આપણે બ્રહ્મવિદ્યાની મહત્તાને સમજ્યા. કૃષ્ણ ભગવાન આગળના શ્લોકમાં સંસારના નશ્વર સ્વભાવની વાત કરીને તેનાથી ઊગરવાનો ઉપાય બતાવી રહ્યા છે. આવો આ તથ્યને ગંભીરતાથી સમજીએ. પ્રતિ ક્ષણે પ્રગતિના પંથે પાપા-પગલી નહીં, પરંતુ પૂર ઝડપે વધતા વિજ્ઞાને સુવિધા અને સુખ-સગવડોનો ધોધ વરસાવ્યો છે. ચર્મચક્ષુથી વિધવિધ રૂપનો સ્વાદ, આંગળી જેટલી જીહ્વા વડે અવર્ણનીય ભોજનનો સ્વાદ, અડધા વેંતથી ઓછા કદ ધરાવનાર બે કાન વડે વિવિધ શબ્દોનું સુખ તો ત્વચાથી કરાયેલ સ્પર્શમાત્રથી શીત-ઉષ્ણ, મૃદુ-બરછટ જેવી અપરંપાર અનુભૂતિ અને અનામિકા જેટલી નાસિકા વડે કેવા પ્રકારની ગંધનો સ્વાદ માનવે નહીં લીધો હોય? કયા લૌકિક સુખથી માનવ અપરિચિત રહ્યો હશે?હા, વોટ્સએપમાં મુકાતા મેસેજની જેમ આજની દુનિયામાં થતાં સુખનાં સંસાધનોમાં પ્રતિક્ષણે કંઈક ને કંઈક નવું મળતું જ રહે છે. તેથી જ માનવ સુવિધાની ખાણમાં ગડાડૂબ નહીં, આખેઆખો ડૂબેલો છે પરંતુ માનવીને ખબર છે કે આ સંસાર નશ્વર છે? વળી તેમાંથી બહાર આવવાનો કોઈ ઉપાય છે?
પ્રતિ માનવીના મસ્તિષ્કમાં મંડરાતા આ પ્રશ્નને ભગવાન કૃષ્ણ આ દુનિયા માટે બે વિશેષણ આપી સ્પષ્ટ કરે છે;
‘मामुपेत्यपुनर्जन्मदुःखालयमशाश्वत्तम्।
माप्नुवन्तिमहात्मानःसंसिद्धिंपरमांमताः।।(8/15)
અર્થાત્, “પ્રત્યક્ષ ભગવાનને પ્રાપ્ત કરીને ઉપાસક દુઃખનાં ઘર અને અશાશ્વત એવા આ સંસારમાંથી સદૈવ પરમ ગતિ પ્રાપ્ત કરે છે અને તેનાં જન્મ-મરણના ફેરા ટળે છે.” મુખ્ય વાત તો ઉપાય તરીકે પ્રગટ ભગવાનની મહત્તાની છે પરંતુ તે પૂર્વ સંસાર માટે જે ‘દુઃખાલય અને અશાશ્વત’ એવાં વિશેષણ વપરાયાં છે તેની પર જીવનના કેમેરાનું ફોકસ કરીએ. “We are drowning in worldly pleasures.” અર્થાત્ આપણે સુખ-સુવિધાના સ્વિમિંગ પુલમાં જાણે કૂદકા – ભૂસકા લગાવીએ છીએ. પરંતુ મિત્રો! ધોમધખતા તડકામાં ટાઢા ને આનંદદાયી સ્વિમિંગપુલમાં કલાકો સુધી પડી રહેવાથી કાંઈ કંઠનો શોષ-તરસ મટતો-ટળતો નથી. તેના માટે તો જળપાન કરવું જ રહ્યું. એમ દુનિયામાં દેખાતી લોભામણી-મોહામણી વસ્તુ શું સાચે જ સુખકારી છે? આ બાબતને માત્ર ચર્મચક્ષુથી નહીં પરંતુ અંતરના ચક્ષુથી નિહાળવાની જરૂર છે કારણ કે બાહ્ય દેખાતું રૂપાળું શરીર x- ray માં માત્ર ખોખલું હાડપિંજર જ હોય છે. તા. 28/2/1975 ના દિવસે સારંગપુરમાં સભા બાદ પૂર્ણાહુતિના સમયે પ્રમુખસ્વામી મહારાજે સૌને સારરૂપે કહ્યું કે, “સત્પુરુષ(સાચા સાધુ) નિર્દોષ છે, દેહ મિથ્યા છે અને પંચવિષય ઝેર છે. આ ત્રણને સમજીને સંસારથી પારને પામી જવું.”
