દર વરસે ચોમાસામાં હેરાન પરેશાન થવું પડે છે. એકની એક રામાયણ દર વર્ષે થાય છે. વહીવટી તંત્રને ખબર હોય છે છતાં કોઈ કાયમી નિકાલ લાવવાનો પ્રયત્ન થતો નથી.કોઈ આ સમસ્યા કેવી રીતે દૂર કરી શકાય, કાયમી શાંતિ કેમ થાય એ વિશે જરા પણ વિચાર કરતું નથી. દરેક ચોમાસામાં ચારે તરફ અવ્યવસ્થા નજરે પડે છે.ગયા વર્ષના ચોમાસામાં બનેલી ઘટનામાંથી કોઈ બોધપાઠ લેવામાં આવતો નથી.એટલે જ માત્ર બે કે ચાર ઈંચ વરસાદમાં આખું શહેર જળબંબાકાર થઈ જાય છે. વરસાદી પાણીના ભરાવાને કારણે ટ્રાફિક જામ થઈ જાય છે. મોંઘા પેટ્રોલ ડીઝલનો ધુમાડો થાય છે. સમય બરબાદ થાય છે. કેટલીક જગ્યા પર એક્સીડેન્ટ પણ થાય છે. આપના ખરાબ બુનિયાદી માળખાંઓ વહીવટીતંત્રની ઘોર બેદરકારીની ટીકા કરી પ્રજા કંટાળી ગઈ છે. ગટરોની આગળથી સફાઈ થતી નથી. જેથી આ સમસ્યા વધુ વિકરાળ બને છે.આ સમસ્યાનો કોઈ કાયમી ઉકેલ છે ખરો?
સુરત – અબ્બાસભાઈ કૌકાવાલા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
વિદ્યાભ્યાસ આપણો અને અમેરિકાનો
સૌથી વધુ ધનિક દેશ અમેરિકામાં સરકારી શાળાઓ વધુ છે અને માલેતુજારોનાં બાળકો પણ સરકારી શાળાઓમાં જ ભણતાં હોય છે અને તે અભ્યાસની વેલ્યુ વધારે થાય છે. વળી, આ સરકારી શાળાઓમાં અભ્યાસને લગતાં પાઠ્યપુસ્તકો તે શાળામાંથી આપવામાં આવે છે અને વર્ષના અંતે તે પાઠ્યપુસ્તકો પરત લેવામાં આવે છે કે જેથી બીજાં વિદ્યાર્થીઓને તે પાઠ્યપુસ્તકોનો લાભ આપી શકાય. જ્યારે, આપણા દેશમાં મોંઘાં પાઠ્યપુસ્તકો બજારમાંથી ખરીદવાં પડે છે અને વર્ષ પૂરું થતાં તે પસ્તીના ભાવમાં આપવાં પડે અથવા કેટલાક સમજદાર વાલી બીજાં જરૂરિયાતવાળાં વિદ્યાર્થીઓને પ્રેમથી આશીર્વાદ સહિત આપવાની વિદ્યા-સેવા પણ કરી લે છે.
દર વર્ષે પાઠ્યપુસ્તકોનું કરોડો/ અબજો રૂપિયાનું ટર્ન ઓવર થાય છે અને તેથી વધારે વૃક્ષોનું નિકંદન કરવામાં આવે છે. પાઠ્યપુસ્તકોનું ટર્ન ઓવર વાલીઓના ભોગે કરાવી તેનો ફાયદો સ્કૂલવાળા અને પુસ્તકના પ્રિન્ટિંગ સાથે સંકળાયેલાંઓ લે છે. આ છે આપણા દેશની અભ્યાસલક્ષી દારુણ પરિસ્થિતિ. દરેક વાતે વિદેશની નકલ કરતો ભારત દેશ આ બાબતે કેમ જાગૃત થતો નથી? સરકારી તંત્રો કેમ આવું ચલાવી લે છે? આવી નકલ થાય તો ઘણી ક્રાંતિ થાય તેમ છે.
સુરત – પરેશ ભાટિયા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.