Comments

દ્રૌપદી મૂર્મુ સામે વિપક્ષોનાં ગાત્રો ગળી રહ્યાં છે?

ભારતના રાષ્ટ્રપ્રમુખની આગામી ચૂંટણી માટે યુદ્ધની વ્યૂહરચના ધાર્યા કરતાં વહેલી ગોઠવાઇ છે. ભારતના આ સર્વોચ્ચ પદ માટે ભારતીય જનતા પક્ષ તેના ચૂંટણીલક્ષી રાજકારણને અનુરૂપ ગણતરીપૂર્વકની ચાલ ચાલશે એ બાબતમાં કોઇ શંકા જ ન હતી. એક આદિવાસી મહિલા અને ઝારખંડનાં ભૂતપૂર્વ રાજય પાલ શ્રીમતી દ્રૌપદી મૂર્મુની પસંદગી શાસક પક્ષનો માસ્ટર સ્ટ્રોક છે. ૨૦૨૪ ની લોકસભાની ચૂંટણી ઉપરાંત ગુજરાત અને અન્ય રાજયોની વિધાનસભાની ચૂંટણી પર નજર રાખવા સાથે ભારતીય જનતા પક્ષે જાહેર કરેલી સોશ્યલ એન્જીનીયરિંગની હિલચાલ સાથે આ પસંદગી બરાબર મેળ ખાય છે. કોઇ શંકા હોય તો એ ભારતીય જનતા પક્ષ અને તેના સાથીઓની તાકાતને પડકારવા સંયુકત ઉમેદવાર મૂકવા માટે કોઇ નિર્ણય પર વિરોધ પક્ષની છાવણી આવી શકે છે કે નહીં, તેના વિશે છે.

આમ છતાં વિરોધ પક્ષે ભૂતપૂર્વ અમલદારમાંથી રાજકારણી બનેલા અને વાજપેયી સરકારમાં પ્રધાન રહી ચૂકેલા યશવંતસિંહાના નામ પર મંજૂરીની મહોર મારી આશ્ચર્ય સર્જયું હતું.  પોતાની એકતા સામેના અવરોધો પાર કરવાની ભૂતકાળના ઇતિહાસથી આ ઉલટું છે. કેન્દ્રમાં અઢી વર્ષના શાસન પછી કડડભૂસ થઇ ગયેલી તે સમયની જનતા પાર્ટી વિશે એક રાષ્ટ્રીય સામયિકે સૂત્ર આપ્યું હતું: એક થવાથી આપણે પડી જઇએ છીએ. જુદા જુદા રહીશું તો ટકી શકીશું. જનતા પાર્ટી તે સમયનાં વડાં પ્રધાન ઇંદિરા ગાંધીને ૧૯૭૭ ની ચૂંટણીમાં હરાવી સત્તા પર આવી હતી પણ નવરચિત પક્ષમાં તેના રચના કાળથી જ એકતા સાધવાનું પડકારરૂપ હતું.

હવે પડકાર વધી ગયો છે અને તે અગ્નિ પરીક્ષા સમાન બની ગયો છે. મોદીની કુનેહથી પક્ષપલટાની રમત ચાલુ છે.  વિરોધ પક્ષ નાનો હોય કે રાષ્ટ્ર કક્ષાનો, દરેક પાસે વડા પ્રધાન બનવાની મહત્ત્વાકાંક્ષા રાખનાર નેતાઓ છે અને હવે તેથી જ ચાર દાયકા પહેલાં જનતા પાર્ટી કડડભૂસ થઇ ગઇ હતી. ૧૯૯૦ ના દાયકામાં પણ આવો જ ખેલ થયો હતો. બે વર્ષ પછી સામાન્ય ચૂંટણી આવે છે અને વડા પ્રધાનપદની ઇચ્છા પરોક્ષ રીતે આગળ આવી છે અને રાષ્ટ્ર પ્રમુખપદની ચૂંટણીએ મોકો પૂરો પાડયો છે. કોંગ્રેસ, તૃણમૂલ કોંગ્રેસ, નેશનાલિસ્ટ કોંગ્રેસ પક્ષ, આમ આદમી પક્ષ અને રાષ્ટ્રીય તેલંગણા સમિતિ વચ્ચેની લડાઇ ભારતીય જનતા પક્ષ અને તેના સાથીઓના ઉમેદવાર સામે સંયુકત ઉમેદવાર મૂકવાના મામલે ધરીરૂપ બનવા માટેની તક ઝડપી લેવા માટેની લડાઇ ઉગ્ર બની રહી છે.

