ભારતમાં કોવિડની રસીના લગભગ ૨૦૦ કરોડ ડોઝ અપાઈ ગયા તે પછી લગભગ ત્રણ વર્ષે કોવિડની રસીના કારણે હૃદયરોગના હુમલાનો વિવાદ ગંભીર સ્વરૂપ ધારણ કરી રહ્યો છે. દેશમાં કરોડો લોકો દ્વારા કોવિડની રસી લેવાયા પછી લાખો યુવાનો ભરયુવાનીમાં હાર્ટ એટેકનો ભોગ બન્યા તે પછી કર્ણાટક રાજ્યના મુખ્ય પ્રધાન સિદ્ધારામૈયા દ્વારા આ વિવાદ ઉઠાવવામાં આવ્યો હોવાથી તેની ગંભીરતા વધી જાય છે. કર્ણાટકના હસન જિલ્લામાં લગભગ એક મહિનામાં ૨૨ યુવાનોના હૃદયરોગના હુમલાથી મોત થયાં તે પછી મુખ્ય પ્રધાન સિદ્ધારામૈયાએ આ મૃત્યુ પાછળ કોવિડની રસી હોવા અંગે શંકા વ્યક્ત કરી છે.
ભારતમાં કુલ ૭૮૫ જિલ્લા છે. જો દરેક જિલ્લામાં એક મહિનામાં સરેરાશ ૨૨ વ્યક્તિનાં મોત થતાં હોય તો ભારતના ૭૮૫ જિલ્લામાં ૩૬ મહિના દરમિયાન કેટલા યુવાનોનાં મોત થયાં હશે? શું તેનો કોઈ પદ્ધતિસરનો સર્વે કરવામાં આવ્યો છે? શું આ રીતે અચાનક હાર્ટ એટેકથી મરી જનારાં યુવાનોનું પોસ્ટ મોર્ટમ કરીને તેમનાં મોતનું કારણ જાણવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે? શું દેશમાં કોવિડની રસી લેનારાં લોકો અને રસી નહીં લેનારાં લોકોમાં હાર્ટ એટેકથી થયેલાં મોતનો કોઈ સરખામણીયુક્ત સર્વે કરવામાં આવ્યો છે? કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારામૈયાએ X પર લખ્યું કે શું આ અચાનક મૃત્યુ કોવિડ રસીની આડ અસર છે? ઘણાં આંતરરાષ્ટ્રીય સંશોધનોએ સંકેત આપ્યો છે કે રસીઓ હૃદયરોગના હુમલાનું કારણ બની શકે છે. શું રસીની ઉતાવળમાં અપાયેલી મંજૂરી આ મૃત્યુનું કારણ હોઈ શકે છે?
બહુ ઓછાં લોકોને ખબર હશે કે નવી રસીને મંજૂરી આપતાં પહેલાં તેને ત્રણ તબક્કાની ટ્રાયલમાંથી પસાર થવું પડે છે. પ્રથમ તબક્કામાં બહુ નાની સંખ્યા પર ટૂંકા ગાળાની ટ્રાયલ કરવામાં આવે છે, જેમાં રસીની અસરકારકતા ઉપરાંત સલામતી પણ ચકાસવામાં આવે છે. બીજા તબક્કામાં મધ્યમ સંખ્યાનાં લોકો પર મધ્યમ સમયની ટ્રાયલ કરવામાં આવે છે. ત્રીજા તબક્કામાં મોટી સંખ્યાનાં લોકો પર લાંબા ગાળાની ટ્રાયલ કરવામાં આવે છે. કોવિડની રસીને કટોકટીની જોગવાઈ હેઠળ મંજૂરી આપવામાં આવી હોવાથી તેને ત્રીજા તબક્કાની ટ્રાયલમાંથી મુક્તિ આપવામાં આવી હતી, જેને કારણે લાંબા ગાળાનાં પરિણામોની ચિંતા જ કરવામાં આવી નહોતી.
કોરોના રસી બનાવતી ફાર્માસ્યુટિકલ કંપની એસ્ટ્રાઝેનેકાએ લગભગ એક વર્ષ પહેલાં સ્વીકાર્યું હતું કે તેની રસીની ગંભીર આડ અસરો થઈ શકે છે. એસ્ટ્રાઝેનેકાએ સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા સાથે મળીને ભારતમાં કોવિશિલ્ડ રસી વિકસાવી હતી. એસ્ટ્રાઝેનેકા કંપનીએ બ્રિટનની હાઈકોર્ટમાં સ્વીકાર્યું હતું કે આ રસી કોઈને થ્રોમ્બોસાયટોપેનિયા સિન્ડ્રોમ (TTS) સાથે થ્રોમ્બોસિસ જેવી સ્થિતિનું કારણ બની શકે છે. આના કારણે લોકોના મગજમાં લોહી ગંઠાઈ જાય છે અને લોહીમાં પ્લેટલેટ્સની સંખ્યા ઘટે છે.
