Columns

આઝાદ ભારતમાં ગુલામીના પ્રતીક સમા દેશદ્રોહના કાયદાની જરૂર ખરી?

સાપ ગયા ને લિસોટા રહ્યા તેમ અંગ્રેજો ગયા, પણ તેમણે ભારતની પ્રજાને ગુલામ બનાવવા ઘડેલા કેટલાક કાયદાઓ રહી ગયા છે. તેમાંનો પહેલો કાયદો કોન્ટેમ્પ્ટ ઓફ કોર્ટનો છે અને બીજો દેશદ્રોહનો છે. જે કોઈ વ્યક્તિ બ્રિટીશ સરકારની ટીકા કરતી તેની પર  દેશદ્રોહનો ખટલો માંડીને તેને જેલમાં પૂરી દેવામાં આવતી. લોકમાન્ય તિલક, ગાંધીજી અને વીર સાવરકર જેવા નેતાઓ પર દેશદ્રોહના ખટલા માંડવામાં આવતા હતા.

બ્રિટીશ કોર્ટો દ્વારા દેશદ્રોહના કેસોમાં ખોટા ચુકાદાઓ આપવામાં આવે તેની જાહેર માધ્યમોમાં ટીકા કરનારા પર અદાલતના તિરસ્કારનો ખટલો માંડીને તેમને જેલમાં પૂરવામાં આવતા હતા. ૧૯૫૦ માં ભારતનું નવું બંધારણ બન્યું તે પછી પણ પ્રજાની આઝાદી ઝૂંટવી લેતાં આવા કેટલાક કાયદાઓ ચાલુ રાખવામાં આવ્યા હતા. તેમાં પ્રજાની ધાર્મિક આઝાદી ઝૂંટવી લેતા પબ્લિક ટ્રસ્ટના કાયદાઓનો પણ સમાવેશ થતો હતો. આઝાદીનાં ૭૪ વર્ષ પછી દેશની સુપ્રિમ કોર્ટને ખ્યાલ આવ્યો છે કે દેશદ્રોહના કાયદાની હવે કોઈ જરૂર નથી.

તાજેતરમાં લશ્કરના એક રિટાયર્ડ ઓફિસરે સુપ્રિમ કોર્ટમાં પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન ફાઇલ કર્યો હતો, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે દેશદ્રોહનો કાયદો અભિવ્યક્તિ-સ્વાતંત્ર્યના મૂળભૂત અધિકાર પર તરાપ મારનારો છે, માટે તેને રદ કરવો જોઈએ. સુપ્રિમ કોર્ટ દ્વારા આ કેસમાં કેન્દ્ર સરકાર પર નોટિસ કાઢવામાં આવી ત્યારે સરકારના એટર્ની જનરલ કે.કે. વેણુગોપાલ સુપ્રિમ કોર્ટની ચિંતા સાથે સહમત થયા હતા અને તેમણે જણાવ્યું હતું કે દેશદ્રોહના કાયદાનો ગેરુપયોગ ન થાય તે માટે એક ગાઇડલાઇન ઘડવાની જરૂર છે. જો કે કેન્દ્ર સરકારનું ગાઇડલાઇન ઘડવાનું બહાનું દેશદ્રોહના કાયદાને બચાવી લેવા માટે છે. રિટાયર્ડ મેજર જનરલ એસ.જી. વોમ્બાટકેરેની માગણી દેશદ્રોહના કાયદાને મૂળમાંથી રદ કરવાની છે. સુપ્રિમ કોર્ટ આ માગણી સ્વીકારી કાયદાને રદ ન કરી કાઢે તે માટે કેન્દ્ર સરકાર ગાઇડલાઈન બનાવીને કાયદાને મર્યાદિત કરવાની વાત કરી રહી છે.

