મહારાષ્ટ્રમાં ચાલી રહેલા મેલોડ્રામા વચ્ચે હું તમારું ધ્યાન મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના વડા રાજ ઠાકરેએ મંગળવારે જે કહ્યું તેના તરફ દોરવા માંગુ છું. તેમણે કહ્યું હતું કે “શરદ પવાર કહે છે કે તેઓ જાણતા ન હતા કે તેમના નેતાઓ રાજીનામું આપવાના છે. આવું ન હોઈ શકે. આ બધું શરદ પવારનું રાજકીય નાટક છે. દિલીપ વલસે પાટીલ, પ્રફુલ પટેલ અને છગન ભુજબળ જેવા ટોચના નેતાઓ અન્ય છાવણીમાં જોડાય તે સામાન્ય બાબત નથી. આજે મહારાષ્ટ્રમાં કોણ કોના હરીફ છે તેની કોઈને ખબર નથી.
જો આવતી કાલે પવાર સાહેબની પુત્રી સુપ્રિયા સુલેને કેન્દ્રીય મંત્રી બનાવવામાં આવે તો મને આશ્ચર્ય થશે નહીં.’’રાજ ઠાકરે જે કહે છે તે વાત મહારાષ્ટ્રમાં ઘણા માને છે. શરદ પવારનો રાજકીય ઇતિહાસ જોતાં તેઓ સહેલાઈથી હાર માને તેવા નથી. હકીકત એ છે કે અજિત પવારે કાકાના પગ નીચેથી જમીન સરકાવી લીધી હતી અને છતાં કાકાએ તેમના બળવાખોર ભત્રીજા વિશે એક શબ્દ પણ ઉચ્ચાર્યો નથી. પ્રફુલ પટેલ અને અજિત પવારની ટીકા કરવી ખૂબ જ સરળ છે. તમે કહી શકો છો કે શરદ પવારે આ બંનેને આજે જે છે તે બનાવ્યા છે. શું તે બંનેએ તેમના માર્ગદર્શક સાથે ખરેખર દગો કર્યો છે કે તેમનું કૃત્ય શરદ પવારની ચાલનો એક ભાગ છે?
શરદ પવારે તેમના ગુરુ વસંતદાદા પાટીલની સરકારને ૩૫ વર્ષ પહેલાં, જુલાઈ, ૧૯૭૮માં ઉથલાવી પાડી હતી અને પોતે મુખ્ય પ્રધાન બન્યા હતા. વસંતદાદા શરદ પવારના ગુરુ, માર્ગદર્શક અને આશ્રયદાતા હતા. વસંતદાદા પાટીલ મુખ્ય પ્રધાન હતા અને યશવંતરાવ ચવ્હાણે કોંગ્રેસ (આઈ)માંથી વોકઆઉટ કરીને કોંગ્રેસ(યુ)ની રચના કરી હતી. શરદ પવાર પણ કોંગ્રેસ (યુ)માં હતા. મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં જનતા પાર્ટી એકમાત્ર સૌથી મોટી પાર્ટી બની હતી, પરંતુ જનતા પાર્ટીને સત્તાથી દૂર રાખવા માટે કોંગ્રેસ(આઈ) અને કોંગ્રેસ(યુ) એ હાથ મિલાવ્યા હતા.
થોડા મહિનાઓમાં શરદ પવારે કોંગ્રેસ(યુ) ધારાસભ્યોની મદદથી બળવો કર્યો, જનતા પાર્ટી સાથે હાથ મિલાવ્યા અને ૩૮ વર્ષની ઉંમરે ભારતના સૌથી યુવા મુખ્ય મંત્રી બન્યા હતા. શરદ પવાર રોટી પલ્ટો (રોટી પલટાવી નાખવાની) કળામાં ઉસ્તાદ રહ્યા છે અને લાગે છે કે અજિત પવારે આ કળા તેમના કાકા પાસેથી બરાબર શીખી છે. બે વર્ષ પહેલાં શરદ પવારે તેમના ભત્રીજા અજિત પવારને મધ્યરાત્રિના ડ્રામા દરમિયાન ભાજપ સાથે હાથ મિલાવવાની મંજૂરી આપી હતી, પરંતુ છેલ્લી ક્ષણે નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટીના વડાએ અચાનક જ તેમની મંજૂરી પાછી ખેંચી લીધી હતી અને તેમના ભત્રીજાને કરુણ અંજામ આપ્યો હતો.