આવી સ્થિતિમાં મગજનો સ્ટ્રોક અને કાર્ડિયાક અરેસ્ટ થવાની શક્યતા વધી જાય છે. કોવિડ-૧૯ રસી અંગે સેન્ટ સ્ટીફન હોસ્પિટલના ડૉ. જેકબ પુલિયાલનો અભિપ્રાય પણ જાણવા જેવો છે. ડૉ. જેકબ પુલિયાલ કહે છે કે એ એક સરળ વાત છે કે ભારતમાં બની રહેલી રસી મૂળ બ્રિટનથી આવી રહી છે. હવે જે કંપનીએ રસી બનાવી છે તે સ્વીકારી રહી છે કે તેનાથી સમસ્યાઓ થઈ શકે છે, તો પછી આ તપાસની પદ્ધતિ ન સમજી શકાય તેવી છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય પરીક્ષણો કેવી રીતે કરી રહ્યું છે? કઈ રસીનું પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે અને તેનું પરીક્ષણ કરવાની પદ્ધતિ શું છે? આવી સ્થિતિમાં બ્રિટન જે સમસ્યાનો સામનો કરી રહ્યું હતું તે ભારતમાં થઈ રહ્યું નથી તેવું કહેવું કોઈના પણ ગળે ન ઊતરે તેવું છે.
એસ્ટ્રાઝેનેકાની કોરોના રસી મેળવનારાં બ્રિટનનાં ઘણાં લોકોના મગજમાં અસામાન્ય લોહીના ગંઠાવાનું નિદાન થયું છે. કોરોના રસી લીધા પછી ઘણાં લોકોને સેરેબ્રલ વેનસ સાઇનસ થ્રોમ્બોસિસ (CVST) વિકસિત થતાં જોવા મળ્યાં છે, એટલે કે મગજની બાહ્ય સપાટી પર ડ્યુરામેટરના સ્તરો વચ્ચે હાજર નસોમાં લોહીના ગંઠાવાની ઘટનાઓ બની છે. આવા કેટલાક કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા બાદ ફ્રાન્સ, કેનેડા, ડેન્માર્ક અને જર્મનીએ એસ્ટ્રાઝેનેકાની કોરોના રસી પર પ્રતિબંધ લાદ્યો છે. વિશ્વભરનાં કરોડો લોકોએ રસી લઈ લીધા પછી વૈજ્ઞાનિકો એ શોધવાનો પ્રયાસ કરી રહ્યા છે કે શું ખરેખર કોરોના રસીના કારણે મગજનો સ્ટ્રોક થાય છે. આ કેટલો મોટો ખતરો હોઈ શકે છે અને કોરોના રસીકરણ કાર્યક્રમ માટે આ ખતરોનો શું અર્થ હોઈ શકે છે?
વિશ્વભરમાં રસીકરણના ડેટાની સમીક્ષા કર્યા પછી યુરોપિયન મેડિસિન એજન્સીએ અહેવાલ આપ્યો છે કે એસ્ટ્રાઝેનેકા રસી મેળવનાર ૬૦ વર્ષ સુધીના દર એક લાખ લોકોમાંથી એકમાં સેરેબ્રલ વેનસ સાઇનસ થ્રોમ્બોસિસ (CVST) જોવા મળ્યો છે. જો આ વાત સાચી હોય તો આ પ્રમાણ ભારે મોટું અને બિહામણું છે. ભારતમાં ૧૨૦ કરોડ લોકોએ કોરોનાની રસી લીધી છે. જો દર એક લાખે એક રસી લેનારને સેરેબ્રલ વેનસ સાઇનસ થ્રોમ્બોસિસ થતો હોય તો ભારતમાં ૧૨, ૦૦૦ લોકોનાં મોત કેવળ કોરોનાની રસીને કારણે થયાં હોવાં જોઈએ. જો કે આ બાબતમાં ભારત સરકાર દ્વારા કોઈ પ્રમાણભૂત સર્વે કરાવવામાં આવ્યો નથી; જેને કારણે ભારતના આંકડા જ ઉપલબ્ધ નથી. સરકાર આ સમસ્યા પ્રત્યે આંખ આડા કાન કરવાનો પ્રયાસ કરી રહી છે.
