Feature Stories

વાત નિવેદનોથી આગળ વધતી નથી ત્યારે શું ટ્રુડોની ભારત સાથેની લડાઈ માત્ર દેખાડા પૂરતી જ છે?

વિશ્વમાં જો કોઈ દેશમાં સૌથી ઓછા સમયમાં સૌથી વધુ ભારતીયો પહોંચ્યા હોય તો તે કેનેડા દેશ છે. કેનેડામાં એટલી મોટી સંખ્યામાં ભારતીય વિદ્યાર્થીઓ ભણી રહ્યા છે કે આ વિદ્યાર્થીઓની ફીથી કેનેડાનું અર્થતંત્ર સુધરી ગયું છે. કેનેડા અને ભારત વચ્ચે મિત્રતાના સંબંધ હતા પરંતુ ખાલિસ્તાની સમર્થક હરદીપ સિંહ નિજ્જરની હત્યા થયા બાદ ભારત અને કેનેડા વચ્ચેના સંબંધોમાં દેખીતી રીતે ખટાશ આવી છે. નિજ્જરની હત્યા ભારતના એજન્ટોએ કરી અને એમાં ભારતના રાજદ્વારીઓ સામેલ હતા, એવો આક્ષેપ કેનેડાએ કર્યા પછી બંને દેશ વચ્ચેના સંબંધો બગડ્યા છે. કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ અવારનવાર ભારત પર હત્યાનો આરોપ લગાવ્યો છે. કેનેડા ખાલિસ્તાની વિચારધારાને સમર્થન આપે છે એ વાત ભારત બરાબર જાણે છે. આવા સમયે કેનેડાના પોલિટિક્સમાં ટ્રુડો સામે વિરોધ વંટોળ ઊભો થયો છે અને સાંસદોએ એવી ડિમાન્ડ કરી છે કે ટ્રુડો 28 ઓક્ટોબર સુધીમાં રાજીનામું આપી દે. સાંસદોની આ ડિમાન્ડને પગલે ટ્રુડો ફસાઈ ગયા છે. જોકે, આટલા હોકારા-પડકારા છતાં પણ ભારત અને કેનેડા દુશ્મનાવટની સ્થિતિ પહોંચ્યા નથી. તેની પાછળનું કારણ એ છે કે ટ્રુડો અને ભારત એકબીજા પર આક્ષેપોની ફ્રેન્ડલી મેચ રમી રહ્યા છે. જાણવા જેવું છે કે શા માટે ટ્રુડોને ભારતની અને ભારતને પણ ટ્રુડોની જરૂરત છે ???

કેનેડામાં વસતા ખાલિસ્તાનીવાદીઓને કારણે ભારત સાથે ટ્રુડોએ દેખાડા પુરતી લડાઈ કરવી પડી રહી છે
કેનેડામાં વિદેશથી આવીને વસ્યા હોય તેવા ભારતીયોમાં પ્રથમ ક્રમે શીખ સમુદાયના લોકો છે. જ્યારે બીજા ક્રમે ગુજરાતીઓ છે. શીખ સમુદાય દાયકાઓથી કેનેડામાં છે. કેનેડામાં રહેલા શીખ પૈકી કેટલાક શીખને એવી રીતે ભટકાવવામાં આવ્યા છે કે તેઓ ખાલિસ્તાનની માંગ કરી રહ્યા છે. ખાલિસ્તાનની માંગ કરનારાઓમાં કેટલાક નેતાઓ પણ છે કે જે ચૂંટાઈને કેનેડાની સંસદમાં પણ પહોંચ્યા છે. ખાલિસ્તાની સમર્થક હરદીપ સિંહ નિજ્જરની હત્યા બાદ અમેરિકામાં રહેતા શીખ ફોર જસ્ટિસ (SFJ)ના આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુની પણ હત્યા કરવા માટે ભારતે પ્રયાસ કર્યા હોવાનો આરોપ અમેરિકા દ્વારા લગાડવામાં આવ્યો છે. અમેરિકાનું કહેવું છે કે પન્નુની હત્યાનું કાવતરું ગયા વર્ષે સપ્ટેમ્બરમાં પીએમ મોદીની અમેરિકા મુલાકાત દરમિયાન ઘડવામાં આવ્યું હતું. એક ભૂતપૂર્વ ભારતીય અધિકારી વિકાસ યાદવે નિખિલ ગુપ્તાને પન્નુની હત્યાનું કાવતરું રચવા કહ્યું હતું. મૂળ ભારતીય અને કેનેડાના નાગરિક નિખિલ ગુપ્તાની ચેક રિપબ્લિક પોલીસે 30 જૂન, 2023ના રોજ પન્નુની હત્યાનું કાવતરું ઘડવા બદલ ધરપકડ કરી હતી. આ પછી 14 જૂન 2024ના રોજ નિખિલને અમેરિકા પ્રત્યાર્પણ કરવામાં આવ્યો હતો. નિખિલ વિરુદ્ધ અમેરિકામાં કેસ ચલાવવામાં આવ્યો હતો, જ્યાં તેણે પોતે નિર્દોષ હોવાનું કહ્યું હતું. આ ઘટનાને પગલે ભારત અને કેનેડા વચ્ચેના સંબંધો વધુ બગડ્યા છે. ટ્રુડોએ આ મામલાને કારણે ભારત સાથે દેખાડા પુરતી પણ લડાઈ કરવી પડી રહી છે.