અજિત પવાર કેવી રીતે ભૂલી શકે કે તેમના કાકાએ જ ઉદ્ધવ ઠાકરેને ભાજપ સાથે દગો કરવા માટે ઉશ્કેર્યા હતા? અજિત પવાર કેવી રીતે ભૂલી શકે કે તેમના કાકાએ હાથમાં રિમોટ કંટ્રોલ રાખીને ગઠબંધન સરકાર ચલાવવાનો નિર્ણય લીધો હતો? પાછળથી એકનાથ શિંદેએ આ કળા શીખી લીધી અને ઉદ્ધવ ઠાકરેને દગો આપ્યો હતો. મહારાષ્ટ્રની રાજનીતિમાં પીઠમાં છરો મારવો, વિશ્વાસઘાત કરવો, સરકારો પાડી દેવી, પક્ષોને વિભાજિત કરવા એ કોઈ નવી વાત નથી. અહીં દરેક વ્યક્તિ કાચનાં ઘરોમાં રહે છે અને દરેક વ્યક્તિ પથ્થરો ફેંક્યા કરે છે. હકીકત એ છે કે શરદ પવાર તેમનો પક્ષ તેમની પુત્રી સુપ્રિયા સુલેને સોંપવા માંગે છે પણ તેમને ખબર હતી કે પક્ષમાં બળવો થવાનો હતો. જો લાલુ તેજસ્વીને પોતાનો વારસદાર બનાવી શકે, જો સોનિયા ગાંધી રાહુલને પોતાના વારસદાર બનાવી શકે, જો ઉદ્ધવ ઠાકરે તેમની પાર્ટી તેમના પુત્ર આદિત્યને સોંપવાનું શરૂ કરે, તો આ પક્ષોના નેતાઓને એ વાતનો અહેસાસ થવા લાગશે કે ભવિષ્ય માટે તેમના દરવાજા બંધ છે. આ કારણે તેઓ હતાશામાં આવીને બળવો કરવા પ્રેરાતા હોય છે.
બીજી મોટી સમસ્યા એ છે કે પાર્ટીના સુપ્રીમો, પછી ભલે શરદ પવાર હોય કે લાલુ યાદવ કે સોનિયા ગાંધી કે ઉદ્ધવ ઠાકરે, ઈચ્છે છે કે તેઓને તેમના પક્ષના નેતાઓ અને કાર્યકર્તાઓ તરફથી જે આદર અને પ્રશંસા મળે છે, તે તેમનાં સંતાનોને પણ મળવો જોઈએ, પરંતુ વ્યાવહારિક જીવનમાં એવું બનતું નથી. તેમના પક્ષના કાર્યકરોએ મુલાયમ સિંહ યાદવ, શરદ પવાર અને લાલુપ્રસાદ યાદવને અથાક ગામડાંનો પ્રવાસ કરતા જોયા છે. તેઓને પગમાં ઘા ન થાય ત્યાં સુધી તેઓ દરરોજ માઈલ સુધી ચાલતા હતા. તેઓએ તેમની પાર્ટીઓ બનાવવામાં, તેમના કાર્યકરો સાથે અંગત સંબંધો બાંધવામાં, તેમને મદદ કરી, સુખ-દુઃખના સમયે તેમની પડખે ઊભા રહીને જીવન વિતાવ્યું, પરંતુ તેમની નવી પેઢીના ઉત્તરાધિકારીઓ તેમ કરી શક્યા નહીં.
