ક્રિકેટના જન્મદાતા તરીકે ઓળખાતા ઇંગ્લેન્ડ 2019માં પ્હેલીવાર વન ડે વર્લ્ડકપમાં ચેમ્પિયન બન્યું હતું . આ જીતની સાથે જ ક્રિકેટની દુનિયાનો સૌથી મોટો વિવાદ પણ થયો હતો. ડબલ સુપર ઓવરવાળી આ ફાઇનલ મેચમાં વિજેતાનો નિર્ણય બાઉન્ડ્રી કાઉન્ટ દ્વારા કરવામાં આવ્યો હતો અને ઈયોન મોર્ગનની કેપ્ટનશીપવાળી ઈંગ્લેન્ડની ટીમ પહેલીવાર વર્લ્ડ ચેમ્પિયન બની હતી. બાઉન્ડરી કાઉન્ટના આધારે વિજેતા નક્કી કરવાના નિર્ણય પર કેન વિલિયમસનની કેપ્ટનશીપવાળી રનર અપ ન્યૂઝીલેન્ડની ટીમ જ નહીં પરંતુ આખી દુનિયા કહેતી રહી કે ક્રિકેટમાં આનાથી મોટી છેતરપિંડી કોઈ હોઈ શકે નહીં.
બીજી તરફ અંગ્રેજો નિયમ ટાંકીને આઘાપાછા થઇ ગયા. હવે એશિઝ સિરીઝ 2023ની બીજી ટેસ્ટમાં, જ્યારે ઓસ્ટ્રેલિયાએ મેરીલેબોન ક્રિકેટ ક્લબ (MCC) ના નિયમો હેઠળ જોની બેયરસ્ટોને આઉટ કર્યો અને તેઓ મેચ હારી ગયા, ત્યારે તેઓ હોબાળો મચાવીને ખેલદિલીની ભાવનાનો જપ કરી રહ્યા છે. તે પણ આશ્ચર્યજનક છે કે ઇંગ્લેન્ડની ટીમ પોતે આયર્લેન્ડ સામે આ રીતે જ જીતી હતી, તે સમયે ઇંગ્લીશ વિકેટકીપર બેન ફોક્સ એન્ડી બલબિર્નીને સ્ટમ્પિંગ કર્યો હતો. તે ટીમમાં જો રૂટ, કેપ્ટન ઈયોન મોર્ગન પણ સામેલ હતા. હવે જ્યારે ખેલદિલીની વાત આવે છે ત્યારે કેપ્ટન ઇઓન મોર્ગન ઢાંકપીછોડો કરવા માંડે છે પણ જ્યારે એ જ મોર્ગન કોમેન્ટરી કરતો હો.ય ત્યારે તેને ખેલદીલીની ભાવના યાદ આવવા માંડે છે.
2022 માં, જ્યારે ભારતની દીપ્તિ શર્માએ ચાર્લી ડીનને માકંડિંગ આઉટ કરી હતી ત્યારે પણ ખેલદીલીનો જાપ અંગ્રેજોએ જપ્યો હતો. દીપ્તિની વારંવારની ચેતવણીને ચાર્લી ડીને અવગણી હતી અને બોલ ફેંકતા પહેલા તે ક્રીઝ છોડી રહી હતી અને દીપ્તિએ માકંડિંગ કર્યું ત્યારે ઇંગ્લેન્ડના પુરુષ ક્રિકેટરો ગુસ્સાથી પાગલ થઈ ગયા હતા. ખાસ કરીને યુવરાજ સિંહે જેનેએક ઓવરમાં 6 સિક્સર ફટકારી હતી તે સ્ટુઅર્ટ બ્રોડ લવારા કરતો જોવા મળ્યો હતો. જો કે તે થોડા સમય પહેલા ઓસ્ટ્રેલિયા સામે થયેલા પોતાના હેન્ડવર્કને ભૂલી ગયો હતો. તે મેચમાં, તેનું બેટ બોલ સાથે અથડાયું હતું, જ્યારે મૂંઝવણમાં અમ્પાયરે તેને નોટઆઉટ જાહેર કર્યો હતો, તેથી તે મેદાન પર જ રહ્યો હતો.
