Charchapatra

આ તે માનદ વેતન કે નર્યું શોષણ..?

સરકારના વિવિધ ખાતાઓ દ્વારા ઉજવાતી કલા સાહિત્યની સ્પર્ધાઓમાં નિર્ણાયકોને આપવામાં આવતું માનદવેતન ખરેખર માનને પાત્ર નથી. બસો-ત્રણસો રૂપિયાનું પેટ્રોલ બાળીને સ્પર્ધા સ્થળે પહોંચતા નિર્ણાયકોને આખો દિવસ બેસીને સ્પર્ધામાં નિર્ણાયકોની ફરજ બજાવવાની હોય એમાં વળી પરાણે ભાગ લેતાં સ્પર્ધકો સ્પર્ધાના હેતુ કે હાર્દને સમજ્યા વગર ઝંપલાવી દેતાં હોય એમને સહન કરવાના. વળી આ ત્રણ ચાર કલાક દરમ્યાન કેટલાંક આયોજક યજમાનો ચા પાણીનો પણ ભાવ નથી પૂછતાં. વળી કેટલાંક આયોજકો તો માનદ વેતન પણ નહીં આપતા એક પ્રશસ્તિપત્ર પકડાવી દે છે. (ઘણીવાર તો એ પણ કોરું જ હોય તમારું નામ તમારે સ્વહસ્તે લખી દેવાનું..!) કલા મહોત્સવમાં કક્ષા મુજબ માનદ વેતન ચુકવાય.

CRC કક્ષાએથી ૧૦૦ રૂપિયાથી શરૂ થાય ને છેલ્લે ૩૦૦ એ અટકી જાય. બિચારા નિર્ણાયકોએ એટલા રૂપિયાના પેટ્રોલનું તો ગાંઠનું ગોપીચંદન કર્યું હોય. ઘણીવાર નિષ્પક્ષ નિર્ણય આપવાના ધખારામાં નિર્ણાયકો બહારથી બોલાવાય. શહેરી વિસ્તારના નિર્ણાયકો ગ્રામ્ય વિસ્તારમાં જાય અને ગ્રામ્ય વિસ્તારના નિર્ણાયકો શહેરી વિસ્તારમાં બોલાવાય. વળી આવી તટસ્થ નીતિ રચનાર આયોજકો નિર્ણાયકને આવવા જવાનું ભાડું કે લાવવા લઈ જવાની સગવડ પણ નહીં આપે ત્યારે નિર્ણાયકોની સ્થિતિ કફોડી બને છે. ખરેખર યોગ્ય પ્રતિભાને પોંખવા માટે જો સ્પર્ધા યોજાતી હોય તો નિર્ણાયકોને યોગ્ય સગવડ અને વેતન અપાવા જ જોઈએ.
સુરત     – પ્રકાશ પરમાર– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top