આજે પણ પ્રફુલ પટેલ અને અજિત પટેલ જેવા બળવાખોરો શરદ પવાર વિશે આદરના શબ્દો સાથે બોલે છે. તેઓએ શરદ પવારને તેમના ગુરુ ગણાવ્યા, ગુરુ પૂર્ણિમાના દિવસે વંદન કર્યા અને કહ્યું કે નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટીને સત્તામાં લાવવી એ તેમના માર્ગદર્શકને ગુરુદક્ષિણા અર્પણ કરવાની તેમની શૈલી હતી. આ ગુરુદક્ષિણા તેમને જોઈતી હતી ખરી? છેલ્લા ૭૨ કલાકમાં મહારાષ્ટ્રની રાજનીતિમાં જે કંઈ પણ થયું તેમાં ભાજપ સૌથી વધુ જીત્યો અને શરદ પવાર સૌથી વધુ હાર્યા છે. ભાજપે ઉદ્ધવ ઠાકરે સામે બદલો લીધો અને હવે તેણે તે જ સ્ટાઈલમાં શરદ પવારને પાઠ ભણાવ્યો છે.
એકનાથ શિંદે અને તેમના ધારાસભ્યો પર ભાજપની નિર્ભરતા હવે ઓછી થઈ ગઈ છે. ભાજપના નેતૃત્વને લાગે છે કે તે આવતા વર્ષે મહારાષ્ટ્રમાં કુલ ૪૮ લોકસભા બેઠકોમાંથી ઓછામાં ઓછી ૪૦ થી ૪૫ જીતવામાં તેમનો પક્ષ સફળ થશે અને રાષ્ટ્રીય સ્તરે તેણે વિપક્ષી એકતાના પ્રયાસોને ખરાબ રીતે ફટકો માર્યો છે. મહારાષ્ટ્રના રાજકારણમાં શરદ પવારને મહાન માસ્ટરમાઇન્ડ માનવામાં આવતા હતા. તેમને ખબર ન હતી કે તેમની ટોચની નેતાગીરીએ બળવો કર્યો છે અને લગભગ આખો પક્ષ બોલ્ડ થઈ ગયો છે. શરદ પવારે પાર્ટીની બાગડોર તેમની પુત્રી સુપ્રિયા સુલેને સોંપવાની યોજના બનાવી હતી અને તેમણે નાટકીય રીતે તેનો અમલ કર્યો હતો.
સૌથી અદ્ભુત વાત એ છે કે, લોકો હજુ પણ કહી રહ્યા છે કે શરદ પવાર પુનરાગમન કરવા જઈ રહ્યા છે અને છેલ્લા બે દિવસમાં જે પણ ઘટનાઓ બની છે તે તેમના ગેમપ્લાનનો ભાગ હતો. શું શરદ પવાર પણ ભાજપમાં જોડાશે? તેની તૈયારી રૂપે અજિત પવાર સરકારમાં જોડાયા છે? તે તો આવનારો સમય જ કહેશે. સત્તાના ગલિયારામાં સક્રિય લોકો જાણે છે કે અજિત પવાર અને પ્રફુલ પટેલ લાંબા સમયથી ભાજપની છાવણીમાં જોડાવાના પક્ષમાં હતા. તેઓએ આ અંગે શરદ પવાર સાથે વાત કરી હતી અને એનસીપી વડાએ તેમને મંજૂરી આપી દીધી હતી.
છેક છેલ્લી ઘડીએ શરદ પવારે પોતાનો વિચાર બદલી નાખ્યો. તેમણે તેમનું રાજીનામું પાછું ખેંચી લીધું અને સુપ્રિયા સુલે અને પ્રફુલ પટેલ બંનેને કાર્યકારી પ્રમુખ બનાવ્યા. અજિત પવાર આ ઘટનાક્રમથી નારાજ હતા. ત્યાર પછી તેણે રોટી પલટાવી લેવાનું નક્કી કર્યું અને આ પ્રક્રિયામાં તેમણે આખો તવો જ પલટી નાખ્યો. આવા તંગ વાતાવરણમાં પણ શરદ પવાર મસ્ત દેખાય છે. તેમણે કહ્યું છે કે તેઓ કોર્ટના ચક્કર લગાવશે નહીં અને તેના બદલે લોકોની અદાલતમાં જશે અને દુનિયાને બતાવશે કે શેરીમાં રહેતો માણસ કોને ઇચ્છે છે. શરદ પવારનો ગેમપ્લાન હજુ સમજમાં આવતો નથી.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.