Charchapatra

આ છે આપણી પ્રામાણિકતા?

એક વર્તમાનપત્રમાં પ્રકાશિત થયેલા સમાચાર પ્રમાણે રેલવેએ છેલ્લા ૧૦ મહિનામાં ટિકિટ વિના મુસાફરી કરતા પેસેન્જરો પાસેથી ૮૦ કરોડ રૂપિયા વસૂલ્યા. જે અંતર્ગત ગત એપ્રિલ ૨૦૨૧ થી જાન્યુઆરી ૨૦૨૨ સુધીમાં એક બે નહીં, પણ ૧૩.૬૭ લાખ કેસ સામે આવ્યા હતા.આ છે આપણા દેશની પ્રજાની પ્રામાણિકતા. પશ્ચિમના દેશોનો  વિકસિત દેશોની યાદીમાં સમાવેશ થાય છે અને આપણા દેશનો નથી થતો તેનાં કારણોમાંનું એક અને મહત્ત્વનું કારણ આ પણ છે. ફકત રેલવે જ નહીં, તે સિવાયનાં અન્ય ક્ષેત્રોમાં પણ અપ્રામાણિકતા પ્રજાજીવનનું એક અંગ બની ગયું છે.પરિણામે દેશની પ્રગતિ અવરોધાય છે. અન્ય દેશોમાં અપ્રામાણિકતાનું પ્રમાણ હશે જ નહીં એવું નથી પણ આપણા દેશમાં તેનું પ્રમાણ ૯૦ ટકાથી પણ વધારે છે જ્યારે અન્ય દેશોમાં તે પ્રમાણ દસ ટકાથી પણ ઓછું હોઈ શકે છે અને પરિણામ આપણી સામે છે. જે પ્રજામાં નીતિમત્તા, પ્રામાણિકતા અને શિષ્ટનું આચરણ વધારે તે પ્રજા જે દેશની હોય તે દેશ ચોક્કસ ઉન્નતિનાં શિખરો સર કરી શકે. વસ્તીની દૃષ્ટિએ જોઈએ તો આપણા દેશનો ચીન પછી બીજો નંબર આવે છે અને ફાટફાટ થતી ૧૩૦ કરોડ કરતાં વધારે વસ્તી છે, એટલું જ નહીં અશિક્ષિતોનું પ્રમાણ ૭૦ ટકા કરતાં વધુ છે , તેને કારણે પણ અપ્રામાણિકતાનું પ્રમાણ વધુ હોય તે વાતને નકારી શકાય નહી, જેનું પરિણામ આપણે ભોગવી રહ્યાં છીએ.
સુરત     – સુરેન્દ્ર દલાલ .-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top