ભારતમાં જ્યારે અંગ્રેજોનું રાજ હતું ત્યારે સરકારની માફકસરની ટીકા કરવાના કૃત્યને પણ દેશદ્રોહ તરીકે જોવામાં આવતું હતું. અંગ્રેજોના કાળમાં ઘડાયેલા ઇન્ડિયન પિનલ કોડની ૧૨૪-એ કલમમાં દેશદ્રોહની વ્યાખ્યા કરતાં લખવામાં આવ્યું હતું કે “કોઇ પણ વ્યક્તિ બોલેલા કે લખેલા શબ્દો વડે અથવા નિશાની વડે અથવા દૃશ્ય રજૂઆત વડે અથવા બીજી કોઇ પણ રીતે સમાજમાં નફરત, તિરસ્કાર કે અસંતોષ પેદા કરવાની કોશિશ કરે કે કેન્દ્ર અથવા રાજ્ય સરકાર સામે હિંસા ફેલાવે તેની સામે દેશદ્રોહનો કેસ દાખલ કરી શકાશે.’’ ઇ.સ.૨૦૧૨ માં કાર્ટૂનિસ્ટ અસીમ ત્રિવેદીએ સરકારના ભ્રષ્ટાચારની ટીકા કરતાં કાર્ટૂનો બનાવીને સોશ્યલ મીડિયામાં મૂક્યા ત્યારે તેમના પર દેશદ્રોહનો આરોપ લગાવીને તેમને જેલમાં પૂરી દેવામાં આવ્યા તેનો દેશભરના બૌદ્ધિકો દ્વારા ભારે વિરોધ કરવામાં આવ્યો હતો.

મુંબઇ હાઇ કોર્ટને અસીમ ત્રિવેદી પરના દેશદ્રોહના આરોપમાં તથ્ય ન જણાતાં તેણે ત્રિવેદીને જેલમાંથી મુક્ત કરવાનો આદેશ આપ્યો હતો. આ આદેશ આપતી વખતે હાઇ કોર્ટે સરકારને દેશદ્રોહના આરોપ બાબતમાં ગાઇડલાઇન ઘડવાની સલાહ આપી હતી. કેન્દ્ર અને રાજ્ય સરકારો દ્વારા દેશદ્રોહના કાયદાનો દુરુપયોગ કરવાના અઢળક કિસ્સાઓ છે. છેલ્લામાં છેલ્લો કિસ્સો પત્રકાર વિનોદ દુઆનો છે. કોવિડ-૧૯ ના પ્રારંભના દિવસોમાં સરકાર દાડિયા મજૂરોના પલાયનને રોકી ન શકી ત્યારે વિનોદ દુઆએ ટીકા કરતાં સરકારે તેમની સામે દેશદ્રોહનો ખટલો માંડ્યો હતો.

આ કેસમાં વિનોદ દુઆને નિર્દોષ મુક્ત કરતાં સુપ્રિમ કોર્ટે ૧૯૬૨ ના કેદારનાથ સિંહ કેસમાં તેણે પોતે આપેલા ચુકાદાનો પણ ઉલ્લેખ કર્યો હતો. આ કેસમાં પણ સુપ્રિમ કોર્ટે દેશદ્રોહના કાયદાનો દુરુપયોગ રોકવા ગાઇડલાઈન ઘડી હતી; તો પણ તેનો દુરુપયોગ ચાલુ જ રહ્યો છે. કેદારનાથ સિંહ કેસમાં સુપ્રિમ કોર્ટે ગાઇડલાઈન ઘડી હતી કે માત્ર સરકારની ટીકા કરવાથી દેશદ્રોહનો ગુનો થતો નથી. જો સરકારની ટીકા કરવા સાથે હિંસા ફેલાવવાનું આહ્વાન આપવામાં આવ્યું હોય કે ખરેખર હિંસા ફેલાવવામાં આવી હોય તો જ દેશદ્રોહનો ગુનો બને છે.

આ ચુકાદા પછી પણ સરકારો દ્વારા વિરોધીઓ પર દેશદ્રોહના કેસો કરવાનું ચાલુ જ રાખવામાં આવ્યું હતું. ગુજરાતમાં પાટીદારો દ્વારા અનામત આંદોલન કરવામાં આવ્યું તો તેના નેતા હાર્દિક પટેલ પર દેશદ્રોહનો કેસ કરવામાં આવ્યો હતો. દિલ્હીની જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીમાં સરકાર વિરુદ્ધ નારા પોકારનારા કનૈયા કુમાર સામે પણ દેશદ્રોહનો ખટલો માંડવામાં આવ્યો હતો. આ કેસોના ચુકાદા આવતાં વર્ષો નીકળી જાય છે. ત્યાં સુધી આરોપીઓ કોર્ટના ચક્કર કાપ્યા કરે છે.કેદારનાથ સિંહ કેસમાં જે સાત નિયમો નક્કી કરવામાં આવ્યા હતા તે નીચે મુજબ છે: 

(૧) દેશના દરેક નાગરિકને સરકારની ટીકા બોલીને કે લખીને કરવાનો કે તેના વિશે કોમેન્ટ કરવાનો અધિકાર છે. કાયદા દ્વારા સ્થપાયેલી સરકાર સામે કોઈ નાગરિક હિંસા કરવાનું આહ્વાન નથી કરતો કે તેને ઉથલાવી પાડવાનો પ્રયાસ નથી કરતો ત્યાં સુધી દેશદ્રોહનો ગુનો બનતો નથી.

