(પ્રતિનિધી) દાહોદ, તા.૯
ધાનપુર તાલુકામાં દોઢ વર્ષ અગાઉ સગીરાની લાજ લૂંટનાર કુટુંબી ભાઈને લીમખેડા એડિશનલ કોર્ટ દ્વારા દોષી ઠેરવી જુદી જુદી કલમોમાં 10 વર્ષની સજા તેમજ 10,000 રૂપિયાનો દંડ ફટકારતા કોર્ટ સંકુલમાં સન્નાટો પ્રસરી જવા પામ્યો હતો. આ મામલામાં જો આરોપી દ્વારા 10,000 રૂપિયા નું દંડ ન ભરે તો વધુ 6 માસની સાદી કેદ સજારૂપે કાપવા માટેનો હુકમ પણ કોર્ટ દ્વારા કરવામાં આવ્યું છે.
સાથે સાથે પીડિતાને બે લાખ રૂપિયા વળતર પેટે ચૂકવવાનો કોર્ટે આદેશ કર્યો છે. જેમાં દોઢ વર્ષ અગાઉ તારીખ 28.07.2022ના રોજ ધાનપુર તાલુકાના ઘોડાઝર સિમોંડા ફળિયાનો રાહુલ ફતાભાઈ ભુરીયા ધાનપુર તાલુકાના એક ગામમાં પોતાના કુટુંબી મામાના ઘરે મોટરસાયકલ લઈને પહોંચ્યો હતો
અને ત્યાં તેની પિતરાઈ બહેનની એકલતાનો લાભ લઇ મોબાઈલ ચાર્જિંગ કરવાના બહાને ઘરમાં ઘૂસી સગીરા જોડે બળજબરી કરી તેની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચરતા આ દરમિયાન સગીરાના પિતા ઘરે આવી જતા હવસખોર રાહુલ ભુરીયાએ કોઈને કંઈ કહ્યું તો સગીરાને જાનથી મારવાની ધાકધમકી આપી ત્યાંથી ભાગી ગયો હતો.જે બાદ કુટુંબી ભાઈની વાસનાનો શિકાર બનેલી સગીરાએ પરિવારજનોને આપવીતી જણાવતા પરિવારજનો પણ ડઘાઈ ગયા હતા.
પરંતુ પોતાની દીકરી સાથે ખોટું કૃત્ય કરનારને સજા કરાવવાનું મનોમન નક્કી કરી બેસેલા સગીરાના પિતાએ ધાનપુર પોલીસ મથકે જઈ રાહુલ ભુરીયા વિરુદ્ધ દુષ્કર્મ અંગેનો ગુનો દાખલ કરાવતા ધાનપુર પોલીસે ઉપરોક્ત પોક્સો તેમજ દુષ્કર્મ અંતર્ગત ગુનો દાખલ કરી જેલભેગો કર્યો હતો.
જે બાદ આ કેસ લીમખેડા ત્રીજા એડિશનલ સેશન્સ જજ મહંમદ હનીફબેગ અકબરબેગ મિર્ઝા ની કોર્ટમાં ચાલી જતા કોર્ટે ગુનાની ગંભીરતા જોઈ આરોપી રાહુલ ફતાભાઈ ભુરીયાને દોષીત ઠેરવી જુદી જુદી કલમો અંતર્ગત 10 વર્ષની કેદ તેમજ 10,000 રૂપિયાનો દંડ ફટકારવાનો હુકમ કર્યો હતો.તેમજ જો આરોપી દંડની રકમ ન ભરે તો વધુ છ માસની સાદી કેદ તેમજ પીડીતાને વળતર પેટે બે લાખ રૂપિયા ચૂકવવાનો હુકમ કરતા કોર્ટ સંકુલમાં સન્નાટો પ્રસરી જવા પામ્યો હતો.