અહીંના લોકોમાં એકરાગીતા જોવા મળે છે. મૂળ ધરતી સાથે જોડાયેલા અહીંના લોકો ખૂબ જ મળતાવડા. ગામમાં કુલ 625 ઘર આવેલાં છે અને વસતી 4500 જેટલી છે. જેમાં સ્ત્રીની સંખ્યા 2200 અને પુરુષોની સંખ્યા 2300 છે. અને કુલ મતદાર 2100 છે. જાતિવિષયક મતદારો જોઈએ તો ચૌધરી સમાજના 1170, વસાવા સમાજના 495 અને ગામીત સમાજના મતદારો 190 છે. આજે પણ ગામમાં ચૌધરી સમાજના મતદારોનું વર્ચસ્વ જોવા મળે છે. જો કે, ગામને વિકાસ તરફ દોરી જવામાં અગ્રણીઓની વર્ષોની મહેનત આજે રંગ લાવી રહી છે અને આજની યુવા પેઢી પણ ગામ વિકાસમાં પાછળ ન રહે એ માટે કાર્યરત છે.
ગણપતભાઈ વસાવાના પ્રયાસથી સિંચાઈ યોજનાનો ખેડૂતોને લાભ મળ્યો
માંગરોળ તાલુકો આમ તો ખેતી માટે જાણીતો. અહીં સોયાબીન, જુવાર, તુવેર, મગ અને ડાંગરની ખેતી વધુ થાય છે. એ સાથે લોકો પશુપાલન કરીને પણ પોતાનું જીવનનિર્વાહ કરે છે. જ્યારથી કાકરાપાર-વડ ઉદવહન સિંચાઈ યોજના હેઠળ પાણીની સુવિધા મળી છે ત્યારથી ખેડૂતોને આકાશી ખેતી પર નભવાની જરૂરિયાત ઓછી પડી રહી છે. આ સિંચાઈ યોજના ધારાસભ્ય ગણપતભાઈ વસાવાના પ્રયાસથી સાર્થક થઈ રહી છે.
સતકેવલ સંપ્રદાયને કારણે ગામમાં વ્યસનની બદી દૂર થઈ
વર્ષો પહેલાં લોકોના જીવનમાં સાદગી હતી. પરંતુ ક્યાંક ને ક્યાંક વ્યસનને કારણે પરિવારો વેરવિખેર થઈ જતા હતા. ઇસનપુર ગામમાં આજ સ્થિતિ હતી. પરંતુ પરિવર્તન એ જગતનો નિયમ છે. આશરે વર્ષ-1955થી 60ના ગાળામાં કેવલ સંપ્રદાયના સંત સુખાનંદબાપજી આવ્યા હતા. અને દારૂ સહિતના દૂષણથી વ્યસનીઓને મુક્ત કરાવ્યા હતા. એ સાથે કેટલાય લોકોએ માંસાહારનો ત્યાગ કર્યો હતો. પરિણામે ઇસનપુર ગામના લોકો સતકેવલ સંપ્રદાય તરફ વળ્યા હતા. જે આજે અન્ય લોકો માટે પ્રેરણારૂપ છે.
રમણભાઈ ચૌધરી શંકરસિંહ વાઘેલાની સરકારમાં આદિવાસી નેતા તરીકે ઊભરી આવ્યા હતા
આ ઇસનપુર ગામ રાજકીય રીતે પણ ખૂબ જ પ્રસિદ્ધ છે. કારણ કે રમણભાઈ કંસારાભાઈ ચૌધરી શંકરસિંહ વાઘેલાની સરકારમાં પંચાયત મંત્રી હતા. તેઓએ લોકોને ઉપયોગી ઘણાં કાર્યો કર્યાં છે. રમણભાઈ ચૌધરી આદિવાસીના મસિહા તરીકે પ્રખ્યાત હતા. તેઓએ કિસાન સભાના અધિવેશનમાં પણ ભાગ લીધો હતો અને તેનું સંચાલન પણ તેમણે કર્યુ હતું. તેમણે ખેતમજૂરો માટે નાની-મોટી ચળવળો ચલાવી હતી.