બ્રિટનમાં ડ્રગ રેગ્યુલેટરી બોડી MHRA એ કહ્યું છે કે એસ્ટ્રાઝેનેકા રસી ૩૦ વર્ષથી ઓછી ઉંમરનાં લોકોને આપવામાં આવશે નહીં અને તેમને કોઈ અન્ય વિકલ્પ આપવામાં આવશે. નિયમનકારી સંસ્થાનું કહેવું છે કે એસ્ટ્રાઝેનેકા રસી લીધા પછી લોહી ગંઠાઈ જવાની ફરિયાદો મળ્યા બાદ આ કરવામાં આવ્યું છે. નિયમનકારી સંસ્થાએ તેની તપાસમાં શોધી કાઢ્યું છે કે ૨૦૨૩ના માર્ચના અંત સુધીમાં યુકેમાં એસ્ટ્રાઝેનેકા રસી આપવામાં આવેલાં લોકોમાંથી ૭૯ લોકો લોહી ગંઠાઈ જવાથી પીડાતાં હતાં અને તેમાંથી ૧૯ લોકો મૃત્યુ પામ્યાં હતાં. લોહી ગંઠાઈ જવાના કેસ ધરાવતાં લોકોમાં બે તૃતીયાંશ સ્ત્રીઓ છે. મૃત્યુ પામેલાં લોકોની ઉંમર ૧૮ વર્ષથી ૭૯ વર્ષની વચ્ચે હતી. નિયમનકારી સંસ્થાના આ અહેવાલ બાદ સરકારી સલાહકાર સંસ્થા JCVE એ ભલામણ કરી છે કે ૧૮ થી ૨૯ વર્ષની વયનાં લોકોને એસ્ટ્રાઝેનેકાને બદલે બીજી કોઈ રસી આપવી જોઈએ. ભારતમાં આજની તારીખમાં પણ આવું કોઈ નિયમન મૂકવામાં આવ્યું નથી.
ડેનમાર્કે એસ્ટ્રાઝેનેકાની કોવિડ રસીના ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો છે. ડેનમાર્ક આવું કરનાર પ્રથમ યુરોપિયન દેશ બન્યો છે. કોવિડ રસીને કારણે કેટલાંક લોકોમાં લોહી ગંઠાઈ જવાની ફરિયાદો બાદ આ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. ડેનિશ સત્તાવાળાઓ કહે છે કે એસ્ટ્રાઝેનેકા રસીના તમામ ૨૪ લાખ ડોઝ આગામી સૂચના સુધી પાછા ખેંચવામાં આવી રહ્યા છે. ડેનિશ આરોગ્ય અધિકારીઓના જણાવ્યા અનુસાર, સંશોધન દર્શાવે છે કે એસ્ટ્રાઝેનેકા રસી લીધા પછી લોહી ગંઠાવાના કિસ્સાઓ અપેક્ષા કરતાં વધુ થઈ રહ્યા છે. દર ચાલીસ હજાર લોકોમાંથી એક આનાથી પ્રભાવિત થઈ રહ્યા છે. ડેનમાર્કમાં લોહી ગંઠાવાના બે કેસ કોવિડની રસી સાથે સંબંધિત હોવાનું જાણવા મળ્યું છે. આમાંથી એક ૬૦ વર્ષીય મહિલાનું મૃત્યુ થયું છે. ડેનમાર્કમાં લગભગ ૧૦ લાખ લોકોને કોવિડની રસી આપવામાં આવી છે, જેમાંથી દોઢ લાખ લોકોને એસ્ટ્રાઝેનેકા રસી આપવામાં આવી છે. અહીં ફાઇઝર અને મોડર્ના રસીઓનો પણ ઉપયોગ થઈ રહ્યો છે.
હાર્ટ એટેકથી થતાં યુવાનોનાં મૃત્યુ અંગે ICMR એ કોવિડ-૧૯ રસીને ક્લીનચીટ આપી હોવા છતાં યુરોપિયન સોસાયટી ઓફ કાર્ડિયોલોજીનો અભિપ્રાય આનાથી અલગ છે. યુરોપિયન સોસાયટી ઓફ કાર્ડિયોલોજીએ એક અભ્યાસમાં શોધી કાઢ્યું છે કે મ્યોકાર્ડિટિસ અને કોવિડ-૧૯ રસીને કારણે થતાં મૃત્યુ વચ્ચે મજબૂત જોડાણ હોવાની શક્યતા છે. બ્રિટિશ હાર્ટ ફાઉન્ડેશન અનુસાર કોવિડ-૧૯ રસીઓથી થતા મ્યોકાર્ડિટિસ અને પેરીકાર્ડિટિસ વચ્ચે એક જોડાણ છે. યુકે ગ્રીન બુક ઓન વેક્સિન્સ અનુસાર તે ૨૫ વર્ષથી ઓછી ઉંમરનાં યુવાનોમાં વધુ સામાન્ય છે. પેરીકાર્ડિટિસ એ હૃદયની આસપાસના અસ્તરની બળતરા છે જ્યારે મ્યોકાર્ડિટિસ એ હૃદયના સ્નાયુની બળતરા છે. બ્રિટિશ હાર્ટ ફાઉન્ડેશન અનુસાર બે કંપનીઓની રસીનો ઉલ્લેખ કરતાં એવું કહેવામાં આવ્યું છે કે આ બીમારી રસી લેનારી દસ હજારમાંથી એક વ્યક્તિને થઈ શકે છે.