શરદ પવાર, ડો. ફારૂક અબ્દુલ્લા અને ગોપાલ ગાંધીએ ઉમેદવારીની ના પાડતાં વિરોધ પક્ષો માટે યશવંત સિંહાનું નામ નકકી કરવાનું સહેલું થઇ ગયું છે. છતાં વિરોધ પક્ષો માટે પોતાના વિરોધી એટલે કે ભારતીય જનતા પક્ષને કડક સંદેશો પાઠવવાનું મુશ્કેલ બની ગયું છે. તેલંગણા રાષ્ટ્રીય સમિતિના વડા કે.ચંદ્રશેખર રાવ અને દ્રવિડ મુનેત્ર કળગમના વડા અને તામિલનાડના મુખ્ય પ્રધાન સ્તાલિન જેવા નેતાઓ કયાં તો દૂર રહ્યા છે અથવા પોતાના પ્રતિનિધિઓ મોકલ્યા છે. ઓરિસ્સાના મુખ્ય પ્રધાન નવીન પટનાઇક અને વાય.એસ.આર. કોંગ્રેસના વડા અને આંધ્રના મુખ્ય પ્રધાન જગમોહન રેડ્ડી જેવા નેતાઓ અકળ જ રહ્યા છે. આ સંજોગોમાં યશવંતસિંહાના સંજોગો ઉજળા છે. પણ મોદીએ મૂર્મુનું પત્તું ફેંકી પરિણામ બદલવાની શકયતાનાં પાસાં પોતાની તરફેણમાં ફેંકયાં છે.

મૂર્મુની આદિવાસી પશ્ચાદ્‌ભૂએ પટનાઇકને પોતાની તરફેણમાં કરવા માટેની વિરોધ પક્ષની તમામ આશાઓ પર પાણી ફેરવી દીધું છે અને ભારતીય જનતા પક્ષ અને સાથી પક્ષોનું પલ્લું નમાવ્યું છે. રાષ્ટ્ર પ્રમુખપદ માટે પસંદ કરાયેલા દ્રૌપદી મૂર્મુ આ પદ માટેનાં પહેલા આદિવાસી ઉમેદવાર છે. તેમનો વિજય થશે તો તેઓ પહેલા મહિલા રાષ્ટ્રપ્રમુખ હશે. આ પહેલાં યુ.પી.એ. શાસનમાં પ્રતિભા પાટિલ રાષ્ટ્રપ્રમુખ થઇ ચૂકયાં છે. દ્રૌપદી મૂર્મુની પસંદગી પાછળ માત્ર મતદારો જ નહીં, જ્ઞાતિ, ધર્મ અને પ્રદેશ તેમજ ચૂંટણીના ભાવિ જંગ બધાને ગણતરીમાં લેવામાં આવ્યા છે.

ભારતીય જનતા પક્ષે ગયા વખતે એક દલિત રામનાથ કોવિંદની ઉમેદવાર તરીકે પસંદગી કરી હતી. હવે તેમણે એક આદિવાસીની પસંદગી કરી છે. ભારતીય જનતા પક્ષ જે પોતાના ઉપલી જ્ઞાતિના ટેકાની ઉપર વિચાર્યું છે તેની નજર ૨૦૨૪ ની ચૂંટણી પર છે. વિપક્ષી મહારથીઓ કેવી રીતે આ ચૂંટણી જંગ રમે છે તે જોવાનું રહ્યું. પટનાઇક મુર્મૂને ટેકો આપે તો વિપક્ષ નેતાઓ વાય.એસ.આર. કોંગ્રેસ અને જનતા દળ (યુ) જેવા વાડ પર બેઠેલા પક્ષને મનાવી શકશે અને ભારતીય જનતા પક્ષને ધારાસભ્યોની ખરીદીથી દૂર રાખી શકશે.
આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top