ખેડૂતો અને ખેતમજૂરો માટે તેમણે સરકાર સામે બાંયો ચઢાવી હતી. ખેડૂતો વિસ્થાપિત ન થાય એ માટે તેમણે ચાવડા ડેમથી માંડીને નાના-મોટા ડેમનો વિરોધ નોંધાવ્યો હતો. તેઓ જંગલની જમીનથી માંડીને નાના-મોટા અધિકારો માટે લડત ચલાવી ગુજરાતમાં અગ્રેસર રહ્યા હતા. તેઓ ડેડિયાપાડા, સાગબારા, વાલિયા, માંગરોળ, માંડવી, સોનગઢ જેવા ગામના વિસ્તારોમાં જમીનો માટે લડત ઉપાડતા હતા. ખેડૂતોને દેવામુક્ત કરવાનું કામ રમણ ચૌધરીએ કર્યું હતું. ખેડૂતોનાં દેવાં પણ તેમણે માફ કરાવ્યાં હતાં. તેમણે કારકિર્દીની શરૂઆત કિસાન સભા સામ્યવાદી પાર્ટીમાંથી કરી હતી. તેઓ વર્ષ-1995માં ભાજપમાં જોડાયા હતા અને 51 હજાર મતની વધુની લીડથી જિત્યા હતા.
તાલુકાના મુખ્ય ધોરી માર્ગો વર્ષોથી બનતા હતા, જેવા કે લવેટ, ભરકુવા ગામોમાં રોડના નામે ઝીરો હતા. તેવી જ રીતે ઉમરપાડા તાલુકામાં 90 % ગામડાં રોડથી વંચિત હતા, તે બનાવવાનું કામ પણ ભાજપમાં જોડાયા પછી તેમણે કર્યું હતું. તેઓ શંકરસિંહ વાઘેલાની સરકાર બની તેમાં આદિવાસી નેતા તરીકે ઊભરી આવ્યા હતા. શંકરસિંહ વાઘેલાની સરકાર ગયા પછી દિલીપ પરીખની સરકારમાં તેમણે પંચાયતમાં કામગીરી કરી હતી. ત્યારબાદ રાષ્ટ્રીય જનતા પાર્ટીમાં નાની-મોટી ચળવળમાં જમીન માટે અને ભૂરિયા કમિટીના અમલ માટે છોટુભાઈ વસાવા અને રમણ ચૌધરીએ સાથે મળી ચળવળ કરી હતી.
આમ દક્ષિણ ગુજરાતમાં આ લડતની જરૂર ચાલુ રાખી હતી. ડેડિયાપાડાના ધારાસભ્ય અમરસિંહભાઈ વસાવા પણ તેમની સાથે જોડાયા હતા. તેઓ ૧૯૯૫ ભાજપમાં ચુંટાયા હતા. ત્યારબાદ 1998માં વિધાનસભાની ચૂંટણી માટે લડીને તેઓ વિજેતા બન્યા હતા. બાદ તેઓ સોનિયા ગાંધીને મળીને કોંગ્રેસમાં જોડાયા હતા. 2007માં તેમની હાર થઈ હતી. તેમને 36,000 મત મળ્યા હતા. આખા દક્ષિણ ગુજરાતને જો રાજકારણ શીખવ્યું હોય તો તે રમણ ચૌધરી છે એવું માનવામાં આવી રહ્યું છે. રમણભાઈ ચૌધરીએ 28 વર્ષ સુધી કસ્તુરબા આશ્રમશાળા, પાતલદેવી આશ્રમશાળા, દેગડિયા આશ્રમશાળા તેમજ ગ્રામ સેવા સમાજ વાંકલના પ્રમુખ તરીકે સેવાઓ આપી હતી.
આરોગ્ય માટે સીએચસી ઉપલબ્ધ
શિક્ષણ અને આરોગ્ય આજે મૂળભૂત જરૂરિયાત છે. જો કે, ગતિશીલ સરકારના શાસનમાં આજે સમગ્ર રાજ્યમાં વિકાસની ઝલક દેખાઈ રહી છે, તો ઇસનપુર પણ કેમ પાછળ રહે. શિક્ષણની વાત કરીએ તો શિક્ષણથી કોઈ વંચિત ન રહે એ માટે વર્ષોથી આગેવાનોએ દૂરંદેશી નજર દોડાવી હતી. જેનાં ફળ આજે મળી રહ્યાં છે. અહીં 4 આંગણવાડી, 2 પ્રાથમિક શાળા, 1 માધ્યમિક શાળા, 1 કન્યા છાત્રાલય આવેલું છે. તો આરોગ્યની સુવિધા પણ માટે સીએચસી ઉપલબ્ધ છે.