ત્રણ મુદ્દામાં જાણે ત્રણે લોકનાં તમામ શાસ્ત્રનો સાર કહીને સંસારની અશાશ્વતતા ને દુનિયાની દુઃખાલયતા સમજાવી ત્રિલોક વિજયી થવા દિશા આપી દીધી. ઘણી વાર જગતમાં ચોટલી સુધી ખૂંપેલો માનવ ઇચ્છવા છતાં પણ પરમાત્માના અગાધ-અપાર મહિમા-મોહને માણી શકતો નથી કારણ કે ઢગલાબંધ દાળિયા ફાંકનારો અંતે લચીલા લાડુના આસ્વાદને ક્યાંથી માણી શકે અને અંતે નિસાસા જ નાંખ્યા કરે ને! જીવન દુર્લભ છે, મૂલ્યવાન પણ છે પરંતુ એ ન ભૂલવું જોઈએ કે તે ક્ષણિક છે. મહાવિચક્ષણ અને પંડિત પ્રવર ચાણક્યે ‘ચાણક્યનીતિ’માં કહ્યું કે,“જે વ્યક્તિ શાશ્વત અને નિશ્ચિત સુખને ત્યજીને ક્ષણિક સુખમાં લોભાય છે તેના માટે શાશ્વત સુખનું દ્વાર તો બંધ થઈ જાય છે ને વળી એ જ્યાં ફસાયો છે એ તો તત્ત્વતઃ જ ક્ષણિક છે માટે એને લાંબું સુખ ક્યાંથી મળે?”
જાણે આ જ શ્લોકનું ભાષ્ય કરતાં હોય તેમ તારીખ 7/8/1975ના રોજ ‘તારાપુર’ ગામમાં પ્રમુખસ્વામી મહારાજ સભામાં પ્રવેશ્યા. કોઈ કારણસર ત્યાં ધુમાડો હતો, ન કથાનું સુખ આવે ન બેસવાનું. આ પરિસ્થિતિ મુજબ જીવનનો અણમોલ બોધ આપતાં તેઓ કહે, “સૌની આંખોમાં ધુમાડો જાય છે, એક પણ વ્યક્તિને સુખ નથી આવતું, નહીં જોવાનું, નહીં સાંભળવાનું. જગતમાંય આવું જ છે(જે માત્ર જગતમાં અતિ આસક્ત થાય તેને) ન થાય ભગવાનનું કે ન થાય જગતનું, બેયમાંથી બગડવાનો વારો આવે અંતે પોતે જ દુ:ખી થાય.” હા, આ શ્લોકમાં પરમ ગતિ, સિદ્ધિ, મોક્ષની વાત છે કારણ કે પ્રગટ ભગવાનની પ્રાપ્તિ અને તેથી જ શાંતિ થાય એ રહસ્ય અહીં ગર્ભિત છે પરંતુ “त्यागात्शान्तिरनन्तरम्” એ ગીતા ઉપદેશ મુજબ લૌકિક, નાશવંત એવા દુ:ખાલય સમા સાંસારિક સુખમાંથી સુખબુદ્ધિનો ત્યાગ કરવો જ પડશે પછી જ શાંતિના શિખરે પહોંચવાનાં પગલાં મંડાશે. તો ચાલો, આભાસી નહીં પરંતુ અસલી આંખે સંસારને અશાશ્વત અને દુનિયાને દુ:ખાલય જાણી પ્રગટ ભગવાનનો પ્રસંગ કરીએ.