જો તેની પાસે આવી જ ખેલદિલી હોત તો તેણે એડમ ગિલક્રિસ્ટ જેમ મેદાન છોડીને ચાલ્યા જવાનું હતું. હવે વાત કરીએ ઈંગ્લેન્ડના ટેસ્ટ કેપ્ટન બેન સ્ટોક્સની. વન ડે વર્લ્ડકપની ફાઇનલમાં, જ્યારે જીતવા માટે 3 બોલમાં 9 રનની જરૂર હતી, ત્યારે માર્ટિન ગુપ્ટિલનો સ્ટમ્પ તરફનો થ્રો રન લેવા દોડી રહેલા બેન સ્ટોક્સના બેટને અથડાયો. આ પછી બોલ બાઉન્ડ્રી લાઇનને પાર કરી ગયો અને અંતે સ્કોર બરાબર થઈ ગયો. તે સમયે બેન સ્ટોક્સ કંઈ બોલ્યો નહોતો. ન હતી તે નિયમો હેઠળ યોગ્ય હતું અને અંગ્રેજો તેને ભાગ્ય માની રહ્યા હતા. જો ખેલદિલી હોત, તો સ્ટોક્સે અહીં 4 રન છોડી દેવા જોઇતા હતા. અથવા તો ડબલ સુપર ઓવર ટાઈના કિસ્સામાં ઈંગ્લેન્ડે ટ્રોફી ન્યૂઝીલેન્ડની સાથે વહેંચવી જોઈતી હતી.
તે ખૂબ જ વિચિત્ર છે કે હવે જ્યારે બેન સ્ટોક્સ 155 રન બનાવવા છતાં ઇંગ્લેન્ડ 43 રનથી હારી ગયું તો તે ચોંકી ગયો. દરેક વ્યક્તિ નિયમો અને કાયદાને ધ્યાનમાં રાખીને ખેલદીલીની ભાવના વિશે વાત કરી રહ્યા છે.જ્યારે ભારતીય સ્પીનર રવિચંદ્રન અશ્વિન ઈન્ડિયન પ્રીમિયર લીગમાં ઇંગ્લેન્ડના વર્તમાન વન ડે કેપ્ટન અને રાસ્થાન રોયલ્સના જોસ બટલરને માકંડિંગ રન આઉટ કર્યો. તે સમયે પણ ખેલદીલીની ભાવનાના ઢોલ પીટવામાં આવ્યા હતા, એ માકંડિંગ પણ નિયમ મુજબ જ હતું. જો જોવામાં આવે તો ઈંગ્લેન્ડ સાથે મોટી સમસ્યા છે. જો તેમની વિરુદ્ધ કંઈક થાય છે, તો તેઓ ખેલદીલીની વાતો કરીને બૂમબરાડા પાડવા માંડે છે, પણ જ્યારે તે તરફેણમાં હોય ત્યારે નિયમો કાયદાની વાત કરવા માંડે છે.
એકંદરે, તેઓએ ફક્ત તેમની સ્થિતિ જ વિચારતા આવડે છે જે યોગ્ય નથી. બીજી તરફ જ્યારે ઓસ્ટ્રેલિયન ટીમ પેવેલિયનમાં પરત ફરી રહી હતી ત્યારે ક્રિકેટને જેન્ટલમેનની રમત ગણાવતા ખુદ MCCના સભ્યો ઉસ્માન ખ્વાજા અને ડેવિડ વોર્નર પર શાબ્દિક હુમલો કરીને તેમને ચીટરના ઉપમાનથી નવાજ્યા હતા.. MCC એ કાંગારુ ટીમ સાથે દુર્વ્યવહાર કરવા બદલ 3 સભ્યોને સસ્પેન્ડ કર્યા છે. જોકે, જે પણ થયું તે ખૂબ જ શરમજનક છે. ઓછામાં ઓછું રમતના મેદાનમાં આવું ન થવું જોઈએ.