મન મોહી લે એવી વનરાજી 310 ફૂટ ઊંચો ભીલોડિયા ડુંગર આદિવાસીઓની આસ્થાનું કેન્દ્ર
ડુંગરને પ્રવાસન ક્ષેત્રે વિકસાવવા ધારાસભ્ય અને પૂર્વ કેબિનેટ મંત્રી ગણપતભાઈ વસાવાને રજૂઆત
માંગરોળ તાલુકા મથકથી આશરે વીસ કિ.મી.ના અંતરે ભીલોડિયો ડુંગર આવેલો છે. જે વાંકલથી 6 કિ.મી.ના અંતરે આવેલો છે. ભીલોડિયો ડુંગર આશરે 310 ફૂટ ઊંચો છે. આ ડુંગર ઇશનપુર ગ્રામ પંચાયતમાં આવેલો છે. બણભા ડુંગર રતોટી, ઓગણીસા, સણધરાની વચ્ચે આવેલો છે. સુરત જિલ્લામાં સૌથી ઊંચો ડુંગર માનવામાં આવે છે. માંગરોળમાં બણભા ડુંગર, ભીલોડિયો, આંહજીઓ ડુંગર આવેલો આવેલા છે. અને આ ત્રણેય ભાઈઓ માનવામાં આવે છે. ઉપરાંત દેવમોગરા માતા, દેવલી માળી, હુંમાલી ડુંગર તેમની ત્રણ બહેનો માનવામાં આવે છે. પ્રકૃતિના પૂજારી એવા આદિવાસી સમાજના લોકો આજે પણ પ્રકૃતિનું જનત કરી રહ્યા છે. આસપાસના વિસ્તારમાં આવેલા પર્વતો, ટેકરીઓને દેવોના પરિવારજનો ગણવામાં આવે છે. મોટા ભાઈ તરીકે બણભા દાદા, બીજા નંબરે ભીલોડિયા દાદા, ત્રીજા નંબરે આંહજીયો ડુંગર ગણાય છે. આ નામો વ્યક્તિ તરીકે હતા અને તેઓ સામાન્ય માણસ તરીકે પહેલેથી ધોતી, પાઘડી પહેરતા હતા. તેઓ ઘોડા તથા પશુપાલન કરતા હતા અને સાથે ખેતીનો વ્યવસાય કરતા અને લોકોને મદદરૂપ પણ બનતા હતા. આદિવાસી વિસ્તારમાં આસ્થા તરીકે પોતાના વડીલો ઉપરાંત બણભા દાદાને પિતા તરીકે માનવામાં આવે છે. અહીં ખેતીકામ કરતી વખતે બૂંદીની પ્રસાદ ચઢાવવામાં આવે છે. દુષ્કાળના સમયમાં વરસાદ માટે પાણી ચઢાવવા પણ દૂર દૂરથી લોકો આવે છે. ભીલોડિયા ડુંગરે આજુબાજુનાં ગામમાં વસતા લોકો અને ખેડૂતો પહેલો ખેતી પાક ચઢાવે છે. અને બાદ તેનો ઉપયોગ કરે છે. વધુમાં એવી પણ માન્યતા છે કે, આ ડુંગર પર જે કોઈ વસ્તુ રાંધી હોય તે પહેલાં ભીલોડિયા દાદાને પ્રસાદી તરીકે ચઢાવવી પડે છે. એ બાદ જ ભોજન ગ્રહણ કરી શકાય છે. આ ડુંગર ઉપર એક બખોલ આવેલી છે. તેમાં ભીલોડિયા દાદા તપ કરતા હતા એવું જૂનવાણી લોકો પાસેથી જાણવા મળ્યું છે. માંગરોળ તાલુકામાં બણભા ડુંગર તો જાણીતો છે. જેને વનવિભાગે પ્રવાસન સ્થળ તરીકે વકસાવ્યો છે, પરંતુ ભીલોડિયા ડુંગર વિકસાવવામાં આવે તો સ્થાનિકો રોજગારી પણ મળી રહે. હાલમાં પ્રવાસન ક્ષેત્રે દક્ષિણ ગુજરાતનાં અંતરિયાળ જંગલ વિસ્તારોને વિકસવાઈ રહ્યા છે, તો પ્રવાસીઓ માટે આ ડુંગર નવલું નજરાણું બની શકે. આ ડુંગરને પ્રવાસન ક્ષેત્રે વિકસાવવા માટે દશેરાના દિવસે અહીં પૂજા કરવા આવેલા માંગરોળના ધારાસભ્ય અને પૂર્વ કેબિનેટ મંત્રી ગણપતભાઈ વસાવાને પણ રજૂઆત કરવામાં આવી હતી.
