Columns

‘પનામા ડિઝીઝ’ની મહામારીથી કેળાનું અસ્તિત્વ જોખમમાં છે?

આપણું રાષ્ટ્રીય ફળ કેરી ભલે હોય પરંતુ દેશભરમાં સૌથી વધુ આરોગાતું ફળ કેળા છે. કેળા પ્રમાણમાં સસ્તા હોય છે અને તે પેટનો ખાડો તુરંત પૂરી શકે છે. દુનિયાભરમાં પણ કેળા સૌથી વધારે પ્રમાણમાં ખવાતું ફળ છે પણ હાલ આ પોષક-ટેસ્ટી ફૂડ પર ‘પનામા ડિઝીઝ’ નામનું જોખમ વધી રહ્યું છે. ‘પનામા ડિઝીઝ’ એ નામે ઓળખાતી બીમારી કેળાના છોડ પર ઝડપથી પ્રસરે છે અને તેને પૂર્ણપણે નષ્ટ કરી દે છે. આ બીમારી છેલ્લા બે દાયકાથી કેળાના છોડો પર દેખા દે છે પણ છેલ્લા વર્ષોમાં તે મહામારીની જેમ પ્રસરી રહી છે અને કેળાના ખેતરોને નષ્ટ કરી રહી છે. ઘણા વિજ્ઞાનીઓ તો ત્યાં સુધી કહે છે કે હાલમાં દુનિયાભરમાં જે કેળાનો પ્રકાર સર્વત્ર ઉપલબ્ધ છે તે ‘કેવેન્ડિશ બનાના’ આવનારા વર્ષોમાં લુપ્ત થઈ જશે. જેમ સમય જઈ રહ્યો છે તેમ વધુ વિજ્ઞાનીઓ આવી ચેતવણી ઉચ્ચારી રહ્યા છે. ખરેખર કેળાના વૈશ્વિક ઉત્પાદન અને તેની સામે ઊભા થયેલાં જોખમનું ચિત્ર શું છે?

‘પનામા ડિઝીઝ’ જેમ પ્રસરી રહ્યો છે તેમ તેની સૌથી વધુ ચિંતા આપણા દેશમાં થઈ રહી છે, તેનું કારણ વિશ્વમાં કેળાનું સૌથી વધુ ઉત્પાદન આપણા દેશમાં થાય છે. ‘પનામા ડિઝીઝ’ને અત્યારે કેળાના ‘કોવિડ-19’ સાથે સરખાવવામાં આવે છે કારણ તેના પ્રસરવાની ઝડપ અતિ તીવ્ર છે. ‘પનામા ડિઝીઝ’ ‘ફ્યુઝિરિયમ વિલ્ટ’ અને ટેક્નિકલ ટર્મમાં ‘ટ્રોપિકલ રેસ 4’ થી પણ ઓળખાય છે. આ બીમારીમાં એક પ્રકારની ફૂગ છોડમાં ઉત્પન્ન થાય છે અને ધીરે-ધીરે તે પૂરા છોડને મૃત:પ્રાય બનાવી દે છે. પહેલા બે દાયકામાં મંદ ગતિએ કેળાના છોડવાઓમાં આ બીમારી પ્રસરી પણ છેલ્લા દાયકામાં તેની ઝડપ વધી છે અને હવે તે એશિયાથી ઓસ્ટ્રેલિયા, મિડલ ઇસ્ટ, આફ્રિકા અને લેટિન અમેરિકામાં સુદ્ધાં પહોંચી છે.

લેટિન અમેરિકાના કેળા વિકસિત દેશોના સુપરમાર્કેટમાં જાય છે તેથી તેની ચર્ચા હવે મીડિયામાં પણ વધુ થઈ રહી છે. આ બીમારીના ઉકેલ અર્થે દુનિયાભરના વિજ્ઞાનીઓ રાતદિવસ એક કરી રહ્યા છે અને તે માટે તેને જિનેટિકલી મોડિફાઈડ કરવાનું વિચારે છે અથવા તો રસી માટે મહેનત કરી રહ્યા છે. આ ભીતિ સેવવાનું એક કારણ એ પણ છે કે આ પહેલાં 1950માં આવી જ બીમારીથી કેળાનો એક આખો પ્રકાર દુનિયામાંથી નાબૂદ થવાના આરે પહોંચી ગયો હતો. તે વખતે કેળાના છોડ પર લાગતી ફૂગ જેવી બીમારી એશિયામાંથી જન્મી હતી અને પછીથી તેનો પગપેસારો મધ્ય અમેરિકા સુધી પહોંચ્યો. દુનિયાના એક છેડેથી બીજા છેડે કેળાની બીમારી ઝડપથી પ્રસરે છે તેનું એક કારણ એ પણ છે કે મહદઅંશે એક જ પ્રજાતિના કેળાનું વિશ્વભરમાં ઉત્પાદન લેવાય છે.

