Business

તમારા વિઝા કન્સલ્ટન્ટને આની જાણ છે?

પંકજ, મારી કંપનીએ અમેરિકામાં બ્રાન્ચ ખોલી છે. તેઓ મને એ બ્રાન્ચના મેનેજર તરીકે ‘ઈન્ટ્રા કંપની ટ્રાન્સફરી એલ-૧ વિઝા’ ઉપર અમેરિકા મોકલવા માગે છે.’ ‘વાહ… પિનાકિન, આ તો બહુ સારી વાત છે. L-1 વિઝા ઉપર મેનેજર તરીકે તને અમેરિકામાં સાત વર્ષ સુધી રહેવા અને કામ કરવા મળશે. પગાર પણ સારો મળશે.’

‘દોસ્ત પંકજ, તારી વાત તો સાચી છે. પણ મારી પુષ્પાફોઈનું શું?’ ‘પિનાકિન, મેં સાંભળ્યું છે કે પુષ્પાફોઈ તારા ફાધરના સાચ્ચા બહેન નથી.’ ‘હા. પંકજ, વર્ષો પહેલાં મારા ફાધર પુષ્પા ફોઈને એક અનાથાશ્રમમાંથી ઘરે લઈ આવ્યા હતા. ત્યાર બાદ પુષ્પા ફોઈ અમારા ઘરમાં જ એક ઘરના મેમ્બર તરીકે રહે છે. પુષ્પા ફોઈ મારા ફાધરનાં બહેન નથી પણ તેઓ એનાથી પણ વિશેષ છે. છેલ્લાં વીસ વર્ષથી તેઓ અમારી જોડે રહે છે. એક પછી એક મારા ફેમિલીના બધા જ સભ્યો પરલોક સિધાવ્યા, ગયા વર્ષે મારી જુવાનજોધ વાઈફ પણ એટેક આવતાં ગુજરી ગઈ. હું એકલો પડી ગયો. પુષ્પા ફોઈએ સગી ફોઈ કરતાં પણ મારી વધુ કાળજી રાખી છે. એમને અહીં એકલા મૂકીને હું અમેરિકા સાત વર્ષ માટે કેમ કરતાં જાઉં? હવે મારે એમની સંભાળ રાખવાનો સમય આવ્યો છે. ત્યારે જ જો હું એમને અહીં એકલા મૂકીને સાત વર્ષ માટે અમેરિકા ચાલી જાઉં તો કેવું? મારો જીવ નથી ચાલતો. L-1 વિઝા ઉપર હું એમને મારા ડિપેન્ડન્ટ તરીકે પણ લઈ જઈ શકું એમ નથી.’

* * * * * * * * * * * *

‘કોન્ગ્રેચ્યુલેશન હસમુખ, તું તો ભાઈ, બહુ નસીબદાર નીકળ્યો. ત્રણ લાખ લોકો માટે H-1 B વિઝાના પિટિશન દાખલ થયાં હતાં એમાં તું ચૂંટાઈ આવ્યો. તારું પિટિશન અપ્રુ પણ થઈ ગયું. તને વિઝા પણ મળી ગયા. અમેરિકા ક્યારે ઊપડે છે?’

‘હરીશ, તારી વાત સાચી છે. પણ યાર, અહીં મારા ફાધર સાવ એકલા છે. એમની તો હવે ૬૭ની ઉંમર થઈ. શરીર નબળું પડી ગયું છે. રોજ રાતના ઘૂંટણ દુખે છે. કેટકેટલા રોગો છે. બ્લડપ્રેશર, ડાયાબિટિસ, વારે ઘડીએ જુલાબ, રાતના ઊંઘ નથી આવતી. હવે તું જ કહે, પપ્પાને આવી સ્થિતિમાં એકલા મૂકીને હું છ વર્ષ માટે અમેરિકા કેમ કરતા જાઉં? યાર, મારો જીવ નથી ચાલતો. H-1 B ઉપર પપ્પાને ડિપેન્ડન્ટ તરીકે લઈ જઈ ન શકું. B-1/ B-2 વિઝા ઉપર તેઓ વધુમાં વધુ છ મહિના અમેરિકામાં રહી શકે. પછી શું?’

* * * * * * * * * * * * *

‘રીટાબેન, યુ આર વેરી લક્કી. તમારો દીકરો Ph.D કરવા અમેરિકા જાય છે. એને તો કોન્સ્યુલર ઓફિસરે એક પણ સવાલ ન પૂછતાં ‘બેસ્ટ ઓફ લક’ કહીને F-1 સ્ટુડન્ટ વિઝા આપી દીધા.’

‘રૂપાલી, તારી વાત સાચી છે. રોમેલ હોંશિયાર અને લક્કી છે. પણ જોને, Ph.D માટે અમેરિકામાં ગાઈડ મળ્યા, યુનિવર્સિટીએ પાંચ-સાત વર્ષ, જેટલો સમય રિસર્ચ માટે, Ph.Dનું પેપર લખવા માટે લાગે એટલો સમય રહેવા-ખાવા, પીવા માટે જે ખર્ચો આવે એ માટે વાર્ષિક ત્રીસ હજાર ડોલરનું આસિસ્ટન્સ આપવાનું જણાવ્યું. પણ રોમેલ કહે છે, ‘મમ્મી, તને અહીં એકલી મૂકીને હું પાંચ-સાત વર્ષ માટે અમેરિકા નહીં જાઉં.’