ભીલોડિયા દાદાના થાનકે માનતા પૂરી કરવા આવતા આદિવાસીઓમાં દેખાય છે સંસ્કૃતિની ઝલક
ખાણીપીણી અને ડોબરુ સહિતનાં વાજિંત્રોની સાથે થતા નાચગાનને જોવાનો લહાવો અનેરો
માનવ સંસ્કૃતિ વિકસતી ગઈ, તેમ તેમ નગરો પણ વકસતા ગયા. જો કે, આજે 4G અને 5Gના જમાનામાં પણ આદિવાસી સંસ્કૃતિનું જનત કરનારા તમને અંતરિયાળ વિસ્તારમાં જોવા મળી જ આવે. આદિવાસીઓ ભણીગણીને આગળ આવ્યા છે. પરંતુ પરંપરાની વાત આવે તો ખભેખભા મિલાવીને ચાલે છે. અમદાવાદની ગૂજરાત વિદ્યાપીઠમાં 1962માં આદિવાસી અને નૃવંશવિષયક મ્યુઝિયમ અસ્તિત્વમાં આવ્યું હતું. અહીં આદિવાસીઓની રહેણીકરણી, આભૂષણો, ચીજવસ્તુઓ, વાજિંત્રો, ખેતીવાડીનાં ઓજારો, રમકડાં અને હસ્તકળાના નમૂના પ્રદર્શિત છે. વાત કરીએ સુરત જિલ્લાની તો અહીં ગામીત, ચૌધરી, ધોડિયા પટેલ, કોટવાળિયા, કોંકણા તો, વલસાડમાં કોલચા, વારલી, કાથોડી, નાયક-નાયકડા આદિવાસી સમાજના લોકો જોવા મળે છે. આદિવાસીઓની દેવ પ્રત્યેની ભક્તિનો કલા પર પ્રભાવ જોવા મળે છે. વારલી જાતિનાં વારલી ભીંતચિત્રો તો આજે ખૂબ જાણીતા બન્યાં છે. એ સાથે આદિવાસીઓનું જીવનમાં સંગીત અને નૃત્ય વિના તો અધૂરું છે. અહીં વિવિધ તહેવારોમાં તેની ઝલક જોવા મળે જ. આદિવાસીઓ દ્વારા બનાવાયેલાં વિવિધ પ્રકારનાં ઢોલ-નગારાં, તળી, મોરલી, ડોબરુ, તેમરો વગેરે સંગીતનાં સાધનોનાં કારીગરો આજે પણ મળી આવે છે. માંગરોળ તાલુકામાં કુદરતના ખોળે વસેલાં ગામોમાં પણ આદિવાસીઓ પોતાની પરંપરાને વળી રહ્યા છે. કેવડીકુંડ, કંટવાવ, પાતલદેવી, નાંદોલા સહિતનાં આજુબાજુનાં ગામોના આદિવાસીઓ અહીં ભીલોડિયા દાદાના થાનકે માનતા પૂરી કરવા ડોબરુ સહિતના વાજિંત્રો સાથે દેવ દર્શને આવે છે અને ઉજાણી કરે છે. જ્યાં ખાણીપીણી અને નાચગાન જોવાનો લહાવો અનેરો હોય છે.
ઇસનપુર ગામ શિક્ષણ ક્ષેત્રે આગળ
દિનેશભાઈ સુમનભાઈ ચૌધરી ગામમાં જ પ્રાથમિક શિક્ષણ લઈ વાંકલ ખાતે વધુ અભ્યાસ કર્યો હતો. નાનપણથી જ તેમની દેશસેવાનો રંગ લાગ્યો હતો. અને તેઓ બીએસએફમાં જોડાયા હતા. હાલ તેઓ નિવૃત્ત જીવન ગુજારી રહ્યા છે. જ્યારે પ્રવીણભાઈ વેચતાભાઈ ચૌધરી પાટણ ખાતે પ્રોફેસર તરીકે ફરજ બજાવે છે. તો જીએસટી વિભાગમાં ફરજ બજાવી નિવૃત્ત થયેલા અનિલભાઈ ચૌધરી (ડેપ્યુટી કલેક્ટર) સુધી સેવા બજાવી ચૂક્યા છે. આ જ ગામમાં ઘણાશિક્ષકો પણ છે.