(૨) ‘કાયદા દ્વારા સ્થપાયેલી સરકાર’ અને ‘આ સરકારનું સંચાલન કરતી વ્યક્તિ’ વચ્ચે પણ ભેદ પાડવાની જરૂર છે. (સરકારને ઉથલાવી પાડવાના આશયથી ટીકા કરે તો દેશદ્રોહ ગણાય; પણ વ્યક્તિને ઉથલાવી પાડવાના આશયથી ટીકા કરે તેને દેશદ્રોહ ગણી શકાય નહીં. ) જો કાયદા દ્વારા સ્થપાયેલી સરકારને ઉથલાવી પાડવાની કોશિશ કરવામાં આવે તો સરકારનું અસ્તિત્વ જ ખતરામાં આવી જાય. માટે તેવી પ્રવૃત્તિ કરનારને દેશદ્રોહનો કાયદો લાગુ પાડી શકાય છે.

(૩) કલમ ૧૨૪-એ ના અર્થઘટન મુજબની કોઈ પણ પ્રવૃત્તિનો હેતુ સરકાર પ્રતિ ધિક્કાર કે તિરસ્કાર ફેલાવીને તેને તોડી પાડવાનો હોય તો તેને દેશદ્રોહનો કાયદો લાગુ પડે છે; કારણ કે જો સરકારને ઉથલાવી પાડવામાં આવે કે તેની સામે હિંસા ફેલાવવામાં આવે તો અરાજકતા ફેલાઈ જાય.

(૪) સરકારની કોઈ પ્રવૃત્તિની ટીકા કરતી કોમેન્ટમાં ગમે તેટલા કડક શબ્દો વાપરવામાં આવ્યા હોય તો પણ જ્યાં સુધી તેનો ઉદ્દેશ સરકારની વિરુદ્ધમાં હિંસાને ભડકાવવાનો ન હોય ત્યાં સુધી દેશદ્રોહનો ગુનો બનતો નથી. સરકારની આવી ટીકા કરવાનો દરેક નાગરિકને અધિકાર છે.

(૫) આ કાયદાની કલમો જ્યારે તેની સમજૂતી સાથે વાંચવામાં આવે ત્યારે બહુ સ્પષ્ટ થઈ જાય છે કે જે પ્રવૃત્તિનો હેતુ જાહેર શાંતિમાં ખળભળાટ પેદા કરીને હિંસા પેદા કરવાનો હોય તેમાં જ દેશદ્રોહનો કાયદો લાગુ પડે છે. જો હિંસા પેદા ન થતી હોય તો કાયદો લાગુ પડતો નથી.

(૬) જ્યારે કોઈ બોલાયેલા કે લખાયેલા શબ્દો દ્વારા જાહેર જનતામાં અરાજકતા પેદા કરવાનું કે કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ બગાડવાનું સામર્થ્ય હોય તેમાં જ આ કાયદો લાગુ પડે છે.

(૭) અમે આદેશ કરીએ છીએ કે જે પ્રવૃત્તિ હિંસા કે અરાજકતા પેદા કરે તેવી હોય તેના માટે જ આ કાયદાનો મર્યાદિત ઉપયોગ કરવો. તેનો દુરુપયોગ કરવાથી દૂર રહેવું. ૧૯૬૨ માં સુપ્રિમ કોર્ટ દ્વારા આ ગાઇડલાઈન ઘડી કાઢવામાં આવી તે પછી પણ વિરોધીઓના અવાજને દબાવી દેવા આ કાયદાનો વારંવાર ઉપયોગ કરવામાં આવ્યો છે. હવે તેનો દુરુપયોગ ટાળવા દેશદ્રોહનો કાયદો મૂળમાંથી નાબૂદ કરવાની માગણી બળવત્તર બની રહી છે.-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top