જેમ કે 1950 અગાઉ સર્વત્ર ‘બીગ માઇક’ નામથી ઓળખાતાં જ કેળાનું ઉત્પાદન કેમ થતું? તેના અનેક કારણો છે, જેમ કે આ કેળાં ખૂબ જલદીથી ઊગે છે, તેનું ઉત્પાદન મોટા પ્રમાણમાં થાય છે, તે ટેસ્ટી પણ એટલા જ હોય છે, ઉપરાંત તે ઝડપથી બગડતા નથી, આવા અનેક લાભ આ પ્રજાતિના કેળાના છે. કેળાની આ પ્રજાતિને આટલી સફળતા મળી તેથી તેના છોડ સર્વત્ર પ્રસરતા ગયા અને માર્કેટની દૃષ્ટિએ તેના જ સૌથી વધુ છોડ વવાતા ગયા. એ રીતે મહદંશે કેળાના છોડ જિનેટિકલી સરખા છે. માર્કેટની દૃષ્ટિએ આ કેળાની પ્રજાતિનો પાક વધુ વળતર આપનારો હોય પણ મહામારીની દૃષ્ટિએ આ મસમોટી આફતના એંધાણ છે. આ કારણે દુનિયાભરમાં કેળાના અસ્તિત્વને લઈને ચિંતા જતાવવામાં આવી રહી છે. 1950 પછી ‘બિગ માઇક’ કેળાની પ્રજાતિનું રિપ્લેસમેન્ટ ‘કેવેન્ડિશ બનાના’એ લીધું.

1950ના મુકાબલે આજે ટેકનોલોજી એડવાન્સ છે અને સંશોધનનું વિશ્વ પણ ખાસ્સું વિકસ્યું છે એટલે હાલમાં ‘પનામા ડિઝીઝ’ને નાબૂદ કરવાના પ્રયોગ અનેક સંશોધકો કરી રહ્યા છે. તેમ છતાં અત્યાર સુધી તેનો કોઈ ઠોસ ઉકેલ દેખાયો નથી અને એટલે જ ‘ટાઇમ’ જેવા પ્રતિષ્ઠિત મેગેઝિનમાંય એવો લેખ 2019ના વર્ષાન્તે પ્રકાશિત થયો હતો કે, ‘વ્હૉટ વી કૅન લર્ન ફ્રોમ ધ નીઅર ડેથ ઑફ ધ બનાના’. આ લેખમાં જે વિગત ટાંકી છે તે મુજબ પૃથ્વી પરનો દરેક વ્યક્તિ વર્ષના 130 કેળા આરોગી જાય છે. એ રીતે કેળા અતિ મહત્ત્વનું ફળ છે અને આ સ્ટોરી થઈ ત્યારે કોલમ્બિયા, ઇક્વાડોર, કોસ્ટારિકા અને ગુએટામાલા જેવા દેશોમાં ‘પનામા ડિઝીઝ’ અતિ ઝડપથી પ્રસરી રહ્યો હતો. આ બધા દેશોમાં તેને લઈને ઇમરજન્સી લાગુ કરી દેવામાં આવી હતી.

ભારતમાં પણ ‘પનામા ડિઝીઝ’ પ્રસરી ચૂક્યો છે. તેમાં સૌથી વધુ પ્રભાવિત 4 રાજ્યો છે : બિહાર, ગુજરાત, મધ્ય પ્રદેશ અને ઉત્તર પ્રદેશ. આ ચારેય રાજ્યો વધુ પ્રભાવિત થવાનું કારણ કે અહીંયા કેળાની પ્રજાતિ ‘કેવેન્ડિશ’ની જ ખેતી થાય છે. આ કેળાનું માર્કેટનું ગણિત જાણીએ તો ખ્યાલ આવી શકે કે ભારતમાં કેમ ‘કેવેન્ડિશ બનાના’ની ખેતી કરવાનું ખેડૂત પસંદ કરે છે. સમજો કે એક ખેડૂત જો એક એકરમાં કેળાના પ્લાન્ટ્સ લગાવે છે તો તેમાં 250 ક્વિન્ટલ જેટલા કેળાનું ઉત્પાદન થાય છે. જેનો કિલોએ ભાવ 10 થી 12 રૂપિયા મળે છે અને તે રીતે 3 લાખ રૂપિયા એક એકરે ઉત્પાદન થાય છે. એકથી દોઢ લાખ રૂપિયાનો ખર્ચ કાઢીએ તો દોઢ લાખ સુધીનો ચોખ્ખો નફો થાય છે.