રસ્તાની સુવિધા પહેલા કરતા સારી છે
ઇસનપુર ગામમાં રસ્તાની સુવિધા પહેલા કરતા સારી છે. ઇસનપુર ચોકડીથી ડેરી સુધીની રસ્તા બનાવાયો છે. તો બીજા રસ્તા નાણાં પંચમાંથી મંજૂર થયા છે. એ સિવાય ગટરલાઇન અને સીસી રોડની કામગીરી પણ થવાનું પ્લાનિંગ છે.
નવલભાઈ ચૌધરીનું આઠથી દસ ગામમાં વર્ચસ્વ હતું
નવલભાઇ નવાભાઈ ચૌધરી જે-તે વખતે સરપંચ કહેવાતા હતા. આઠથી દસ ગામમાં તેમનું વર્ચસ્વ હતું. જૂનામાં જૂની કોંગ્રેસના રુમશીભાઈ નારિયાભાઈ ચૌધરી અને ગામમાં વસાવા સમાજના મોભી તરીકે નારણભાઈ રત્નાભાઇ વસાવા એક થઈ જતા હતા. આ બધા જ જૂના લોકો ઈન્દુલાલ યાજ્ઞિક અને ગાંધીજીના વિચારધારાથી પ્રેરિત હતા. ઇસરપુર ગામે વર્ષ-1968માં પ્રાથમિક શાળાની શરૂઆત નવલભાઇ નવાભાઇ ચૌધરીએ કરી હતી. સેવજીભાઈ નવા ચૌધરીના પ્રયત્નથી પ્રાથમિક શાળાની શરૂઆત કરવામાં આવી હતી. જમીન પણ દાનમાં આપી હતી. ગામીત સમાજના આગેવાન દેવજીભાઈ કારિયાભાઈ ગામીતે વાંકલની શ્રી એન.ડી.દેસાઈ હાઈસ્કૂલને 25,000નું દાન આપ્યું હતું.
એસ.ટી. બસની પણ સુવિધા
આઝાદી કાળ બાદ ગ્રામ્ય વિસ્તારોમાં કાયાપલટ થતાં વર્ષોનાં વર્ષો નીકળી ગયાં. પહેલાં બળદગાડાં અને સાઇકલનો વિકલ્પ હતો. સમય જતાં ઉદ્યોગોનો વિકાસ થવા સાથે કૃષિક્ષેત્રે પણ ક્રાંતિ આવી. ટ્રાન્સપોર્ટેશન સુવિધા હવે અંતરિયાળ ગામડાં સુધી પહોંચી રહી છે. ઇસનપુર ગામને પણ એનો લાભ મળ્યો છે. અહીં સુરતથી સવાર-સાંજ એક બસ આવે છે. જ્યારે રમણ ચૌધરી પંચાયત મંત્રી હતા ત્યારે તેમણે ઇસનપુર ગાંધીનગર બસ ચાલુ કરાવી હતી. આ બસનો લાભ આણંદ વિદ્યાનગર ખાતે ભણતા વિદ્યાર્થીઓને ઘણો લાભ થયો હતો.
સરપંચ તરીકે હરિવદનભાઈ ચૌધરી કાર્યરત
માંગરોળ તાલુકો મહત્તમ આદિવાસી વસતી ધરાવતો તાલુકો છે. વર્ષો પહેલાં આજની જેમ અહીં પાયાની સવલતો ન હતી. પરંતુ યુવાઓના હાથમાં નેતૃત્વનો દોર આવતાં અને સખાવતોના પ્રયાસોથી આજે ઇસનપુર વિકાસ પંથે છે. હાલમાં હરિવદનભાઈ ચૌધરી ગામના સરપંચ તરીકે સેવા આપી રહ્યા છે. હરિવદનભાઈના પિતાજી રાજુભાઇનો પરિવાર ખૂબ જ ગરીબ. તેમના પિતાજી ખેડૂતોને ત્યાં ખેતીમાં લાકડું હાંકવા (હળ ખેડવા)નું કામ કરતા હતા. તેઓ ભાથીજી મહારાજના ભક્ત હતા. છાપરાવાળું ઘર પરંતુ મહેનતું. હરિવદનભાઈના ઉછેરમાં તેમણે કોઈ કસર નહીં છોડી. આજે એક જનનાયક તરીકે તેઓ ઊભરી આવ્યા છે. વિકાસનાં કામોની વાત આવે તો તેઓ આગળ જ હોય. તેમનાં પત્ની શકુંતલાબેને બે વર્ષ પહેલાં ઘોડબાર તાલુકા પંચાયતની સીટ પરથી ભાજપમાંથી ઉમેદવારી કરી હતી. તેઓ ત્યાંથી વિજેતા બન્યાં હતાં. માંગરોળ તાલુકા પંચાયતમાં શાસક પક્ષના નેતા તરીકે તેમની વરણી કરવામાં આવી હતી. ત્યાર બાદ હરિવદનભાઈએ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં તેમણે ઝંપલાવ્યું અને પૂરી બહુમતી સાથે ગ્રામ પંચાયતની ચૂંટણી જીતી ગયાં હતાં. આમ, ગામના પ્રથમ નાગરિક તરીકે હરિવદનભાઈ અને શકુંતલાબેન ચૌધરી માંગરોળ તાલુકા કક્ષાએ નેતૃત્વ કરતા હોવાથી વિકાસને વેગ મળ્યો છે.