‘રીટા, રોમેલની વાત તો સાચી છે. એ અમેરિકા જશે તો તું સાવ એકલી પડી જશે. આ ફ્લેટ તને ખાવા ધાશે. છેલ્લાં બે વર્ષથી તો ડાયાબિટિસને કારણે તું સાવ નબળી પડી ગઈ છે. તારાથી એકલાથી રસોઈ પણ થઈ નથી શકતી. દર બીજા અઠવાડિયે તું ડૉક્ટરની દવા લેવા જાય છે. રોમેલને તને એકલી મૂકીને લાંબો સમય સુધી અમેરિકા જવાનું મન કેવી રીતે થાય? પણ એ તને ડિપેન્ડન્ટ તરીકે અમેરિકા લઈ જઈ ન શકે?’

‘રૂપાલી, આ જ તો મોંકાણ છે. F-1 સ્ટુડન્ટ વિઝા ઉપર જો રોમેલ પરણેલો હોય તો એની વાઈફ અને જો સંતાન હોય તો એમને ડિપેન્ડન્ટ F-2 વિઝા મળે. પણ એની મમ્મી તરીકે મને ડિપેન્ડન્ટ F-2 વિઝા ન મળી શકે. હું જો B-1/ B-2 વિઝા ઉપર અમેરિકા જાઉં તો વધુમાં વધુ છ મહિના રહી શકું. આવું જો ઘડીએ ઘડીએ કરું, વારે ઘડીએ અમેરિકા જાઉં અને ત્યાં છ છ મહિને રહું તો તેઓ મારા વિઝા જ કેન્સલ કરી નાખે.

* * * * * * * * * * * * * * *

પિનાકિન, હસમુખ અને રોમેલ, આ ત્રણેયને, અને એમના જેવા હજારોને, એ વાતની જાણ જ નથી, એમને શું કામ, મોટા ભાગના ઈમિગ્રેશનના એટર્ની અને એડ્વોકેટોને કે વિઝા કન્સલ્ટન્ટોને પણ એ વાતની જાણ નથી કે પિનાકિન એની પુષ્પાફોઈને, હસમુખ એના પપ્પાને અને રોમેલ એની મમ્મી રીટાને, પોતે નોન-ઈમિગ્રન્ટ વિઝા ઉપર અમેરિકામાં જેટલો સમય રહેવાના હોય એટલો જ સમય એમની ફોઈ, પપ્પા અને મમ્મીને પણ B-1/ B-2 વિઝા ઉપર અમેરિકામાં રહેવાની પરવાનગી મેળવી શકે છે.

અમેરિકાના ઈમિગ્રેશનના કાયદામાં પરદેશીઓ માટે અમુક ખાસ સંજોગોમાં અનેક પ્રકારોની છૂટછાટ આપવામાં આવી છે. ત્યાંના ઈમિગ્રેશનના કાયદામાં આ જે એક અસ્પષ્ટ, અપ્રસિદ્ધ, આછી, ઝાંખી, ફિક્કી જોગવાઈ છે એની મોટા ભાગનાં લોકોને જાણ જ નથી.

જો પિનાકિન, હસમુખ કે રોમેલ જેવી પરિસ્થિતિમાં કોઈ પરદેશી નોન-ઈમિગ્રન્ટ વિઝા ઉપર અમેરિકામાં લાંબો સમય રહેવાનો હોય અને એનું કોઈ અંગત સગું, ‘હાઉસહોલ્ડ મેમ્બર’ની પરિસ્થિતિ એવી હોય કે એ પોતાના દેશમાં એકલા રહી શકે એમ ન હોય તો વિનંતી કરીને તેઓ B-1/ B-2 વિઝા ઉપર એમનાં જે સંતાનો કે અંગત સગાંઓ, જે જુદા જુદા પ્રકારના નોન-ઈમિગ્રન્ટ વિઝા ઉપર અમેરિકામાં રહેતાં હોય, એમની જોડે એટલો જ સમય વિનંતી કરીને રહી શકે છે. પિનાકિન, હસમુખ અને રોમેલે એ જોગવાઈનો લાભ ન લીધો અને અંગત સગાંઓને મૂકીને તેઓ અમેરિકા ન ગયા.

જો એમને એવી જાણ કરવામાં આવી હોત કે તેઓ એમના અંગત સગાં અને હાઉસહોલ્ડ મેમ્બરને B-1/ B-2 વિઝા ઉપર પોતે અમેરિકામાં જેટલો સમય રહેવાના છે એટલો જ સમય રહેવા માટે બોલાવી શકશે તો એમણે L-1, H-1 B અને F-1 વિઝા ઉપર અમેરિકા જવાની તક જતી કરી ન હોત. અમેરિકાના ઈમિગ્રેશનની બાબતમાં આથી જ તમારે એ કાયદાના નિષ્ણાત એટર્ની યા એડ્વોકેટની સલાહ લેવી જોઈએ.

Most Popular

To Top