ભારતમાં આ બીમારી પ્રસરી એટલે પહેલાં તો તેના પર કોઈ ધ્યાન ન અપાયું. ખેડૂતભાઈઓ પોતાની રીતે તેનો ઇલાજ કરવા માંડ્યા, તેમ છતાં કેળાના પ્લાન્ટ્સ આ રાજ્યોમાં ટપોટપ પડવા માંડ્યા. લાખો હેક્ટરમાં કેળાનો પાક બરબાદ થયો. પણ ભારતમાં હાલમાં એક પ્રયોગથી ‘પનામા ડિઝીઝ’નો ઉકેલ શોધવાનો પ્રયત્ન થઈ રહ્યો છે અને મહદઅંશે તે સફળ પણ લાગી રહ્યો છે. તે કાર્ય ‘ઇન્ડિયન કાઉન્સિલ ઑફ એગ્રિકલ્ચર રિસર્સ’[ICAR] દ્વારા થયું છે. આના સંશોધનની શરૂઆત 2017ના વર્ષમાં થઈ જ્યારે બિહાર અને ઉત્તર પ્રદેશમાં મોટા પ્રમાણમાં કેળાનો પાક બરબાદ થયો. તે વખતે ‘ICAR’ના વિજ્ઞાનીઓએ બીમારીના સેમ્પલ લઈ તેના પર સંશોધન કાર્ય આરંભ્યું.

આ અગાઉ ‘ICAR’દ્વારા મરચાં અને ટામેટાં પર આવેલી આવી જ બીમારીનું સંશોધન થઈ ચૂક્યું હતું. તે જ પદ્ધતિથી કેળાને સુરક્ષિત કરવાનું ‘ICAR’દ્વારા કરવાનું નિર્ધારિત કરવામાં આવ્યું અને તેના પર પ્રયોગો થયા. છેલ્લે 2018ના અરસામાં ‘ICAR’દ્વારા તે ટેક્નિકથી ‘ફ્યુઝકોન્ટ’નામની એક દવા શોધવામાં આવી, જે નિર્માણ થઈ હતી એક ‘ટ્રીચોડર્મા ઇસી’નામની એક ફૂગથી જ. આ દવા મૂળમાં લાગતા સડાથી પ્લાન્ટ્સને સુરક્ષિત રાખે છે. તેને સમયાંતરે પ્લાન્ટ્સમાં નાંખવાની હોય છે, આ અંતર 14 અથવા 16 મહિનાનું છે. ઉત્તર પ્રદેશમાં સૌ પ્રથમ તે પ્રયોગ થયો અને જે ખેડૂતોએ આ દવા છાંટી તેઓનું નુકસાન અન્ય કેળાના ખેતરો કરતાં ઓછું આવ્યું.

‘પનામા ડિઝીઝ’ જ્યારે પ્રસરી રહ્યો હતો ત્યારે તેનાથી બચવા માટે ‘કોવિડ-19’ જેવા નિયમો જ ખેતરોમાં લાગુ કરવામાં આવ્યા હતા. જેમ કે, એક ખેતરમાંથી બીજા ખેતરમાં આ બીમારી ન પ્રસરે તે માટે એક જગ્યાએ જે ઉપકરણ ઉપયોગમાં લીધા હોય તે યોગ્ય રીતે ધોઈને જ બીજી જગ્યાએ ઉપયોગ કરવા. તદ્ઉપરાંત એક ખેતરમાં કામ કર્યા બાદ વ્યવસ્થિત હાથ-પગ ધોઈને બીજા ખેતરમાં પ્રવેશવું પણ આ નિયમો પાળવા-પળાવવા મુશ્કેલ છે, તે કોરોનામાં સાબિત થઈ ચૂક્યું છે. તેથી બધે જ ‘પનામા ડિઝીઝ’ ઝડપથી પ્રસર્યો. જો કે કેળાની ખેતીમાં આપણા દેશનો નોંધપાત્ર હિસ્સો હોવા છતાં ભારતમાં ‘પનામા ડિઝીઝ’થી થયેલા નુકસાનનું મૂલ્યાંકન પૂરેપૂરું થઈ શક્યું નથી. છૂટાછવાયા મીડિયા રિપોર્ટસથી તેનો એક અંદાજ નીકળ્યો છે, પરંતુ વિધિવત્ રીતે અહેવાલ બન્યો નથી.

અન્ન સુરક્ષાર્થે આ પ્રકારના અભ્યાસ, જે-તે ખેતપાકના પ્રશ્નો અને તેના ઉકેલોનું વ્યાપક નિરીક્ષણ જરૂરી છે. જો તેમ ન થાય તો જેમ કોરોના મહામારીમાં માનવીય નુકસાન થયું તેવું નુકસાન અન્ન સુરક્ષા બાબતે ભોગવવા તૈયાર રહેવું પડશે. આ પૂરા પ્રકરણમાં છેલ્લી અપટેડ એ છે કે ‘ઇન્ટરનેશનલ એટોમિક એનર્જી એજન્સી’ના સંશોધકો પરમાણુ દ્વારા આ બીમારીને દૂર કરવાના પ્રયાસ કરી રહ્યા છે અને પ્રાથમિક તબક્કામાં તેના પરિણામો ઉત્સાહજનક છે.

Most Popular

To Top