ગુજરાત રાજ્યમાં સને ૧૯૮૪-૮૫માં અનામત વિરોધી આંદોલન થયેલા જે આંદોલનની દિશા બદલાતા તે મોટા પ્રમાણમાં હિંસક કોમવાદમાં પરિણામેલા. ત્યારે કોમવાદ થયેલા તે વિસ્તારોમાં લોકો પરાણે પોતાની સ્થાવર મિલ્કતો વેચી અન્યત્રે પલાયન કરવા મજબૂર થયેલા. જે પલાયન અટકાવવા, તત્કાલિન ગુજરાત સરકારે માત્ર 2 વર્ષ માટે અશાંત વિસ્તાર નામક કાયદાનો અમલ કરેલો. જે કાયદો 2 વર્ષના અંતે સ્વતઃ અંત પામેલો. ત્યારબાદ, સને ૧૯૯૧માં ગુજરાત સરકારે આ કાયદાને સ્થાયી રીતે અમલમાં મૂકેલો અને તેમાં સને ૨૦૦૯ તથા ૨૦૧૯માં મોટા સુધારા કરેલા.
મૂળ ૧૯૯૧ના આ કાયદામાં સ્થાવર મિલકતના માલિકની અને ખરીદનારની મુક્ત સંમતિ અને મિલ્કત સંદર્ભે વાજબી અવેજ મળી જવું તે પૂરતું હતું. એટલે ત્યારે મિલકતના માલિકનું હિત સર્વોચ્ચ હતું. ત્યારબાદ, સને ૨૦૧૯ના સુધારાથી આ કાયદામાં નવા-ધ્રુવીકરણ, વસ્તી વિષયક સંતુલન અને વિરૂદ્ધ સમુદાયો માટેની બાબતો વગેરે તત્ત્વો ઉમેરાયા અને આજે મિલકત માલિકનું હિત ગૌણ છે, સર્વોચ્ચ રહેલું નથી. આજે અશાંતધારા હેઠળ જે તપાસ કલેક્ટર કે નાયબ કલેક્ટર દ્વારા કરવા-કરાવવામાં આવી રહી છે, જ્યાં આજુબાજુના લોકોના નિવેદનો લેવા, ખોટી-ખરી વાંધા અરજીઓ ગ્રાહ્ય રાખવી, રાજનૈતિક દબાણો હેઠળ હુકમ કરવા કે ન કરવા, અટકાવવા વગેરે વગેરે જેવી અનેક બાબતો વેચનાર અને ખરીદનાર પક્ષકાર માટે સહેવી અતિશય છે.
જે લોકો વાંધાઓ રજૂ કરે છે, તેઓ કોઈ કાલ્પનિક ભય મુજબ જીવી રહ્યા હોય એવું લાગે છે. તેઓ એવી ધારણા બાંધે છે કે, વિરૂદ્ધ સમુદાયની વ્યક્તિ મારી શેરીમાં આવશે તો અમો સાથે રહી જ ન શકીશું. આ ભય ક્યાંથી આવ્યો? આપણે સૌએ વિચારવાનું છે કે, આજે ૨૧મી સદીમાં – જ્યાં દુનિયા નાની થતી જાય છે. શું આ જ બધું આપણને જોઈએ છે?
સુરત – રાજકુમાર પટેલ – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
