બિહારના પાટનગર પટનામાં એક મોટા રાજકીય ભૂકંપની અટકળો વહેતી થઈ છે. મુખ્યમંત્રી નીતિશ કુમાર પોતે રાજ્યસભાના સભ્ય બનશે અને બિહારની ગાદી છોડશે તેવી જોરદાર ચર્ચાઓ ચાલી રહી છે. આ તમામ અટકળો વચ્ચે 4 માર્ચ 2026 ના રોજ તેમના અત્યંત વિશ્વાસુ નેતા સંજય ગાંધીએ મુખ્યમંત્રીના નિવાસસ્થાને જઈને એક અગત્યની મુલાકાત લીધી હતી અને બહાર આવીને પત્રકારો સમક્ષ આ સમગ્ર મામલે ચિત્ર સ્પષ્ટ કરવાનો પ્રયાસ કર્યો છે.
જનતા દળ યુનાઇટેડ પક્ષના અગ્રણી નેતા અને વિધાન પરિષદના સભ્ય સંજય ગાંધીએ સ્પષ્ટ શબ્દોમાં પત્રકારોને જણાવ્યું કે તેમની અને નીતિશ કુમાર વચ્ચે રાજ્યસભાની ચૂંટણી અંગે કોઈ જ પ્રકારની વાતચીત થઈ નથી. તેમણે સ્પષ્ટતા કરતા ઉમેર્યું કે નીતિશ કુમાર હાલમાં બિહાર રાજ્યના મુખ્યમંત્રી પદ પર જ છે અને તેઓ ભવિષ્યમાં ઉપલા ગૃહમાં એટલે કે દિલ્હી જશે કે કેમ તે અંગેનો અંતિમ નિર્ણય માત્ર અને માત્ર તેઓ પોતે જ લઈ શકે છે. રાજકીય વર્તુળોમાં સૌ કોઈ જાણે છે કે નીતિશ કુમાર પોતાના રાજકીય નિર્ણયો હંમેશા અત્યંત ગુપ્ત રાખવા માટે જાણીતા છે, તેથી તેમના વતી અગાઉથી કોઈ પણ જાહેરાત કરવી યોગ્ય નથી.
નીતીશ ખરેખર ગાદી છોડે તો ઉત્તરાધિકારી કોણ?
જો ખરેખર નીતિશ કુમાર ઉપલા ગૃહમાં જવાનો ઐતિહાસિક નિર્ણય લેશે, તો મુખ્યમંત્રી પદની આ અત્યંત મહત્વપૂર્ણ ખુરશી કોને મળશે એ પ્રશ્ન બિહારમાં ઠેર ઠેર ચર્ચાઈ રહ્યો છે. રાજકીય નિષ્ણાતોના મતે ભાજ્પ મુખ્યમંત્રી પદ માટે દાવો કરશે. બીજી તરફ બિહાર સરકારના કેબિનેટ મંત્રી અને પક્ષના વરિષ્ઠ નેતા શ્રવણ કુમારે 3 માર્ચના રોજ સત્તાવાર રીતે એલાન કર્યું હતું કે મુખ્યમંત્રીના પુત્ર નિશાંત કુમાર હવે ઔપચારિક રીતે સક્રિય રાજકારણના મેદાનમાં ઉતરવા જઈ રહ્યા છે. સંજય ગાંધીએ પણ આ વાતને મજબૂત સમર્થન આપતા કહ્યું હતું કે નિશાંત કુમારમાં લોકોનું રાજકીય નેતૃત્વ કરવાની પૂરી ક્ષમતા અને આવડત રહેલી છે.
જેડીયુ કાર્યકરોમાં રોષ
આજે, એટલે કે ગુરુવારે સવારથી જ મુખ્યમંત્રી નિવાસસ્થાન બહાર મુખ્યમંત્રી નીતિશ કુમારના સમર્થનમાં પાર્ટીના કાર્યકરો સૂત્રોચ્ચાર કરી રહયા છે. તેમનું કહેવું છે કે જો નીતિશ કુમારને બદલવા હોય તો નવેસરથી ચૂંટણીઓ યોજવી જોઈએ. પાર્ટીના નેતા રાજીવ રંજન પટેલે કહ્યું કે તેઓ નીતિશ કુમારને ઉમેદવારી નોંધાવવા દેશે નહીં. નીતિશ કુમારની રાજ્યસભાની ઉમેદવારી અંગેની અટકળો વચ્ચે, જેડીયુમાં નારાજગી નોંધપાત્ર રીતે વધી ગઈ છે. પાર્ટીના કાર્યકરો ગુસ્સે છે. સેંકડો કાર્યકરો મુખ્યમંત્રી નિવાસસ્થાન બહાર વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. તેમનો આરોપ છે કે દિલ્હી નીતિશ વિરુદ્ધ કાવતરું ઘડી રહ્યું છે.