સંબંધો વધુ બગડે નહીં તે માટે ભારત અને ટ્રુડો નિવેદનો કરે છે પરંતુ આગળ વધતા નથી
કેનેડાના વડાપ્રધાન ટ્રુડો ભારતની સામે પડવા માટે રાજી નથી પરંતુ તેમની પર કેનેડાના સાંસદો દ્વારા દબાણ કરવામાં આવી રહ્યું છે. આતંકવાદી નિજ્જરની કેનેડામાં જ હત્યા અને ત્યારબાદ પન્નુની હત્યાના કાવતરામાં અમેરિકા દ્વારા ભારતની સંડોવણીના કરવામાં આવેલા આક્ષેપોને પગલે કેનેડાની લિબરલ પાર્ટીના અસંતુષ્ટ સભ્યો દ્વારા જસ્ટિન ટ્રુડોને અલ્ટિમેટ આપવામાં આવ્યું છે કે આગામી સપ્તાહની શરૂઆતમાં નક્કી કરો કે જો તમે નેતા તરીકે ચાલુ રહેવા માંગતા હોવ, અથવા કોકસ બળવાની સંભાવનાઓનો સામનો કરો. આશરે 24 જેટલા સાંસદો દ્વારા ટ્રુડોના રાજીનામાની માંગ કરવામાં આવી છે અને તેને કારણે જ ટ્રુડોએ હવે ભારત સામે નિવેદનો કરવા પડી રહ્યા છે. જોકે, ટ્રુડો નિવેદનબાજીથી આગળ વધ્યા નથી. ત્યાં સુધી કે નિજ્જરની હત્યામાં ભારતની સંડોવણી છે કે કેમ? તેવા પુરાવા પણ ટ્રુડો દ્વારા આપવામાં આવ્યા નથી. બીજી તરફ ભારત પણ દેખીતી રીતે ટ્રુડોના નિવેદનના જવાબો આપી રહ્યું છે પણ આક્રમકતા હજુ સુધી દેખાડી નથી.

ટ્રુડો ભારત સાથે સંબંધો બગાડશે તો કેનેડાની ઈકોનોમી બગડી જાય તેવી સ્થિતિ છે.
કેનેડા માટે ભારતીય સહિત વિદેશી વિદ્યાર્થીઓ સોનાના ઈંડા મૂકનાર મરઘીથી ઓછા નથી. આ વિદ્યાર્થીઓ કેનેડાના અર્થતંત્રમાં મોટો ફાળો આપે છે. ગ્લોબલ અફેર્સ કેનેડા (GAC) એ જણાવ્યું કે, 2022માં વિદેશી વિદ્યાર્થીઓએ કેનેડિયન અર્થતંત્રમાં 30.9 બિલિયન કેનેડિયન ડોલરનું યોગદાન આપ્યું છે. આમાં ભારતીય વિદ્યાર્થીઓનો સૌથી મોટો ફાળો હતો, જેમની સંખ્યા 2022માં 47% વધીને 319,130 ​​થઈ ગઈ. વિદેશી વિદ્યાર્થીઓને કારણે કેનેડાની કોલેજો અને યુનિવર્સિટીઓ સમૃદ્ધ બની હતી. 2016 માં, તેઓએ $15.5 બિલિયનની કમાણી કરી, જે 2022 સુધીમાં વધીને $37.3 બિલિયન થઈ ગઈ. આ આવક કેનેડાની ઈકોનોમી માટે ખૂબ જ મહત્વની છે. જો કેનેડામાંથી ભારતીય વિદ્યાર્થીઓ પરત આવી જાય અથવા તો નવા વિદ્યાર્થીઓ જવાનું અટકાવી દે તો કેનેડાને મોટો ફટકો પડે તેમ છે. આ કારણે ટ્રુડો ભારત સાથેના સંબંધો વધુ તણાવપૂર્ણ થાય તેવું ઈચ્છતા નથી.

Most Popular

To Top