એક શાળાના મોટા વિદ્યાર્થીઓ શાળાના મકાન પાસે હાથમાં કોદાળી, પાવડા લઈ કામ કરી રહ્યા હતા. કોઈ લોકલ ચેનલના પત્રકાર કેમેરા સાથે ત્યાં પહોંચ્યા. વિધાર્થીઓને પૂછ્યું કે તમને આ કામ કરવાનું કોણે કહ્યું તો કોઈએ જવાબ ન આપ્યો અને ત્યાંથી જતા રહ્યા. વિદ્યાર્થીના યુનિફોર્મ પર શાળાનું નામ લખેલું હતું ત્યાં કેમેરો ઝૂમ કરી બતાવ્યું અને સ્કૂલો ભણાવવાને બદલે આવું કામ કરાવે છે એવો રાગડો તાણ્યો. સમજ્યા વગર, શાળાના આચાર્ય કે શિક્ષકને આ બાબતે કંઈપણ પૂછ્યા વગર જ સ્કૂલને બદનામ કરવાની આ વૃત્તિ નબળા, નફ્ફટ અને અબૌદ્ધિક પત્રકારત્વની નિશાની છે. પત્રકારમાં થોડી પણ સમજણ હોત તો સમજાઈ જતે કે શ્રમયજ્ઞ એ શિક્ષણનો, કેળવણીનો જ એક ભાગ છે.
બાળકો શાળામાં ક્યારેક સાફ-સફાઈ કરે, નાની મોટી શ્રમની પ્રવૃત્તિઓ કરે એનાથી એનામાં સારા ગુણો વિકસે છે. ઘણી સ્કૂલોએ તો અખબાર કે ચેનલ દ્વારા શાળાની બદનામી થાય એ ડરે આવી પ્રવૃત્તિઓ કરાવવાનું લગભગ બંધ કરી દીધું છે. શિક્ષણાધિકારી કે કલેકટર નોટિસ પાઠવી શાળા પાસે ખુલાસો માંગે છે. વિદ્યાર્થીઓ શ્રમદાન કરે એ બાબતે સરકાર તરફથી પણ યોગ્ય માર્ગદર્શિકા જાહેર કરવી જોઈએ. શાળા નિર્ભયતાથી, વિદ્યાર્થીની સંપૂર્ણ સલામતીનું ધ્યાન રાખીને આવી પ્રવૃત્તિઓ ચાલુ રાખે એમાં સમાજનું હિત રહેલું છે. વાલી તરફથી પણ સહકારની અપેક્ષા રહે છે.
સુરત – સુનીલ શાહ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.