ઇસનપુર ગામને પ્રથમ ગાયનેક તબીબ મળ્યા
માંગરોળ તાલુકો હવે એજ્યુકેશનમાં પણ ધીમેધીમે આગળ વધી રહ્યો છે. ચૌધરી સમાજ તેમજ આદિવાસી સમાજ માટે ગૌરંવવંતુ નામ કરનાર ધ્રુવિત ચૌધરી આવું જ ઉદાહરણ છે. ઇસનપુર ગામમાં રહેતા બાબુભાઈ દેવજીભાઈ ચૌધરીનો પુત્ર ડોક્ટર બન્યો છે. તેમના પિતાજી બાબુભાઈનો મુખ્ય વ્યવસાય ખેતી હતો. તેમની માતા વર્ષાબેન ચૌધરી છે હાલ સુરત ખાતે આવેલી સુરત સિવિલ હોસ્પિટલમાં સ્ટાફ નર્સ તરીકે ફરજ બજાવે છે. ડો.ધ્રુવિત ચૌધરીએ અમદાવાદ ખાતે આવેલી બી.જે. મેડિકલ કોલેજમાં MS પૂર્ણ કર્યું હતું. ધ્રુવિત ચૌધરીએ તેમની માતાનાં નામથી ‘માતૃવર્ષા’ નામની હોસ્પિટલ માંડવી ખાતે ચાલુ કરી છે. તેમની હોસ્પિટલમાં સ્ત્રીરોગ, પ્રસૂતિ તેમજ વંધ્યત્વને લગતી સારવાર તેમજ દૂરબીનથી ગર્ભાશયનું ઓપરેશન કરવામાં આવે છે. દરેક રોગની સારવાર આપવામાં આવે છે.
વર્ષ-1979માં ગામમાં દૂધમંડળીની સ્થાપના થઈ હતી
માંગરોળ તાલુકો ડુંગરોથી ઘેરાયેલો છે. અહીં કૃષિ સાથે પશુપાલનનો પૂરક વ્યવસાય વિકસીત થયો છે. વર્ષ-1979માં ગામમાં દૂધમંડળીની સ્થાપના કેશવભાઈ નવલભાઈ ચૌધરીએ કરી હતી. જેની શરૂઆત સવાર-સાંજના 25 લીટર દૂધથી થઈ હતી. હમણાં સવારનું દૂધ 425 લીટર, જ્યારે સાંજનું દૂધ 385 લીટર દૂધ ગ્રામજનો દ્વારા ભરવામાં આવે છે. હાલમાં પ્રમુખ તરીકે મનહરભાઈ નવલભાઈ ચૌધરી અને મંત્રી તરીકે ચંદુભાઈ પાચિયાભાઈ વસાવા સેવા આપે છે.
આવાસ અને પાણીની સવલત
રોટી, કપડાં અને મકાન એ પાયાની જરૂરિયાત છે. આદિવાસી વિસ્તારોમાં પણ હવે સરકારી યોજનાની ઝલક દેખાઈ રહી છે. ઇસનપુરમાં 11 લાભાર્થીને પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ મળ્યો છે. ઇન્દિરા આવાસ યોજનાના લાભો થકી પણ ઘણાંને રહેવાની છત મળી છે. વળી, ગામમાં વાસ્મો યોજના થકી પીવાના પાણીની પણ સગવડ કરવામાં આવી છે. ગ્રામ પંચાયત યોજના થકી પીવાના પાણીની ટાંકીની સુવિધા મળી છે. તો હેન્ડપંપ અને કૂવા થકી પણ ગ્રામજનોને પાણી મળી રહે છે.